Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૦૧ કુરુટે કહ્યું કે- હે મેઘ ! કુણાલામાં વરસ. ત્યારે ઉત્કટે કહ્યું કે- પંદર દિવસ સુધી વરસ. ફરી કુરુટે કહ્યું કે- મૂશળધારાએ વરસ એટલે ઉત્કટે કહ્યું કે- જેમ દિવસે વરસ તેમ રાત્રીએ વરસ. આ પ્રમાણે પંદર દિવસરાત મેઘના વરસવાથી કુણાલાનગરીનો નાશ થયો. તે પાપની આલોચના કર્યા વિના તે બે મુનિઓ ત્રીજે વર્ષે કાળ કરીને સાતમી નરકે ગયા. (તિલકાચાર્ય કૃત આવશ્યક સૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે લખ્યું છે.)]
અહીં ક્રૂર આશયવાળા અને લોકો તરફથી થતી કદર્થનાને સહન નહિ કરતા શ્રમણોના કષ્ટકારી તપથી પ્રસન્ન થયેલ દેવ તે બે મુનિઓના વચનના અભિપ્રાયના અનુરોધથી તે રીતે વરસ્યો કે જેથી સ્થાવર-ત્રસ પ્રાણીઓની ગંધ પણ ન રહી=બધા જ પ્રાણીઓ નાશ પામ્યા.
પ્રમત્તયોગ લક્ષણવાળો આ પ્રાણાતિપાત ફરી સંક્ષેપથી રાગ-દ્વેષમોહના કારણે થનારો જાણવો.
રાગના કારણે થનાર પ્રાણાતિપાત–ચમરી ગાયના ચામર, હાથીદાંત, ચિત્તાના ચામડા માટે અને માંસ વગેરે માટે શિકાર આદિ ક્રીડા માટે સ્વજીવન અને મિત્રાદિના રક્ષણ માટે થતી હિંસા રાગના કારણે છે. માયા અને લોભ રાગરૂપ છે.
દ્વેષના કારણે થનાર પ્રાણાતિપાત– પરશુરામ અને સુભૂમની જેમ વેર વાળવા આદિ માટે થતો પ્રાણાતિપાત દ્વેષમાંથી થનારો છે. ક્રોધ અને માન દ્વેષરૂપ છે.
મોહના કારણે થનાર પ્રાણાતિપાત– પશુ આદિની હિંસાથી સ્વર્ગ ઇચ્છતા યાજ્ઞિકોનો અને માત્ર દુષ્ટોથી રક્ષણની ઇચ્છાવાળા મનુ આદિએ રચેલા શાસ્ત્રના અનુસાર પ્રવૃત્તિ કરનારા અને વિચાર વિના પ્રવૃત્તિ કરનારા કેટલાકોથી પ્રેરણા કરાતા એવા રાજાઓનો ચોર અને પરસ્ત્રીગામી પુરુષ વગેરેનું ગળે ફાંસો બાંધીને લટકાવવા, શૂળીએ ચઢાવવા વગેરેથી ભેદી નાખવા, કરવતથી ચીરવું, છેદવું વગેરે વ્યાપાર અજ્ઞાનતાના કારણે છે.