________________
ભાવન-વિભાવના વેશ્યા બનેલી કુંતીના પરિવર્તનની કથા નોખી ભાત પાડે છે. માતૃપ્રેમની આર્તચીસે જાગ્રત બનેલી કુંતીની વાત્સલ્યધારા તમામ અવરોધને વટાવીને ચોધાર વહે છે.
વાર્તાના ઘાટનો વિચાર કરીએ તો ‘જુમો ભિસ્તી’, ‘ભીખુ', ‘રતનો ઢોલી' અને અંતને બાદ કરતાં ‘ભૈયાદાદા’ સુશ્લિષ્ટ રચના ગણી શકાય. ટેકનિકની વિશેષતાની દૃષ્ટિએ ‘અરીસો' નવલિકા વિલક્ષણ ગણાય, જેમાં આખો કથાપ્રવાહ અરીસા પર જ વહે છે. ‘તારણહાર’, ‘મદભર નૈના', ‘આત્માનાં આંસુ’, ‘કેસરી વાઘા” અને ‘સોનેરી પંખી' જેવી નવલિકાઓમાંથી થોડું ગાળી નાખ્યું હોત તો એના કલાઘાટની સુરેખતા ઓર વધી ગઈ હોત. ‘ભૈયાદાદામાં ભૈયાની પરોક્ષ ઉપસ્થિતિથી થતો વાર્તાપ્રારંભ નોંધપાત્ર ગણાય.
ધૂમકેતુના પુરોગામીઓ અને સમકાલીનો નવલિકામાં પ્રત્યેક વિગત એટલી મૂર્તિ બનાવીને મૂકતા કે વાચકને કશું વિચારવાનું રહેતું જ નહીં. સર્જક ભાવકની આંગળી ઝાલીને એને વાર્તા પ્રદેશમાં દોરતો. આથી સહૃદયની શક્તિને પડકાર કે આહ્વાન થતું નહીં, પણ ધૂમકેતુની નવલિકા વિશેની વિભાવના આ વિષયમાં સારી એવી સૂઝ ધરાવનારી છે. તેઓ કહે છે : “નવલકથા જે કહેવાનું હોય તે કહી નાખે છે. ટૂંકીવાર્તા કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું હોય તેનો માત્ર ધ્વનિ જ - તણખો જ - મૂકે છે.” પરંતુ ધૂમકેતુનું સર્જન એમની આ વિભાવનાને ક્યાંક ચાતરી જાય છે. લલિતમોહન અને સુકેશી જેવાં પાત્રોની સૂત્રાત્મક ઉક્તિમાંથી નવલિકાનું રહસ્યોદ્ઘાટન થઈ જાય છે. ‘અખંડ જ્યોત’ કે ‘ગોવિંદનું ખેતર' જેવી વાર્તાઓ તો રહસ્યની ખીંટી પર ટાંગેલા ડગલા જેવી બની ગઈ છે. ટૂંકીવાર્તાએ તો ધ્વનિ જ - તણખો જ - મૂકવાનો, એવી સમજ ધરાવનારા સર્જક ધૂમકેતુ વાચકને સહેજે આયાસ કે શ્રમ ન કરવો પડે એટલી હદે કથયિતવ્યને પ્રગટ કેમ કરતા હશે ? શું
વાર્તાકાર ધૂમકેતુ ભાવક વિશેની એમની શ્રદ્ધા ઓછી હશે ? આમાં ભાવકની શક્તિના અપમાનની સાથેસાથે સર્જકને ખુદ પોતાનામાં ઓછો વિશ્વાસ લાગે છે. એ ગમે તે હોય, પણ ભાવકનો ‘અવ્યક્ત મધુર” ખોળવાનો આનંદ તો કરી જ લે છે !
| ‘તણખા મંડળ ૪'ની પ્રસ્તાવનામાં ધૂમકેતુ લખે છે કે કેટલીક વખત નવલિકાનું સૌંદર્યદર્શન એક જ વાક્યમાં થતું હોય છે. ધૂમકેતુની વાર્તાઓમાંથી આ ‘એક જ વાક્ય લેખક પોતે બોલીને વાર્તાના હાર્દને અનાવૃત્ત કરી દે છે. ક્યારેક વાર્તાના અંતે લાંબા ગદ્યખંડ પણ આવી રીતે જ લટકાવેલા હોય છે. આ સમયે જયંતિ દલાલની એક વાત યાદ આવે છે. તેઓએ કહ્યું હતું કે ધૂમકેતુએ કુમાર કાર્યાલયમાં ‘તણખા મંડળ ૧' છપાવવા આપ્યું ત્યારે તેમાંથી દરેક વાર્તાને અંતે એમાંથી નીકળતો સાર લખ્યો હતો. શ્રી બચુભાઈ રાવતે એનું સંપાદન કરતી વેળાએ આવો સાર કાઢી નાખ્યો હતો.
ધૂમકેતુના ગદ્ય અંગે નવેસરથી વિચાર કરવાની જરૂર છે. ધૂમકેતુના ગદ્યમાં લય, ચોટ, ઉત્કટતા અને ચિત્રાત્મકતા છે અને છતાંય દુર્બોધતા નથી. સળંગ વહેતા ઝરણા જેવું એમનું ગદ્ય છે. એમાં તર્ક કરતાં ઊર્મિનું બળ વિશેષ પ્રગટ થાય છે. કશીય વાગ્મિતાનો આશ્રય લીધા વિના ધૂમકેતુનું ગદ્ય સૂત્રાત્મક અને કાવ્યમય બની શકે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોર, ખલિલ જિબ્રાન અને ઉમર ખય્યામના રંગદર્શી અધ્યાત્મનો એમાં અણસાર જોવા મળે છે. ગુજરાતી ગદ્યને સર્જનાત્મક છટા અને અપૂર્વ લયવાહિતાથી ધૂમકેતુએ પ્રયોજ્યું છે. એમની વર્ણનકલા પણ એટલી જ મોહક છે. આનંદપુરના એક ખૂણાનું, નંદગિરિનું, ભૈયાદાદાની ઓરડીનું કે દરવેશની ઝૂંપડીનું તેમ જ, ‘પોસ્ટ ઑફિસમાં આવતું પાછલી રાતનું અને ‘ભીખુ માં પ્રારંભનું વર્ણન વાર્તાને ઉઠાવ આપે છે. અમુક મનોદશા કે પરિસ્થિતિ આલેખતાં આ વર્ણનો ભાવોને સાકાર કરવાની સાથે ચિત્રાત્મકતા