Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
ભાષાને જ કેમ પસંદ કરી ? તેના પ્રત્યુત્તર સ્વરૂપે સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે લોકો સારી રીતે સમજી શકે તે માટે પ્રભુએ ઉપદેશ લોકબોલી સ્વરૂપ અર્ધમાગધી ભાષામાં આપ્યો. પરંતુ આ વાત યોગ્ય નથી કારણ કે કોઈપણ તીર્થંકર પરમાત્માની વાણીનો એક અતિશયવિશિષ્ટતા એ છે કે પ્રભુની વાણીને કોઈપણ મનુષ્ય, સ્ત્રી-પુરુષ પોતાની ભાષામાં સમજી શકે છે એટલું જ નહિ પશુ-પક્ષી વગેરે તિર્યંચો પણ પ્રભુજીના ઉપદેશને પોતાની ભાષામાં સમજી શકે છે. વળી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના કાળમાં સમગ્ર ભારતવર્ષમાં વિવિધ લોકબોલી પ્રચલિત હતી તેમાંથી અર્ધમાગધી ભાષામાં જ ઉપદેશ આપવાનું તથા ગણધર ભગવંતો દ્વારા તે જ ભાષામાં સૂત્ર રચના કરવાનું મુખ્ય કારણ વૈજ્ઞાનિક છે.
આ છ આવશ્યક કરવા માટેની યોગ્યતા અલ્પકષાયતા, તથા તેનું પ્રયોજન રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષાયના પરિણામ ઓછા કરવાનું-ક્ષીણ કરવાનું છે તેમાં વાણી તથા વાણીમાં પ્રયોજાતા શબ્દો અને વર્ષો-અક્ષરો એક મહત્ત્વનું પરિબળ છે. ક્રોધાદિ કષાયથી અભિભૂત મનુષ્યની વાણી અત્યંત કઠોર અને કર્કશ હોય છે. જ્યારે છ આવશ્યક દ્વારા કષાયજય કરવા તત્પર બનેલ મનુષ્યની વાણી અત્યંત મૃદુ અને કોમળ હોવી જોઈએ.
ધ્વનિ-શબ્દ પણ પૌદ્ગલિક છે અર્થાત્ પુદ્ગલ દ્રવ્યના સૂક્ષ્મ અવિભાજય અંશ સ્વરૂપ પરમાણુઓના સમૂહથી નિષ્પન્ન છે અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલ દ્રવ્યનું એક મહત્ત્વનું લક્ષણ છે તેથી દરેક શબ્દ કે ધ્વનિમાં તે ચારેય હોવાનાં જ. પરંતુ મૃદુ અને કોમળ સ્પર્શવાળા ધ્વનિમાં શુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. જયારે કઠોર અને કર્કશ સ્પર્શવાળા ધ્વનિમાં અશુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. અશુભ વર્ણવાળા ધ્વનિ-શબ્દો, તેનો પ્રયોગ કરનાર તથા તેનું શ્રવણ કરનારના મનમાં અશુભ અસરો ઉત્પન્ન કરે છે. તેના પરિણામે પ્રયોક્તા અને શ્રોતા બન્ને અશુભ કર્મબંધ કરે છે. જયારે છ આવશ્યકની પરમ પવિત્ર ક્રિયા મુખ્યત્વે શુભ-અશુભ બન્ને પ્રકારનાં કર્મની નિર્જરા કરવા માટે કરવામાં આવે છે. તેથી આ ક્રિયા કરનારને કદાચ કર્મનિર્જરા ન થાય તો પણ અશુભ કર્મનો બંધ તો ન જ થવો જોઈએ એવાં પારમાર્થિક પ્રયોજનપૂર્વક
xii
Jain Education International
For Private & Penal Use Only
WWW.jainelibrary.org