________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
૫૩ થાય છે, તોપણ જે જીવો એક વખત સદાગમને પામ્યા છે તેથી થોડા કાળમાં ફરી જાગૃત થઈને અવશ્ય સંસારનો અંત કરશે. વળી, કેટલાક જીવો સદાગમનાં વચનોને પામીને સદાગમ પ્રત્યે ભક્તિવાળા થયા છે, તોપણ અતિ અલ્પસત્ત્વવાળા છે તેથી સદાગમના વચનાનુસાર સ્તોકતર જ પંચાચારની આચરણાઓ કરે છે. કેટલાક જીવો સ્ટોકતમ=અતિ અલ્પમાત્રામાં, પંચાચારની આચરણાઓ કરે છે તોપણ કર્મપરિણામરાજા તે જીવોની બહુકદર્થના કરતો નથી; કેમ કે સદાગમને આ પુરુષો અત્યંત પ્રિય છે. તેથી, સદાગમથી ભય પામેલા કર્મપરિણામરાજા તેઓની અત્યંત કદર્થના કરતો નથી. અને તેવા જીવો પણ સ્તોકતર કે સ્તોકતમ સઅનુષ્ઠાનના સેવનના બળથી સંચિત વીર્યવાળા થાય તો ઉત્તરના ભવોમાં સદાગમને પરતંત્ર થઈને અલ્પકાળમાં સંસારનો અંત પણ કરે છે. વળી, કેટલાક જીવો સદાગમને સાંભળે છે ત્યારે તેઓને ભગવાનના વચનમાં બહુમાન થાય છે. તોપણ સદાગમના વચનાનુસાર પંચાચારની આચરણા લેશ પણ કરતા નથી. તેઓને પણ કર્મપરિણામરાજા બહુકદર્થના કરતો નથી. પરંતુ સદાગમ પ્રત્યે આ જીવો ભક્તિવાળા છે તેમ માનીને સદાગમથી ભય પામેલ કર્મપરિણારાજા તેવા જીવોનું પણ સદા હિત જ કરે છે. ફક્ત સદાગમના વચનાનુસાર થોડી પણ આચરણા કરનારા જીવોનું કર્મપરિણામ રાજા જે પ્રમાણે હિત કરે છે તે પ્રકારનું હિત કર્મપરિણામ રાજા આ જીવોનું હિત કરતો નથી; કેમ કે સદાગમ પ્રત્યે ભક્તિ હોવા છતાં સદાગમના વચનનું લેશ પણ અનુસરણ નથી. તેથી સદાગમની ભક્તિનાં આવારક કર્મોના અનુસરણને અનુકૂળ ક્ષયોપશમ ભાવ તે જીવોમાં નથી તેથી તે જીવોનાં કર્મો પણ તેઓના ક્ષયોપશમ અનુસાર જ તે જીવોનું હિત કરે છે. વળી, કેટલાક જીવોને સદાગમનો તેવો કોઈ બોધ નથી જેથી સદાગમ પ્રત્યે ભક્તિવાળા બને, છતાં જે જીવો સદાગમ સંબંધી ઉચિત આચરણાઓ કરે છે તેઓની ઉચિત આચરણાઓને જોઈને તે જીવોને તે મહાત્માઓ પ્રત્યે બહુમાન થાય છે અને વિચારે છે કે આ મહાત્માઓ ધન્ય છે કે મનુષ્યભવ પામીને આવાં સુંદર કૃત્યો કરે છે. તેઓ પ્રત્યે પણ કર્મપરિણામરાજા કંઈક અનુકૂળ ભાવનું વર્તન કરે છે; કેમ કે ગુણના પક્ષપાતવાળા તે જીવો મિથ્યાત્વની મંદતાને કારણે આ પ્રકારની અનુમોદના કરીને યોગબીજનું અર્જન કરે છે. જેથી ઉત્તરના ભાવોમાં ધર્મની પ્રાપ્તિ થાય તેવી સામગ્રીને પ્રાપ્ત કરીને ભગવાનના માર્ગને પ્રાપ્ત કરે છે. વળી, જેઓને તેવી સામગ્રી પ્રાપ્ત થઈ નથી જેથી સદાગમને અનુસરનારા મહાત્માઓની ઉચિત આચરણાઓને જોઈને અનુમોદનાનો પરિણામ થાય, વળી, સદાગમનું નામ માત્ર પણ તેઓ જાણતા નથી, છતાં પણ પ્રકૃતિથી જ જે ભદ્રક જીવો છે તેઓનું પણ કર્મપરિણામરાજા બહુ અહિત કરતો નથી. પરંતુ તેવા જીવોને પણ સન્માર્ગની પ્રાપ્તિનું કારણ બને તેવા ભવની પ્રાપ્તિ કરાવે છે. જેમ મેઘકુમારના જીવને હાથીના ભવમાં સદાગમનો લેશ પણ બોધ ન હતો છતાં પણ ભદ્રક પરિણામને કારણે દુઃખિત જીવોમાં દયા કરવાના પરિણામ રૂપ માર્ગાનુસારી ભાવ સદધન્યાયથી પ્રાપ્ત થયો, તેથી સદાગમના વચનાનુસાર જ સસલાની દયા કરીને ભગવાનના સંયોગની પ્રાપ્તિ થાય તેવા મેઘકુમારના ભવને પામીને આત્મહિત સાધ્યું. આ રીતે જે જીવો જેટલા અંશથી સદાગમના વચનને અનુસરનારા છે તેઓ સદાગમને પ્રિય છે એમ માનીને કર્મપરિણામરાજા તેઓને ખરાબ ભવોની પ્રાપ્તિ કરાવતો નથી. પરંતુ જ્યાં સુધી તે જીવોમાં સદાગમને અનુકૂળ પરિણામ વર્તે છે ત્યાં સુધી તે જીવો ઉત્તર-ઉત્તર સુંદર ભાવોને પ્રાપ્ત કરે છે.