________________
૧૧
સાધનામાં ઉચિત પ્રવૃત્તિથી જ સફળતા મળે મોક્ષ પ્રત્યે અત્યંત દઢ અનુરાગવાળા પણ મુનિએ આર્યમહાગિરિ, આર્ય સુહસ્તિની જેમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો વિચાર કરીને પોતાના માટે જે અનુષ્ઠાન ઉચિત હોય, જે અનુષ્ઠાન કરવાની પોતાની શક્તિ હોય તે અનુષ્ઠાન કરવું જોઈએ, જેથી તેમાં સફળતા મળે. પણ ઉત્સાહમાં આવીને શક્તિથી ઉપરવટ થઈને અનુષ્ઠાન ન કરવું જોઈએ. કેમકે તેમાં સફળતા ન મળે. મહાપુરુષો જેમાં સફળતા મળે તેવા પ્રારંભને શ્રેષ્ઠ માને છે. (૨૦૧) પોતાની યોગ્યતા પ્રમાણે થયેલી થોડી પણ સુપરિશુદ્ધ પ્રવૃત્તિ અરિહંતનું વચન પાળવાના કારણે પરિપૂર્ણ ઉચિત પ્રવૃત્તિનું બીજ થાય છે, અર્થાત્ તેનાથી ભવિષ્યમાં અવશ્ય પરિપૂર્ણ ઉચિત પ્રવૃત્તિ પ્રાપ્ત થાય છે.
જેવી રીતે શુક્લપક્ષમાં પ્રવેશ થવાના કારણે એકમનો ચંદ્ર પરિપૂર્ણ ચંદ્રમંડળનો હેતુ બને છે, તેવી રીતે સર્વશની આજ્ઞાનો પ્રવેશ થવાના કારણે (પોતાની યોગ્યતા મુજબનું) અલ્પ પણ અનુષ્ઠાન ક્રમે કરીને પરિપૂર્ણ અનુષ્ઠાનનો હેતુ થાય છે. (૨૨૨)
ધર્મ પામવા ધર્મબીજોની વાવણી અનિવાર્ય છે જેમ બીજની વાવણી ન કરી હોય તો સારો વરસાદ થવા છતાં ધાન્ય ન થાય, તેમ આત્મામાં ધર્મબીજની વાવણી ન કરી હોય તો સારા કાળમાં પણ ધર્મરૂપ ધાન્ય ન થાય. (૨૨૪) તેથી, પ્રસ્તુતમાં પરમસુખના અભિલાષી જીવોએ ધર્મની પ્રાપ્તિ કરવા માટે આજ્ઞાને આધીન બનીને યથાશક્તિ ધર્મબીજોની વાવણી કરવી જોઈએ. અરિહંત અને સાધુ વગેરે પવિત્ર પદાર્થો ઉપર કુશલ ચિત્ત વગેરે ધર્મબીજ છે. (યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં ધર્મબીજોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.) (૨૨૫) જે જીવ લોકોત્તર ધર્મની આરાધના કરનારો બનવાનો હોય તે જીવમાં પ્રારંભમાં મિથ્યાત્વમોહની મંદતારૂપ ઉપશમ થાય છે. એના કારણે તે જીવ આલોક-પરલોકનાં ફળની અપેક્ષાથી રહિત બને છે, તથા જિનશાસનમાં કહેલા દયા-દાન આદિ ગુણો ઉપર શ્રદ્ધાવાળો બને છે. આવો જીવ લોકોત્તર ધર્મની થોડી પણ જે આરાધના કરે તે આરાધના શુદ્ધધર્મનું બીજ બને છે. એનાથી એને ભવિષ્યમાં અવંધ્ય લોકોત્તર સમ્યકત્વ વગેરે ધર્મની પ્રાપ્તિ થાય છે. (૨૩૧) ધર્મબીજ પ્રાયઃ બીજાઓને કહી શકાય તેવું નથી, પણ શુદ્ધભાવવાળા જીવો તેને અનુભવથી જાણી શકે છે, અર્થાત્ ધર્મબીજની વાવણી થાય ત્યારે આત્મામાં જે વિશિષ્ટ અધ્યવસાયો થાય છે, અને જે આનંદ થાય છે, તે અનુભવગમ્ય છે. ધર્મબીજ સંસારનો ક્ષય કરનારું હોવાથી ચિંતામણિરત્ન વગેરેથી પણ મહાન છે. (૨૩૨)