________________
તા. ૧૬-૧-૯૮
પ્રબુદ્ધજીવન
સમયસુંદરની સર્જક પ્રતિભાને મૂલવતો સઘન શોધસ્વાધ્યાય
– રમણલાલ ચી. શાહ
મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય એ મારા રસ અને અભ્યાસનો વિષય રહ્યો છે. એમાં પણ વિપુલ સાહિત્યના સર્જક કવિવર સમયસુંદર મારા અત્યંત પ્રિય કવિઓમાંના એક છે. વસ્તુતઃ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધન-અધ્યયનના કાર્યમાં મારો પ્રવેશ સમયસુંદરના સાહિત્યથી થયો હતો. નલદમયંતી વિશેના સાહિત્ય અંગે મારો શોધપ્રબંધ તૈયાર કરતો હતો ત્યારે ઇ.સ. ૧૯૫૫માં સમયસુંદરકૃત ‘નલદવદંતી રાસ'નું હસ્તપ્રતોને આધારે સંપાદન તૈયાર કરવાનું પ્રાપ્ત થયું હતું. સમયસુંદરની કવિપ્રતિભાનો ત્યારે સવિશેષ પરિચય થયો હતો. એટલે સમયસુંદર વિશે ડૉ. વસંતભાઈ દવેએ શોધપ્રબંધ તૈયાર કર્યાનું જ્યારે જાણ્યું હતું ત્યારે ઘણો આનંદ થયો હતો. આ શોધપ્રબંધ હવે પ્રકાશિત થાય છે અને અનેક અભ્યાસીઓને હવે તે સુલભ બનશે, એટલે એને આવકારતાં હું અત્યંત હર્ષ અનુભવું છું.
યુનિવર્સિટીની કક્ષાએ પીએઅચ.ડી.ની ઉપાધિ માટે ભિન્નભિન્ન વિષયોમાં તૈયાર થતા અને સ્વીકારાતા બધા જ શોધપ્રબંધો ગ્રંથરૂપે પ્રગટ કરવાને યોગ્ય હોતા નથી, કેટલાક શોધપ્રબંધો યુનિવર્સિટીની ઉપાધિ માટે યોગ્ય જણાય તો પણ તેમાં રહી ગયેલી કેટલીક કચાશ કે ત્રુટિઓને કારણે તે પ્રકાશિત થવાને સમર્થ હોતા નથી. જે થોડા પ્રકાશિત થવાને યોગ્ય હોય તે પણ આર્થિક કારણોને લીધે તથા મર્યાદિત ભાવકવર્ગને કારણે પ્રકાશિત થઇ શકતા નથી. કેટલાકની સામગ્રી, ુનવાં સંશોધનો થતાં, થોડા વખતમાં જ કાલગ્રસ્ત બની જાય છે. એટલે બહુ ઓછા શોધપ્રબંધોને પ્રકાશિત થવાનું સદ્ભાગ્ય સાંપડે છે. ડૉ. વસંતભાઇ દવેનો સમયસુંદર વિશેનો આ શોધપ્રબંધ પ્રકાશિત થવાને સદ્ભાગી બન્યો છે એ એની ગુણવત્તાની પ્રતીતિ કરાવે છે.
યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના અભ્યાસ નિમિત્તે તૈયાર થયેલા શોધપ્રબંધોની એક વિષ્ટ મુદ્રા હોય છે. શોધપ્રબંધને નિમિત્તે કોઇપણ વિષયનો ઊંડાણપૂર્વક પરામર્શ સારી રીતે કરવો પડે છે. એ માટે ઠીક ઠીક પરિશ્રમ લેવો પડે છે. એ વિષયમાં પૂર્વે થયેલાં કાર્યોનું સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરી લેવું પડે છે. માહિતી અને સંદર્ભોની ચોકસાઇ, તુલનાત્મક તારતમ્ય અને અન્યના અભિપ્રાયોની પૂર્વગ્રહરહિત ચકાસણી વગેરે શોધપ્રબંધનાં મહત્ત્વનાં લક્ષણો છે. ડૉ. વસંતભાઇ દવેના આ શોધપ્રબંધમાં એ સુપેરે નિહાળી શકાય છે.
વિક્રમના સત્તરમાં શતકમાં થઇ ગયેલા, વીસથી વધુ રાસકૃતિઓ, ૫૫૦થી અધિક પદો તથા ચોવીસી, છત્રીસ, સંવાદ વગેરે પ્રકીર્ણ પ્રકારની કૃતિઓના રચિયતા, રાખનો તે સૌથમ્ એ આઠ અક્ષરોના આઠ લાખથી વધુ અર્થ કરી બતાવનાર (આ ‘અષ્ટલક્ષી' ગ્રંથ ‘અનેકાર્થરત્નમંજૂષા’ના નામથી ૧૯૩૩માં સૂરતના દેવચંદ લાલભાઇ જૈન પુસ્તકોાર સંસ્થા તરફથી પ્રગટ થયો છે), સંસ્કૃત ભાષાના પ્રકાંડ • પંડિત, મોગલ બાદશાહ અકબરના દરબારમાં ખ્યાતિ ધરાવનાર, પચાસથી વધુ શિષ્યો-પ્રશિષ્યો ધરાવનાર કવિવર સમયસુંદરનું ગુજરાતી (અને રાજસ્થાની) સાહિત્યના ક્ષેત્રે મોટું યોગદાન રહ્યું છે. એમની ઘણી કૃતિઓ હવે પ્રકાશિત થઇ ચૂકી છે. કેટલીક હજુ અપ્રકાશિત છે. એમની તીર્થમાળના પ્રકારની સ્તવનરચના જૈન મંદિરોમાં અને પદ્માવતી રાણીની આલોયણા નામની રચના પ્રતિક્રમણાદિ ધર્મક્રિયાઓમાં આજ દિવસ સુધી જૈનોમાં ગવાતી આવી છે એ એની મૂલ્યવત્તાની પ્રતીતિ કરાવે છે.
શોધપ્રબંધમાં લેખકે આરંભમાં જ સમયસુંદરના જીવન વિશે પ્રમાણભૂત માહિતી આપી છે. સદ્ભાગ્યે સમયસુંદર વિશે ઠીક ઠીક માહિતી એમની કૃતિઓમાંથી અને એમના વિશે લખાયેલાં ગીતોમાંથી
૧૧
ઉપલબ્ધ થાય છે. જૈન સાધુઓ પોતાના પૂર્વાશ્રમની વાત જવલ્લે જ કરતા હોય છે. એટલે સમયસુંદર વિશે પણ એવી માહિતી ખાસ ન સાંપડે એ સ્વાભાવિક છે. પરંતુ સાધુકવિઓની કૃતિઓમાંથી એમની ગુરુપરંપરા અને શિષ્યપરંપરા વિશે, એમના ચાતુર્માસનાં વર્ષ અને સ્થળ વિશે, વિહારનાં સ્થળો વિશે, દીક્ષામહોત્સવ, પ્રતિષ્ઠામહોત્સવ વગેરે મહોત્સવો વિશે જે છૂટીછવાઇ માહિતી સાંપડી હોય તેને ક્રમાનુસાર ગોઠવવાથી એમના જીવનની મહત્ત્વની રૂપરેખા તૈયાર કરી શકાય છે. સમયસુંદરે ઘણી બધી કૃતિઓની રચના કરી હોવાથી એમના વિશે મળતી માહિતીનું પ્રમાણ ઠીક ઠીક છે એ આ ગ્રંથમાં જીવન વિશેના પ્રકરણ પર નજર ફેરવવાથી પણ જોઇ શકાય છે. સમયસુંદરે પોતે પોતાની રાસકૃતિ ‘સીતારામ ચોપાઇ'માં પોતાના જન્મસ્થળ સાચો૨નો નિર્દેશ કર્યો છે.
મુજ જનમ શ્રી સાચો૨માંહી,
તિહાં ચ્યાર માસ રહ્યાં ઉચ્છાદિ; તિહાં ઢાલ એ કીધી એકે જ,
કહે સમયસુંદર ધરી હેજ.
સમયસુંદરે લગભગ ૯૦ વર્ષ જેટલું દીર્ઘાયુષ્ય ભોગવ્યું હતું. વિ. સં. ૧૭૦૨માં ચૈત્ર સુદ ૧૩ના દિવસે મહાવીર જયંતીના દિવસે તેઓ અનશન કરવાપૂર્વક કાળધર્મ અમદાવાદમાં, હાજા પટેલની પોળના ખરતર ગચ્છના ઉપાશ્રયમાં પામ્યા હતા, એ વિશે એમના એક પ્રશિષ્ય કવિ રાજસોમે નિશ્ચિત નિર્દેશ કર્યો છે.
અણસણ કરી અણસાર, સંવત સંતરસાય બીડોત્તરે; અમદાવાદ મઝાર, પરલોક પહુંતા હો ચૈત્ર સુદિ તેરસે.
૧૬૪૧માં ‘ભાવશતક’ની રચના કરી હતી અને છેલ્લે વિ. સં. સમયસુંદરનો કવનકાળ છ દાયકા જેટલો હતો. એમણે વિ. સં. ૧૭૦૦માં ‘દ્રૌપદી ચોપાઇ’ની રચના કરી હતી. આ પરથી જોઇ શકાય છે કે સમયસુંદર સતત સાહિત્યસર્જન કરતા રહ્યા હતા. જિનકુશલસૂરિ, જિનચંદ્રસૂરિ, જિનસિંહસૂરિ, સમય૨ાજ જેવા મહાત્માઓના સાન્નિધ્યમાં ઉજ્જવળ અને ઉલ્લાસમય જીવન પસાર કરનાર અને ઘણી ખ્યાતિ મેળવનાર સમયસુંદરનાં અંતિમ વર્ષો એટલાં ઉલ્સાસમય નહોતાં પસાર થયાં એવું એમની કૃતિઓમાંથી જોવા મળે છે. સામાન્ય રીતે પરીષહ-ઉપસર્ગ સહન કરનાર જૈન સાધુઓ પોતાની વાણીમાં પોતાના દુઃખની વાત કરે જ નહિ. વસ્તુતઃ બીજાને જણાતું દુઃખ એમને દુઃખ તરીકે દેખાય નહિ. અશુભ કર્મના વિપાકોદય વખતે તેઓ તો સમતાના ઘારક જ હોય. પરંતુ સમયસુંદરે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે એ પરથી એ એમને માટે કેટલું બધું અસહ્ય બન્યું હશે એનો ખ્યાલ આપે છે. આ દુઃખનું એક મહત્ત્વનું કારણ તે વિ.સં. ૧૬૮૭માં પડેલો ભયંકર દુકાળ છે. ઘરેઘરેથી ગોચરી વહોરી લાવનાર અકિંચન, મહાવ્રતધારી જૈન સાધુની દુકાળના વખતમાં જ્યારે ગોચરી ન મળે ત્યારે ભારે કસોટી થાય છે. સમયસુંદરે ‘સત્યાસિયા દુષ્કાળ વર્ણન છત્રીસી'માં એનો તાદશ ચિતાર આપ્યો છે. સમયસુંદરની અન્ય પરંપરાનુસા૨ી કૃતિઓ કરતાં આ એક કૃતિ તદ્દન જુદી પડે છે અને દુષ્કાળની એ ઐતિહાસિક ઘટનાની સાક્ષી પૂરે છે. આ શોધપ્રબંધમાં લેખકે એ દુષ્કાળની ભયંકર વાસ્તવિકતાનો ખ્યાલ આપતી જે પંક્તિઓ ટાંકી છે તેમાંથી થોડીક જુઓ :
લાગી લૂંટાલૂંટ, ભયૈ કરિ મારગ ભાગ્યા, લે તો ન મુકઇ લઠ, નારીનરનિ કરિ નાગા.
X
X
X