Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૦૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૮ ધર્મબુદ્ધિથી જીવોને (દુઃખી જીવોને મારીને) સંસારથી મુકાવતા સંસારમોચકોનો, બીજાઓનો ઉપઘાત કરનારા વીંછી, સર્પ, ગોનસ(=એક પ્રકારનો સાપ) અને વ્યંતર આદિના વધથી પુણ્યની પ્રાપ્તિ થાય છે એમ માનીને મારવામાં પ્રવૃત્ત થયેલાઓનો, હરણ, પક્ષી, પશુ અને પાડો વગેરે ભોગીઓના ભોગ માટે છે તેથી તેમને હણવામાં દોષ નથી એમ માનીને મારવામાં પ્રવૃત્ત થયેલાઓનો પ્રાણાતિપાત મોહના (અજ્ઞાનતાના) કારણે છે. આ બધું ય મોહજનિત છે.
હવે આચાર્ય સંમોહ(અજ્ઞાન) ન થાય એ માટે હિંસાના પર્યાયવાચી શબ્દોને કહે છે. કારણ કે આગમમાં સર્વ વ્યવહાર જોવામાં આવે છે. કહ્યું છે કે- ક્રિયા-કારકના ભેદથી પર્યાયોને કહેવાથી અને અન્ય વાક્યથી (કહેવાતો) અર્થ શ્રોતાની બુદ્ધિને હિત કરનારો માન્યો છે.”
દ્રવ્ય અને ભાવથી જીવોનો ઘાત કરવો તે હિંસા. હિંસા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે છે. તેમાં છજીવનિકાયના પ્રાણીઓના પ્રાણોને (આત્માથી) જુદા કરવા તે દ્રવ્યથી હિંસા છે. ક્ષેત્રથી સંપૂર્ણલોકમાં રહેલા પ્રાણીઓની હિંસા કરવી. કાળથી રાતે કે દિવસે હિંસા કરવી. ભાવથી રાગ-દ્વેષ-મોહના પરિણામથી હિંસા કરવી.
મારણ– જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે પ્રાણ નો ત્યાગ કરાવવો. પ્રાણાતિપાત– પ્રાણોનો અતિપાત=વિનાશ તે પ્રાણાતિપાત અથવા અતિપાત એટલે પાતન-વિનાશ. પ્રાણોનો અતિપાત તે પ્રાણાતિપાત. પ્રાણવધ– વધ એટલે મારી નાખવું. પ્રાણોનો વધ તે પ્રાણવધ. દેહાંતરસંક્રામણ– દેહ એટલે શરીર. દેહથી અન્ય દેહ તે દેહાંતર. સંક્રમણ એટલે લઈ જવું-પ્રાપ્ત કરાવવું. દેહાંતરમાં સંક્રમણ તે દેહાંતર સંક્રામણ. “સાધન વૃતા” એ સૂત્રથી સમાસ થયો છે. પહેલાં એક શરીરથી છોડાવાયેલો આત્મા અન્ય શરીરને પ્રાપ્ત કરાવાય છે. સંસારમાં થનારો=રહેનારો આત્મા જાણવો, જે (મૃત્યુ પામીને) મુક્તિને પામશે તે આત્મા નહિ.