Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૪૨ ]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
(૧૦) પૂર્વે અનુત્પન્ન કેવળ મરણ(કેવળીનું નિર્વાણ-મોક્ષ ગમન) પ્રાપ્ત થાય ત્યારે સર્વ દુઃખોનો અંત થવાથી આત્મા શાશ્વત સમાધિમાં સમાધિસ્થ બને છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં ચિત્તને પ્રસન્ન બનાવનારા દસ સ્થાનોનું વર્ણન છે. જેમ કોઈ પુરુષાર્થશીલ વ્યાપારીને ઇચ્છિત ધનરાશિ પ્રાપ્ત થાય ત્યારે અત્યંત ખુશી થાય છે, તેમ સંયમ સાધનામાં લીન મોક્ષાર્થી સાધકને સૂત્રોક્ત દસ આત્મગુણોમાંથી કોઈપણ આત્મગુણની પ્રાપ્તિ થાય, ત્યારે તેને અનુપમ આત્માનંદની પ્રાપ્તિ થાય છે. આ આનંદને જ અહીં ચિત્ત સમાધિ કહી છે. તે દસ સ્થાન આ પ્રમાણે છે(૧) ધર્મ ચિંતન – ધર્મ ચિંતન-આત્મ સ્વભાવ, જીવ-અજીવ આદિ દ્રવ્યોનું સ્વરૂપ, લોકાલોકનું સ્વરૂપ, જીવ અને કર્મ સંબંધનું સ્વરૂપ વગેરે આત્મલક્ષી ચિંતનથી સાધકને ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ધર્મજ્ઞાન દ્વારા સમાધિ પ્રાપ્ત થાય છે. આ રીતે ધર્મ ચિંતન આત્મસમાધિનું મૂળભૂત કારણ છે. (ર) જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્તિ - પોતાના પૂર્વના સંજ્ઞી પંચેન્દ્રિય ભવોનું સ્મરણ થાય, પૂર્વભવનું જ્ઞાન થાય, તેને જાતિ સ્મરણ જ્ઞાન કહે છે. જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા પોતાના પૂર્વના ભવો જાણી શકાય છે. જાતિ સ્મરણ જ્ઞાનને પ્રાપ્ત સાધક ચિત્ત સમાધિને પ્રાપ્ત કરે છે. (૩) યથાર્થ સ્વપ્ન દર્શન - યથાર્થ–મોક્ષ ફળદાયી સ્વપ્ન જોવાથી સાધકને ચિત્ત સમાધિ પ્રાપ્ત થાય છે. ભૌતિક પદાર્થની પ્રાપ્તિ સૂચક સ્વપ્નથી ચિત્ત પ્રસન્નતા પ્રાપ્ત કરે છે, પરંતુ તે દ્રવ્ય સમાધિ જ છે. ધર્મ ચિંતન દ્વારા સૂતેલી વ્યક્તિને યથાર્થ(ભાવી ફળ સૂચક) સ્વપ્ન દ્વારા ભાવ સમાધિ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુતમાં તેવા સ્વપ્ન દર્શનની જ વિવક્ષા છે તેમ જાણવું. (૪) દેવ દર્શન - સાધકના ચારિત્ર-તપના પ્રભાવે દેવ સેવામાં ઉપસ્થિત થાય છે, દેવની દૈવી ઋદ્ધિ આદિને જોવાથી ચિત્ત પ્રસન્ન થાય છે અને સમાધિને પ્રાપ્ત થાય છે. (૫) અવધિજ્ઞાન-અવધિદર્શન પ્રાપ્તિ - ઇદ્રિયોની સહાયતા વિના, અવધિ જ્ઞાનાવરણીય, અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી મર્યાદાપૂર્વક રૂપી પદાર્થનો વિશેષ અને સામાન્ય બોધ થાય અર્થાત્ રૂપી પદાર્થને જાણવા-જોવાની શક્તિને અવધિજ્ઞાન-અવધિદર્શન કહે છે. તે પ્રાપ્ત થાય ત્યારે ચિત્ત સમાધિને પામે છે. (૭) મન:પર્યવ જ્ઞાન પ્રાપ્તિ :- મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણવાની શક્તિને મનઃપર્યવજ્ઞાન કહે છે. મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરનાર જીવ સમાધિને પામે છે. (૮-૯)કેવળજ્ઞાન-કેવળદર્શન - કેવળ જ્ઞાનાવરણીય તથા કેવળ દર્શનાવરણીય કર્મના ક્ષયથી ત્રણે લોકના, ત્રણે કાળના સર્વદ્રવ્ય અને સર્વ પર્યાયને વિશેષ અને સામાન્ય રૂપે જાણે-જુએ, તેને કેવળજ્ઞાન-કેવળ દર્શન કહે છે. કેવળ જ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરનાર જીવ મોહનીયાદિ ચારે ઘાતિ કર્મનો ક્ષય થઈ જવાથી પરમ સમાધિને પામે છે. (૧૦) કેવળ મરણ-મુક્તિ ગમન :- કેવળ જ્ઞાનને પ્રાપ્ત કેવળી ભગવાન ચરમ ભવનું આયુષ્ય કર્મ પૂર્ણ થતાં શેષ સર્વ અઘાતિ કર્મોનો ક્ષય કરી મોક્ષને પ્રાપ્ત થાય છે. તેમનું મૃત્યુ કેવળજ્ઞાન સહિત હોવાથી તેને કેવળ મરણ કહ્યું છે. કેવળ મરણને પ્રાપ્ત જીવ મોક્ષને જ પામે છે. તે જીવ સિદ્ધ ગતિમાં શાશ્વત, અનંત આત્મસમાધિને પામે છે.
OS૬.