________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
૫૧
કેટલોક પણ કાલ નચાવે છે તોપણ સદાગમને અભિપ્રેત આ છે=સદાગમની કૃપાદૃષ્ટિવાળા આ જીવો છે, એ પ્રમાણે માનીને તેઓના નારક, તિર્યંચ, કુમાનુષ, કુદેવત્વ રૂપ અધમપાત્રભાવને કરતો નથી. તો શું કરે છે ? એથી કહે છે. કેટલાકને અનુત્તર દેવનું સ્વરૂપ બતાવે છે=પ્રગટ કરે છે. કેટલાકને ગ્રેવેયક એવા દેવના આકારને પ્રકટ કરે છે. કેટલાકને ઉપરના કલ્પોપપન્ન દેવતારૂપને કરે છે=વૈમાનિક દેવને કરે છે. કેટલાકને નીચેના કલોત્પન્ન મહદ્ધિક લેખકરણને દેવકરણિને, કરાવે છે=દેવસ્વરૂપે કરાવે છે. વળી, કેટલાકને સંસારમાં= મનુષ્યલોકમાં સુરૂપતાને કરાવે છે. વળી, કેટલાક ચક્રવર્તી, મહામંડલિકાદિ પ્રધાનપુરુષ ભાવને કરાવે છે. સર્વથા પ્રધાનપાત્રરૂપતાને છોડીને ક્યારેય રૂપાંતરથી તેઓને નચાવતો નથી=સદાગમ પ્રત્યેના બહુમાનવાળા જીવોને ક્યારેય ખરાબ સ્વરૂપે નચાવતો નથી, તે કારણથી આ ભગવાન સદાગમના આટલા માહાત્મ્યથી પર્યાપ્ત છે જે કારણથી આવા પ્રકારના સામર્થ્યયુક્ત પણ આ કર્મપરિણામ મહાતૃપતિ=પોતાની ઇચ્છાઅનુસાર જગતને નચાવવાના સામર્થ્યયુક્ત પણ આ કર્મપરિણામ મહારાજા, આવા ભયથી આક્રાંત હૃદયવાળો=સદાગમના ભયથી આક્રાંત હૃદયવાળો, ખરેખર એ પ્રમાણે વર્તે છે–સદાગમ પ્રત્યેના બહુમાનવાળા જીવોને બહુ વિડંબના કરતો નથી એ પ્રમાણે વર્તે છે.
ભાવાર્થ :
સંસારમાં જે જીવો સદાગમ ઉપર ભક્તિવાળા છે, તેઓને મનુષ્યજન્મમાં ભગવાનનું વચન જ વર્તમાનમાં ક્લેશ નાશ કરાવીને સુખની પરંપરાનું એક કારણ છે તેવો સ્થિરબોધ છે. તેથી તેવા જીવો સર્વશક્તિથી સદાગમનાં સૂક્ષ્મ-સૂક્ષ્મત૨ ૨હસ્યોને જાણવા યત્ન કરે છે. અપ્રમાદથી ભગવાનના વચનથી આત્માને ભાવિત કરે છે અને દૃઢપ્રણિધાનપૂર્વક મન, વચન, કાયાના ત્રણેય યોગો સદાગમના નિર્દેશ અનુસાર જ પ્રવર્તાવે છે. તેઓ સંપૂર્ણ સદાગમને પરતંત્ર છે. વળી તેવા મહાત્માઓમાં શક્તિનો પ્રકર્ષ થાય તો આ ભવમાં કર્મપરિણામરાજાના સકંજામાંથી સર્વથા મુક્ત થાય છે. કદાચ તેવી શક્તિનો પ્રકર્ષ ન થાય તો કર્મપરિણામરાજા તેઓને અનુત્તર દેવલોકમાં જ મોકલે છે. પરંતુ ક્યારેય પણ દુર્ગતિઓમાં નાખીને તેઓની વિડંબના કરતો નથી. કદાચ પ્રથમ સંઘયણ આદિ ન હોય તો તેવા વીર્યનો પ્રકર્ષ નહીં થવાથી તે જીવો અનુત્તર દેવલોકમાં જાય નહીં તોપણ અવશ્ય વૈમાનિક દેવમાં જાય છે અને વર્તમાનના ભવમાં અપ્રમાદથી સદાગમના વચનાનુસાર યત્ન કરેલો હોવાથી જન્માંતરમાં પણ સદાગમને પરતંત્ર થવાને અનુકૂળ ઉત્તમ સત્ત્વ પ્રાપ્ત થાય છે અને અપ્રમાદના સંસ્કારો જાગૃત થાય છે. તેથી તે જીવો અલ્પકાળમાં અવશ્ય સંસારનો અંત કરે છે. જેમ, ઋષભદેવ, ભરત, બાહુબલી આદિ જીવોએ પૂર્વભવમાં સાધુપણું પાળીને સદાગમને પરતંત્ર થઈને સંયમયોગમાં અપ્રમાદનું સેવન કરીને સર્વાર્થસિદ્ધને પામ્યા. વળી, જેઓમાં તેવા પ્રકારની શક્તિ નથી; કેમ કે કેટલાક પાસે સંઘયણનો અભાવ છે, કેટલાક પાસે તે પ્રકારની સૂક્ષ્મપ્રજ્ઞાનો અભાવ છે, કેટલાક પાસે તેવા ધૃતિબળનો અભાવ છે, તેથી સંપૂર્ણ અનુષ્ઠાન સદાગમના વચનાનુસાર સેવવા સમર્થ નથી, તેઓ પણ સદાગમના વચનમાંથી બહુતમ પ્રવૃતિ સદાગમના વચનાનુસાર કરે છે. તે જીવો સાધુપણામાં હોય તો અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરવા છતાં ક્યારેક ક્યારેક પ્રમાદને વશ સ્ખલના પણ પામે છે