Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પથરાતા ઉજાસ સમાન છે. ‘કેવલજ્ઞાન' કે ‘કેવલીઅવસ્થા' એટલે જૈન દર્શનના મતે જે મોક્ષાવસ્થા છે તે સર્વોચ્ચ અવસ્થા. ઝળહળતા સૂર્ય સમાન કેવલજ્ઞાનથી પણ ‘અનુભવ’ ભિન્ન છે, શ્રુતજ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાનથી પણ ‘અનુભવ’ ભિન્ન છે. શાસ્ત્રજ્ઞાન ‘અનુભવ'ની પ્રાપ્તિમાં સહાયક નીવડે છે. કેવલજ્ઞાન અનુભવના અરુણોદય પછીની ઉચ્ચ અવસ્થા છે.
કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે કલ્પના, બુદ્ધિ, શાસ્ત્રો કોઈ સમર્થ નથી; તે માટે તો ‘અનુભવ’ જ જરૂરી છે. અતીન્દ્રિય અને ૫૨માત્મસ્વરૂપ બ્રહ્મને વિશુદ્ધ અનુભવ વગર, શાસ્ત્રની સેંકડો યુક્તિથી પણ જાણી શકાય તેમ નથી. (૨૬/૩) આ નિર્દેન્દ બ્રહ્મને લિપિમયી (પુસ્તકરૂપ) દૃષ્ટિ, વાડ્મયી (વાણીરૂપ) દૃષ્ટિ અને મનોમયી (અર્થના જ્ઞાનરૂપ) દૃષ્ટિ જાણી ન શકે. નિર્દેન્દ્ર બ્રહ્મને જોવા માટે તો નિર્હન્દુ અનુભવ જ જરૂરી છે. (૨૬/૬)
‘અનુભવ’ શું છે તે સમજવા માટે તે શું નથી તે પણ સમજવું પડે. તેમાં કલ્પનારૂપ કારીગરીનો અભાવ હોવાથી તે જાગ્રત-અવસ્થા કે સ્વપ્ન-અવસ્થા નથી. ‘અનુભવ’ એ મોહરહિત, અજ્ઞાનરહિત હોવાથી ગાઢ નિદ્રારૂપ સુષુપ્તિઅવસ્થા પણ નથી. અનુભવ એ તો તુર્ય (ચોથી) અવસ્થા છે. (૨૬/૭) જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો અને મન દ્વારા જ્ઞાન મળે છે, સ્વપ્નાવસ્થામાં મન કાર્યશીલ રહે છે, બાકીની ઇન્દ્રિયો શાંત થઈ જાય છે, પણ આ બંને અવસ્થામાં કલ્પનાશક્તિની કામગીરી ચાલુ જ હોય છે. સુષુપ્તિ ગાઢ નિદ્રારૂપ હોવાથી તેમાં મન પણ શાંત થઈ જાય છે. માત્ર ચૈતન્ય જ હોય છે, પણ જાગીએ ત્યારે પાછા મોહની દશામાં આવી જઈએ છીએ. ગાઢ નિદ્રામાં આનંદ હોવા છતાં તે ક્ષણિક છે. જ્યારે ‘અનુભવ’ એ તો મોહરહિત અવસ્થા છે, અજ્ઞાનરહિત દશા છે. તેમાં જે આનંદ મળે છે તે અવર્ણનીય છે, દીર્ઘકાલીન છે.
માત્ર શાસ્ત્રોથી ભલે અનુભવ પ્રાપ્ત ન થાય, પરંતુ શાસ્ત્રજ્ઞાન સાવ નકામું પણ નથી. સાધક કે મુનિ શાસ્ત્રદૃષ્ટિથી સમસ્ત શબ્દબ્રહ્મને જાણીને અનુભવથી સ્વયંપ્રકાશિત પરબ્રહ્મને (પરમાત્માને) જાણે છે. (૨૬૮)
કલ્પનારૂપ કડછી શાસ્ત્રરૂપ ખીરમાં પ્રવેશ કરે તોપણ તે કડછીથી ખીરનો આસ્વાદ માણી ન શકાય. ખીરનો આસ્વાદ માણવા માટે તો અનુભવરૂપ જીભ જ શક્તિમાન છે. (૨૭/૫) શાસ્ત્ર ખીરૂપ હોવાથી તેના આસ્વાદ માટે અનુભવરૂપ જીભ આવશ્યક છે.
જીવનના અંતિમ ધ્યેયરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે અનુભવ જરૂરી છે જ. સાધક જ્યારે પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિશીલ રહે છે ત્યારે કરાતી તેની પ્રવૃત્તિઓ ‘યોગ’ કહેવાય છે.
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
Jain Education International
108
For Private & Personal Use Only
www.jainelibrary.org