Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગની સોપાન-પરંપરા ગોઠવી આપીને તે દ્વારા મુક્તિયોગનો લાભ કેવી રીતે મળે તે સમજાવ્યું છે. ઘણાં શાસ્ત્રોના દોહનરૂપ આ ગ્રંથ તત્ત્વજિજ્ઞાસુને આત્મશાંતિ તરફ દોરી જનાર છે.
૫૪
‘અધ્યાત્મમતપરીક્ષા’ નામના પ્રાકૃતભાષામાં રચાયેલ ગ્રંથમાં અધ્યાત્મના ૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય અને ૪. ભાવ આ ચાર નિક્ષેપો દર્શાવીને તત્કાલીન બનાવટી આધ્યાત્મિક મતનું નિરસન કર્યું છે.
૫૫
‘અધ્યાત્મોપનિષદ’ એ સંસ્કૃત ગ્રંથમાં ‘વાસ્તવિક અધ્યાત્મની પિછાન વિશુદ્ધ શાસ્ત્રવચનથી થાય છે' એ વાત ભારપૂર્વક દર્શાવવાનો પ્રયત્ન ઉપાધ્યાયજીએ કર્યો છે. જ્ઞાનયોગ તથા ક્રિયાયોગના સમન્વયરૂપ અધ્યાત્મસાધનાને આત્મા શાસ્ત્રવચન દ્વારા આત્મસાત્ કરી શકે છે અને તેનાથી મુક્તિસાધક સમતાયોગ સિદ્ધ થાય છે એમ દર્શાવતા આ ગ્રંથમાં ૧. શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર, ૨. જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર, ૩. ક્રિયાયોગશુદ્ધિ અધિકાર અને ૪. સામ્યયોગશુદ્ધિ અધિકાર – એવા ચાર વિભાગ છે. આ ગ્રંથમાં કોઈ પણ દર્શનનું ખંડન નથી, પણ અનેકાંતવાદમાં બધાં દર્શનો કેવી રીતે સમાવિષ્ટ છે તેનું સુંદર વર્ણન છે. પહેલા ‘શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર'માં સુવર્ણની જેમ શાસ્ત્રની પરીક્ષા માટે પણ કષ, છેદ અને તાપની ત્રિવિધ પરીક્ષાનું સૂક્ષ્મતાથી વર્ણન ક૨વામાં આવ્યું છે. આ વિભાગમાં સાંખ્ય, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક તથા પ્રભાકર, કુમારિલ ભટ્ટ, મુરારિમિશ્ર જેવા જૈનેતર દાર્શનિકોની માન્યતાઓથી સ્યાદ્વાદનું સંપૂર્ણ સમર્થન ક૨વામાં આવ્યું છે. સાચા શાસ્ત્રે ચીંધેલ દિશામાં ચાલીને આત્મતત્ત્વની વિશેષ ઉપલબ્ધિ માટે જ્ઞાનયોગ સાધવાની વાત બીજા ‘જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર’માં કરી છે. પ્રાતિભજ્ઞાનનું નિરૂપણ અહીં આત્મતત્ત્વની વિશેષ ઉપલબ્ધિ, આત્મદર્શન, આત્મજ્ઞાન, ભાવનાજ્ઞાન, સાક્ષાત્કાર, નિર્વિકલ્પ સમાધિ એમ જુદી જુદી પરિભાષામાં કરવામાં આવેલ છે. માત્ર શાસ્ત્રાભ્યાસથી નહીં, પણ આત્મદર્શનની તીવ્ર ઉત્કંઠા અને અંતર્મુખતાથી જ જ્ઞાનયોગની પ્રાપ્તિ થાય છે. સિદ્ધ દશા અને સાધ્યમાન દશા એ જ્ઞાનયોગની બે અવસ્થા છે. સુષુપ્તિ, સ્વપ્ન કે જાગૃતિ દશાથી ભિન્ન એવી ચતુર્થ તુરીય દશાથી જ અતીન્દ્રિય બ્રહ્મતત્ત્વનો સાક્ષાત્કાર થઈ શકે. ત્રીજા ‘ક્રિયાયોગશુદ્ધિ અધિકાર'માં જ્ઞાનયોગની જેમ ક્રિયાયોગ પણ ધ્યેયસિદ્ધિ માટે આવશ્યક છે, એમ જુદી જુદી રીતે જણાવ્યું છે. ચોથા ‘સામ્યયોગશુદ્ધિ અધિકારમાં સમતાયોગી સાધકની ઉચ્ચ દશાનું વર્ણન ‘ગીતા’ના સ્થિતપ્રજ્ઞ પુરુષની યાદ અપાવે તેવું સુંદર કર્યું છે. ‘જ્ઞાનસાર'ના ઘણા શ્લોકો આમાં અક્ષરશઃ ઉપલબ્ધ છે.પ૬
Jain Education International
યશોવિજયજી : જીવન અને વાડ્મય
31
For Private & Personal Use Only
www.jainelibrary.org