Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
પ્રણ-૧ જેન આચાર
આચારની ભૂમિકા :
* વિચાર અને આચાર, વિદ્યા અને વિધિ, જ્ઞાન અને ક્રિયા પરસ્પર પૂરક અને સહયોગી છે. આદર્શ રૂપી વિચારને વ્યવહારની દુનિયામાં જન્મ આપવો એટલે આચાર. માનવીની આધ્યાત્મિક અનુભૂતિ તેને સર્વ સાથે સાંકળે છે. અનુભૂત તત્ત્વ અન્ય સત્ત્વોના આનંદનું કારણ બને છે તેથી અનુભૂતિ સંપન્ન માનવ તેનો વિસ્તાર વાંછે છે. તે દ્વારા ધર્મનો વિકાસ થાય છે. જે આચાર આ વિકાસની પૂર્તિમાં સહયોગ આપે તે નૈતિકતાને પણ જન્મ આપે છે.
દર્શન હેતુવાદ અર્થાત્ તર્ક પર આધારિત છે. તેની પ્રગતિ સાથે ભારતીય આચારશાસ્ત્રનો પાયો વિસ્તૃત થતો રહ્યો છે. એક દષ્ટાંતમાં જ્ઞાનવિહીન આચરણ નેત્રવિહીન વ્યક્તિ સાથે અને આચારશૂન્ય જ્ઞાન અપંગ માનવ સાથે સરખાવેલ છે. ગંતવ્ય સ્થાને પહોંચવા આંખ અને પગ બન્નેની જરૂર છે. તેમ અધ્યાત્મ - આરોહણમાં જ્ઞાન અને ચારિત્ર બન્ને અનિવાર્ય છે. ભારતીય ધર્મ પરંપરામાં બન્નેને સમાન સ્થાન આપવામાં આવ્યું છે. ઉદાહરણ રૂપે ભારતીય ધર્મપરંપરામાં પૂર્વમીમાંસા આચાર પ્રધાન છે, તો ઉત્તરમીમાંસા વિચારપ્રધાન છે. સાંખ્ય અને યોગ ક્રમશઃ વિચાર અને આચાર એમ ધર્મપરંપરાની બે શાખાઓ માત્ર છે. બૌદ્ધ દર્શનમાં હીનયાન આચારને પ્રાધાન્ય આપે છે તો મહાયાન જ્ઞાનની આરતી ઉતારે છે. જૈન ધર્મમાં પણ અહિંસા અને અનેકાન્ત અનુક્રમે આચાર અને વિચારની મૂલભિસ્તી પર ઉભા છે. આચાર અને અહિંસા :
જૈનાચારનો વિશાલ પ્રાસાદ અહિંસાના પાયા પર રચાયેલો છે. અહિંસાનો સિદ્ધાંત વ્યાપક અને પ્રભાવક છે. અહિંસા વ્રતધારીમાં સ્વતઃ અનેક ગુણો વિકસિત થતા જાય છે. તે સૃષ્ટિના સર્વજીવો પ્રત્યે આત્મીયભાવ અનુભવે છે. અહિંસાનો સિદ્ધાંત પ્રબોધે છે કે જીવમાત્ર દુઃખથી બચવા માંગે છે, સુખ વાંછે છે. પ્રાણી માત્ર પ્રત્યે સમતાનો ભાવ, બધા જીવો પ્રત્યે મૈત્રી અને બંધુત્વ, સર્વ જીવોનો સમાદર જીવને અહિંસક બનાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org