Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
સાધકના વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ થાય તે રીતે, જુદા જુદા ગુણો સાથે સાંકળીને સુંદર રીતે “પૂજા-અષ્ટકમાં રજૂ કરવામાં આવી છે. દા.ત. દયારૂપ પાણી, સંતોષરૂપ શુભ વસ્ત્ર, વિવેકરૂપ તિલક, ભક્તિ અને શ્રદ્ધારૂપ કેસર અને ચંદન, ક્ષમારૂપ ફૂલોની માળા, નિશ્ચય વ્યવહારરૂપ વસ્ત્રયુગલ, ધ્યાનરૂપ અલંકાર, આઠ મદના ત્યાગરૂપ અષ્ટમંગલ, શુભ સંકલ્પનો ધૂપ, ધર્મસંન્યાસરૂપ અગ્નિ, સામર્થ્યયોગરૂપ આરતી, અનુભવરૂપ મંગલદીપ, સંયમયોગરૂપ પૂજા, સત્યનો ઘંટનાદ વગેરે દ્વારા પૂજાનાં એકેએક વિધિ અને દ્રવ્યની પાછળનો ભાવ ખૂબ ટૂંકમાં છતાં સચોટ રીતે રજૂ કરીને, ગૃહસ્થ દ્રવ્યપૂજા અને સાધુએ ભાવપૂજા કરવી જોઈએ તેમ જણાવ્યું છે. પોતે ભાવપૂજામાં તન્મય થઈ ગયા પછી જે વાણી સ્કુરી તે શબ્દબદ્ધ કરીને આ અષ્ટકો રચ્યાં હોય તેવી આપણને પ્રતીતિ થાય તેનું આ અષ્ટક સુંદર દૃષ્ટાંત છે.
સાધકજીવનની સર્વોચ્ચ અવસ્થા ધ્યાનાવસ્થાની વાત “ધ્યાન-અષ્ટકમાં કરવામાં આવી છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા તે “સમાપત્તિ' કે “સમાધિ કહેવાય છે. જિતેન્દ્રિય, ધીર, પ્રશાંત, સ્થિર સાધક નાસિકાગ્ર ઉપર દૃષ્ટિ રાખીને, પ્રસન્નચિત્તે ધારણા અને ધારાના વેગથી બાહ્ય મનોવૃત્તિને રોકીને જ્ઞાનામૃતનો આસ્વાદ લે છે તે વાત કરીને ઉપાધ્યાયજીએ સાધકનું સુંદર શબ્દચિત્ર ખડું કર્યું છે.
“કર્મને તપાવે તે તપ” (૩૧/૧) એવી તપની વ્યાખ્યા કરીને તેનાં બાહ્ય તપ અને આત્યંતર તપ એવા બે પ્રકારો “તપ-અષ્ટકમાં રજૂ કરવામાં આવ્યા છે. આ બંને તપમાં પણ આત્યંતર તપ મુખ્ય છે. સાધકની નજર સામે તો મોક્ષપ્રાપ્તિના સાધ્યની મીઠાશ જ હોય છે, તેથી જ્ઞાનીને તપથી આનંદ જ પ્રાપ્ત થાય છે. તપ કેટલું કરવું તેનો સચોટ જવાબ આપતાં અહીં કહેવાયું છે : “ખરેખર એ જ તપ કરવા યોગ્ય છે કે જેમાં દુર્ગાન ન થાય, યોગો હીનતા ન પામે અને ઇંદ્રિયોનો ક્ષય ન થાય.” (૩૧/૭)
આ અષ્ટકોના ક્રમમાં છેલ્લા, પણ સાધનામાર્ગના પ્રારંભિક સોપાન સમા સર્વનયાશ્રય (સર્વનયાશ્રયણ)-અષ્ટક”માં સાધક વ્યક્તિએ કોઈપણ પૂર્વગ્રહથી અમુક નિશ્ચિત મતના બદલે રાગ-દ્વેષ વગર દરેક મતમાં રહેલા સત્યનો સ્વીકાર કરવાનું જણાવવામાં આવ્યું છે. ખરેખર તો જે સાધક છે તે કોઈના પણ મત માટે હઠાગ્રહ કે દુર્ભાવના રાખ્યા વગર બધાના મતનો સત્યાંશ સરળતાથી સ્વીકારે છે. કોઈપણ વ્યક્તિનું મન ખુલ્લું હોય અને ચિત્ત શાંત હોય તે બાબત સાધનામાર્ગે આગળ વધવા માટે તે વ્યક્તિને ખૂબ જ ઉપયોગી નીવડે છે. જૈન દર્શનના નયવાદ પ્રમાણે દરેક નય પોતપોતાની રીતે સાચો છે એ સ્વીકારીને જ્ઞાની કોઈ
જ્ઞાનસાર-અષ્ટક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org