________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
ભવિતવ્યતા પૃથફ હોવા છતાં સર્વ જીવ સાધારણ એક ભવિતવ્યતાને ગ્રહણ કરીને પ્રસ્તુતમાં કહે છે. જેમ પૂર્વમાં કર્મપરિણામરાજા અને કાલપરિણતિ રાણીને સમસ્ત જીવોના જનની જનક રૂપે કહ્યું ત્યારે પણ તે તે જીવનાં કર્મો અને તે તે જીવની કાલપરિણતિ પૃથક હોવા છતાં સામાન્ય કર્મ અને સામાન્ય કાલપરિણતિને ગ્રહણ કરીને તેનું શું શું કાર્ય છે તેમ બતાવેલ, તેમ સર્વજીવોની ભવિતવ્યતાને સામાન્ય રૂપે ગ્રહણ કરીને ભવિતવ્યતા શું શું કાર્ય કરે છે તે બતાવતા કહે છે. તે ભવિતવ્યતા સ્ત્રીલિંગ શબ્દ છે માટે પુરુષની પત્ની છે અને વળી જીવની પરિણતિરૂપ હોવાથી પુરુષની પત્ની છે છતાં સુભટની જેમ જીવનાં સર્વ પ્રયોજનો કરવામાં તે સમર્થ છે; કેમ કે ભવિતવ્યતાનું ઉલ્લંઘન પુરુષ પણ કરી શકતો નથી તે નામમાત્રથી ભર્તા છે. પરમાર્થથી તો તે ભવિતવ્યતા જ તે જીવના ઘરનાં સર્વકાર્યો કરે છે અને સામાન્ય ભવિતવ્યતા ગ્રહણ કરી ત્યારે સર્વજીવોનાં ઘરનાં કાર્યો કરે છે.
જીવને જે જે અવસ્થાઓની પ્રાપ્તિ, જે જે ભવોની પ્રાપ્તિ, જે જે અનુકૂળતા પ્રતિકૂળતાની પ્રાપ્તિ થાય છે તે સર્વ કાર્ય તે જીવની ભવિતવ્યતા સંપાદન કરે છે, તેથી એક જીવને આશ્રયીને તેના ઘરનાં કાર્યો તેની ભવિતવ્યતા કરે છે અને ભવિતવ્યતા સામાન્ય ગ્રહણ કરીએ ત્યારે સર્વજીવોનાં સર્વ કાર્યો તે ભવિતવ્યતા કરે છે. તેથી જીવ સંબંધી સમસ્ત કર્તવ્યનું સંચાલન ભવિતવ્યતા કરે છે. વળી, તે ભવિતવ્યતા અચિન્ત માહાત્મવાળી છે તેથી તેને જે કરવાની ઇચ્છા હોય તે કૃત્ય કરવામાં અન્ય સંબંધી પુરુષકારની સહાયતાની અપેક્ષા રાખતી નથી. પરંતુ ભવિતવ્યતાને અનુરૂપ જ તે જીવ પણ પ્રયત્ન કરે છે. વળી આ ભવિતવ્યતા પુરુષની પત્ની છે છતાં પુરુષને શું અનુકૂળ છે ? શું પ્રતિકૂળ છે ? તેનો વિચાર કરતી નથી. આથી જે જીવની તેવી ભવિતવ્યતા હોય કે તેનાથી અસકાર્યો કરીને તેને નરકમાં લઈ જાય ત્યારે તે જીવની ભવિતવ્યતાને પોતાના પતિ પ્રત્યે દયા આવતી નથી. પરંતુ તેના પાસેથી તેવાં કાર્યો કરાવીને તેને નરકમાં જ કદર્થના પ્રાપ્ત કરાવે છે. તેથી સંસારમાં જે સ્ત્રી પોતાની ઇચ્છાનુસાર જ સર્વ કૃત્યો કરે, પતિને ગણકારે નહીં તેવી જ આ ભવિતવ્યતા છે. વળી તે ભવિતવ્યતા અવસરને પણ ગણકારતી નથી. આથી જ કેટલાક જીવો સુંદર કાર્યો કરતા હોય, આત્મહિત સાધતા હોય ત્યારે પણ તેમની ભવિતવ્યતાને થાય કે મારા સ્વામીને નરકમાં લઈ જવા છે ત્યારે તેમની ભવિતવ્યતા ચૌદપૂર્વધર એવા તે મહાત્માને પણ દુર્બુદ્ધિ આપીને નરકમાં પહોંચાડે છે. વળી, પોતાનો પતિ આપત છે તેનો વિચાર કર્યા વગર તેની ભવિતવ્યતાને જે કરવાનું મન થાય તે જ કરે છે. આથી જ પોતાનો પતિ તિર્યંચ આદિ ઘણા ખરાબ ભાવોમાં દુઃખી દુઃખી થતો હોય ત્યારે પણ જો તેની ભવિતવ્યતાને ઇચ્છા થાય તો તેને દુર્બુદ્ધિ આપીને નરકમાં લઈ જાય છે. આથી જ ભવિતવ્યતાના બળથી દુર્બુદ્ધિને પામીને તે જીવો ઘણા ઉપદ્રવોને પામે છે. વળી, પોતાનો પતિ આપત્તિમાં હોય અને ભવિતવ્યતાને થાય કે મારા પતિનું હું કંઈક હિત કરું ત્યારે તે ભવિતવ્યતા જ તેનું હિત કરે છે. આથી જ સાધુપણું પાળીને કુરગુડ મુનિ પૂર્વભવમાં નિમિત્તને પામીને કષાયવાળા થયા ત્યારે ભવિતવ્યતાએ તેમને દુર્બુદ્ધિ આપીને કષાયો કરાવ્યા અને જેના ફળરૂપે ઉત્તરના ભવમાં દૃષ્ટિવિષ સર્પ થયા. વળી, સર્પના ભવમાં ભવિતવ્યતા અનુકૂળ હતી તેથી કોઈક નિમિત્તને પામીને જાતિસ્મરણ જ્ઞાન થયું. જેથી ભવિતવ્યતાના યોગે સબુદ્ધિને પામીને દૃષ્ટિવિષ સર્પના ભવમાં પણ ઉચિત પ્રવૃત્તિ કરીને ફરી