Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
બ્રાહ્મણ-પરંપરાના વૈદિક દર્શનો અને તેના પર આધારિત વૈદિક ધર્મમાં એક કાળે યજ્ઞયાગાદિ પ્રક્રિયાઓ અને પશુહિંસા પણ પ્રવર્તમાન હતા. આ હિંસાનો નિષેધ કરવારૂપે અને “સમ' - સામ્ય - શમ -- શ્રમનું મહત્ત્વ સ્થાપિત કરવા માટે શ્રમણ-પરંપરા ઉદ્ભવી; શ્રમણ-પરંપરામાં મુખ્યત્વે જૈન દર્શન અને બૌદ્ધ દર્શનમાં પશુહિંસાનો નિષેધ કરીને અહિંસાને પ્રધાન્ય આપવામાં આવ્યું. મહાવીરસ્વામી અને ગૌતમબુદ્ધ - આ બે સમકાલીન ચિંતકોના સમયમાં તો અહિંસા ઉપર આધારિત શ્રમણ-પરંપરાનાં મૂળ એટલાં દઢ નંખાયાં કે તેમના અનુયાયીઓ ભારતમાં મોટે ભાગે લઘુમતીમાં હોવા છતાં આ શ્રમણ-પરંપરા સદીઓથી ભારતીય સંસ્કૃતિમાં ટકી રહી.
આદ્યસ્થાપક ઋષભદેવ અને તે પછી થયેલા બીજા ત્રેવીસેય તીર્થકરોએ જૈન દર્શન અને જૈન ધર્મના પાયાને ખૂબ મજબૂત કરવાનું કાર્ય કર્યું છે, ચોવીસ તીર્થકરોમાંથી છેલ્લાં બે તીર્થકરો - શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામીને ઐતિહાસિક પુરુષો તરીકેની માન્યતા પણ મળેલ છે, તો ઋષભદેવ, નેમિનાથ આદિ કેટલાક તીર્થકરોનો ઉલ્લેખ ઋગ્વદ, યજુર્વેદ, પુરાણ, મનુસ્મૃતિ વગેરેમાં પણ જોવા મળે છે. શ્રી મહાવીરસ્વામીના જીવનની તો ઘણી ઐતિહાસિક હકીકતો પણ પ્રાપ્ય છે. ઈ.સ. પૂર્વે પ૯૯થી ઈ. સ. પૂર્વે પર૭ દરમ્યાન થઈ ગયેલ ચોવીસમા તીર્થંકર ગણાતા શ્રી મહાવીર સ્વામીનું પ્રદાન જૈન દર્શન અને જૈન ધર્મના વિકાસમાં અમૂલ્ય છે. જૈન દર્શનના વિકાસ પર એક નજર
ભારતીય તત્ત્વજ્ઞાનમાંના અનેક વિચારપ્રવાહોમાંના એક વિચારપ્રવાહ તરીકે સુદીર્ઘ સમયથી ટકી રહેલા જૈન દર્શનનો વિચાર કરીએ ત્યારે યુગે યુગે તેના વિકાસમાં પોતાનો ફાળો આપનાર પ્રતિભાવાન વિદ્વાનો, સાધુ પુરુષોનો નામોલ્લેખ કરવો અસ્થાને નહીં ગણાય. સમયે સમયે જૈન દર્શનના સિદ્ધાંતોને જુદી જુદી રીતે સમાજ સામે મૂકીને, વૈચારિક વિરોધોની વચ્ચે દલીલ દ્વારા જૈન દર્શનનું મહત્ત્વ સ્થાપીને જૈન દર્શનને આજ સુધી જીવંત પ્રવાહ તરીકે ટકાવી રાખવાનું શ્રેય આવા પ્રતિભાવાન પુરુષો અને તેમણે રચેલ સાહિત્યને ફાળે જાય છે.
આગળ નોંધ્યું તેમ જૈન ધર્મના તીર્થકરોએ પોતપોતાના સમયમાં અહિંસાપ્રધાન જૈન ધર્મના દાર્શનિક વિચારોને પ્રજા સમક્ષ મૂકવાનું મહત્ત્વનું કાર્ય કર્યું હતું. તે બધાના પ્રયત્નના પરિણામે તત્કાલીન સમાજમાં જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા પણ ઠીક ઠીક હતી.
જૈન દર્શન : પરંપરા અને વિકાસ
me 5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org