Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
આમ મોટાભાગના લોકો કુતર્ક, અજ્ઞાન, ખોટા વૈરાગ્ય વગેરેથી પીડિત છે.
આ બધામાંથી રસ્તો કેમ કાઢવો ? આ મૂંઝવણ, આ વિકારસહિત મનઃસ્થિતિમાંથી બહાર નીકળવાનો ઉપાય શો? તેનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખ્યાલ આવે છે, કે ખરેખર તો ઉપાધ્યાય યશોવિજયજી જે ખુમારીથી પોતાનું જીવન જીવી ગયા તે ખુમારી તેઓ સાધકને માટે પણ જરૂરી માને છે. જીવનમાં પ્રશ્નોની વણઝાર તો સતત ચાલુ જ રહે છે. આ પ્રશ્નોનો સામનો કરતાં કરતાં વીર યોદ્ધાની જેમ ક્યારેય ડરવું નહીં, ભિક્ષુકની જેમ ક્યારેય દીનતા પણ દાખવવી નહીં, ખોટી યાચના પણ કરવી નહીં અને કાયરની જેમ પલાયન પણ થવું નહીં. દુઃખ આવી પડે તો ક્યારેય દીન થઈને આંસુ સારવાં નહીં કે સુખ આવે તો વિસ્મય પામીને છકી જવું નહીં અને ચંચળ બનીને ભમી ભમીને ખેદ પણ પામવો નહીં. આમ ક્યારેક મીઠી શિખામણ આપીને, ક્યારેક હળવા સૂચનો આપીને સાધકને તેઓ હિંમત બંધાવતા રહે છે.'
સાધક વ્યક્તિ પોતે અત્યારે વર્તમાનમાં જે અવસ્થાએ છે તેનાથી આગળ વધવા ઇચ્છે છે, પોતાની દોષિત મનઃસ્થિતિમાંથી બહાર નીકળવા ઝંખે છે. તેના આ પ્રયત્નમાં કરોળિયો જાળું બનાવતાં બનાવતાં અનેક વખત પડે અને પાછો ઊભો થઈ જાળું બનાવવા માટે પુરુષાર્થ કરે તેવી રીતે વારે વારે પડવાનો, ખોટે રસ્તે ચઢી જવાનો અનુભવ સાધકને થાય છે. તેને પોતાને ખબર પણ ન પડે તે રીતે પોતાની ગાડી પાટા પરથી ઊતરી જાય છે. આવે વખતે ઠોકર ખાઈ ખાઈને આગળ વધતા સાધકની ટીકા કરવાને બદલે પ્રેમપૂર્વક તેનો હાથ પકડીને ઊભો કરવાનો, તેને મદદરૂપ થવાનો પ્રયત્ન જરૂરી છે. સાધકજીવનમાં કયા ક્યા પ્રકારના દોષો આવે છે અને આ બધા દોષોને કેવી કેવી રીતે દૂર કરી શકાય છે તે અનેક જગ્યાએ બતાવીને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાધકને વ્યાવહારિક રીતે ઉપયોગી સૂચનો કરે છે તેમાં સાધક પ્રત્યેના તેમના પ્રેમ અને કરુણાની ઝાંખી આપણને થાય છે.
દોષો અને તેના ઉપાયો સાધકજીવનમાં આવતા દોષો અને આ દોષોને નિવારવાના ઉપાયો નીચે પ્રમાણે છે.
સંસારનું સ્વરૂપ અને દોષનિવારણ
93
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org