________________
૧૦૨
ભાવન-વિભાવન
જેવો છે. પોતાના વાર્તાસર્જનના આરંભના સમય વિશે લખતાં તેઓ
કહે છે કે -
“ત્યારે પણ મનમાં એક ભાવ તો સ્પષ્ટ છે - વાર્તા લખીશ તો ધૂમકેતુ જેવી તો નથી જ લખવી.”
“આવો ભાવ સેવવામાં ધૂમકેતુની શક્તિની અવહેલના નથી. એનું બહુમાન છે. મનમાં ખાતરી જ છે કે ઉપરથી નીચે પછડાઉં તોયે તેમની ભાષા, તેમનું કાવ્ય, તેમનું કૌવત મારા લખાણમાં આવે નહીં. તો પછી શા માટે અશક્યને શક્ય બનાવવાની મહેનત કરવી ? આપણને આવડે અને આપણને ફાવે એવો આપણો જ માર્ગ આપણે ન શોધી લેવો ?"
બીજો એક પ્રશ્ન એ છે કે ધૂમકેતુની બધી વાર્તાઓ એકસાથે વાંચી શકાય ખરી ? એમના પહેલા નવલિકાસંગ્રહ ‘તણખા મંડળ ૧થી માંડીને એમના છેલ્લા નવલિકાસંગ્રહ ‘છેલ્લો ઝબકારો' સુધીની કુલ ૪૯૨ વાર્તાઓ તો એકસાથે ન વાંચી શકાય. તણખા મંડળના ચાર ભાગ વાંચતાં એમાં એકરંગી પુનરાવર્તન અને એકવિધતા લાગે છે, જ્યારે ‘દ્વિરેફ'માં સતત તાજગીનો અનુભવ થાય છે.
આમ ધૂમકેતુની નવલિકાઓમાં સર્જકચિત્તને થયેલો સૌંદર્યાભિમુખતા અને વાસ્તવિકતાનો સ્પર્શ અનુભવાય છે. જીવંત પાત્રચિત્રણ અને સર્જનાત્મક છટાવાળી ગદ્યશૈલી આકર્ષક બને છે. સર્જનવ્યાપારના સાચા ફળ જેવી આ નવલિકાઓ તીવ્ર ઊર્મિક્ષોભને કારણે સર્જાયેલી છે અને તેથી જ અમુક મર્યાદા છતાં ધૂમકેતુની નવલિકાઓ સાહિત્યના પટ પર સ્થિર તેજે પ્રકાશ્યા કરશે એમાં શંકા નથી.
છ
અબ ટૂટ ગિરેંગી ઝંજીરે
પાકિસ્તાનના ફૈઝ અહમદ ફૈઝ અને ભારતના ફિરાક ગોરખપુરી એ ઓગણીસમી સદીના બે મહાન ઉર્દૂ કવિ થઈ ગયા. ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું. ફિરાક ગોરખપુરી પોતાના મિત્રો સાથે બેસીને રેડિયો પરથી યુદ્ધના છેલ્લા અહેવાલો સાંભળતા હતા. એમણે સાંભળ્યું કે ભારતીય સેના આગળ વધી રહી છે ત્યારે ફિરાકનું દેશપ્રેમી દિલ એકાએક પોકારી ઊઠ્યું,
“બસ, આ જ ખરો મોકો છે. ભારતે પાકિસ્તાનનાં શહેરો પર બૉમ્બમારો શરૂ કરી દેવો જોઈએ.” ફિરાકના એક મિત્રે જરા વેદનાથી કહ્યું, “ફિરાકસાહેબ, બૉમ્બમારો થાય, પણ એક બૉમ્બ ફૈઝ પર પડે તો ? બૉમ્બને સરનામું હોતું નથી અને એ કોઈને અપવાદ ગણતો નથી.”