Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
१० देवगईणं भंते ! केवइयं कालं विरहिया उव्वट्टणाए पण्णत्ता ? गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! દેવગતિમાં મરણનો વિરહકાલ કેટલો છે? ઉત્તર- હે ગૌતમ! તેના મરણનો વિરહકાલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનો છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં નરકાદિ ચાર ગતિ અને પાંચમી સિદ્ધગતિના જઘન્ય-ઉત્કૃષ્ટ ઉત્પત્તિ સંબંધી વિરહકાળનું તથા સિદ્ધગતિને છોડી ચાર ગતિના મરણ સંબંધી વિરહકાળનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
આ સંસારમાં અનંત જીવો પરિભ્રમણ કરી રહ્યા છે. તે જીવોના જન્મ-મરણ ચારે ગતિમાં ચાલુ હોય જ છે. તેમ છતાં ક્યારેક એવો સમય આવે કે જ્યારે તે તે ગતિમાં એક પણ જીવ જન્મ કે મરણ પામતા ન હોય. જે સમયે એક પણ જીવનું જન્મ મરણ ન હોય, તે કાલને વિરહકાલ કહે છે. જન્મના વિરહકાલને ઉપપાત વિરહકાલ અને મૃત્યુના વિરહકાલને ઉદ્વર્તના વિરહકાલ કહે છે. ઉપપાત વિરહકાલઃ- તે-તે ગતિમાં જેટલા સમય સુધી એક પણ નવો જીવ જન્મ ધારણ ન કરે; તેટલા સમયને તે-તે ગતિનો ઉપપાત વિરહકાળ કહે છે. નરકગતિ વિરહકાલ– જેટલા સમય સુધી સમુચ્ચય નરકગતિમાં– સાતે નરકમાંથી કોઈ પણ નરકમાં નવા નૈરયિકનો જન્મ ન થાય, તેટલા કાલને નરકગતિનો ઉપપાત વિરહકાળ કહે છે. નરકાદિ ચારે ય ગતિઓનો ઓછામાં ઓછો ઉપપાત વિરહકાળ એક સમય અને વધુમાં વધુ બાર મુહૂર્તનો છે અર્થાત્ બાર મુહૂર્ત સુધી નરકગતિમાં એક પણ નવો નારકી ઉત્પન્ન થતો નથી. બાર મુહૂર્ત પછી સાત નરકમાંથી કોઈ પણ નરકમાં એક કે અનેક જીવો અવશ્ય ઉત્પન્ન થઈ જાય છે.
તિર્યંચગતિ વિરહકાલ– તિર્યંચગતિમાં પાંચ સ્થાવર જીવોમાં નિરંતર જન્મ-મરણ થયા જ કરે છે. તેથી ત્યાં જન્મ-મરણનો વિરહ નથી. પરંતુ સૂત્રકારે તિર્યંચગતિમાં બાર મુહૂર્તનો વિરહકાલ કહ્યો છે, તે અન્ય ગતિમાંથી તિર્યંચગતિમાં થતાં જન્મ-મરણની અપેક્ષાએ કહ્યો છે અર્થાત્ ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી અન્ય ત્રણ ગતિનો એક પણ જીવતિર્યંચ ગતિમાં જન્મ ધારણ કરતો નથી. આ રીતે મનુષ્ય અને દેવગતિમાં પણ ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનો વિરહકાલ ગતિની અપેક્ષાએ છે. સિદ્ધગતિનો ઉપપાત વિરહકાળ ઉત્કૃષ્ટ છે માસનો છે. છ માસ પછી કોઈ પણ એક જીવ અવશ્ય સિદ્ધ થાય છે. આ રીતે સમુચ્ચય ચારે ગતિનો ઉપપાત વિરહકાળ ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનો છે અને સિદ્ધગતિમાં છ માસનો છે. ઉદવર્તના વિરહકાળ:- ઉદ્દવર્તના એટલે નરકાદિ ગતિમાંથી નીકળવું. જેટલા સમય સુધી નારકાદિ જીવો પોત-પોતાની ગતિમાંથી મૃત્યુ પામીને ન નીકળે, તેટલા કાળને ઉદ્વર્તના વિરહકાળ કહે છે. ઉદ્વર્તના વિરહકાળ પણ ઉપપાત વિરહકાળની જેમ જ ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનો હોય છે.
ક્યારેક ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી સાત નરકમાંથી એક પણ નૈરયિકનું મૃત્યુ થતું નથી. તિર્યંચ ગતિમાં પણ કયારેક બાર મુહૂર્ત સુધી તિર્યંચગતિનો એક પણ જીવ મૃત્યુ પામીને અન્ય ગતિમાં જતો નથી. તેથી તિર્યંચગતિનો ઉદ્વર્તના વિરહકાલ બાર મુહૂર્તનો છે. તે જ રીતે મનુષ્ય અને દેવગતિનો પણ બાર-બાર મુહૂર્તનો ઉદ્વર્તના વિરહકાલ છે.
સિદ્ધોની સ્થિતિ સાદિ અનંતકાલની છે, તેથી સિદ્ધગતિમાં ઉદવર્તન નથી અને તેનો વિરહકાળ પણ નથી. સિદ્ધજીવ સદાકાળ સિદ્ધ જ રહે છે.