________________
૧૬
તાપણોં તણખા ખરે, દૂર શિયાળવાંની લાળી ભળે, દૂર સંભળાતા લગ્નના ઢોલનો અવાજ ભળે. ઘુડવનો ડરામણો અવાજ ભળે. તમરાંનો સતત આવતો અવાજ ભળે. ગ બાળકો વાતો કે વાર્તા સાંભળતાં સાંભળતાં જ ખોળામાં પોઢી જાય. ઘણાંખરાં બાળકોની પહેલી મીઠી મધુર નીંદર વડીલોના ખોળામાં જ પાંગરે, પથારીએ તો પછી પોઢાડવાં પડે. ખોળામાં પોઢ્યાનું સુખ કેટલાય અપસુખને ભુલાવી દે.
પ્રબુદ્ધજીવન
કોઇને ઘરે પરગામથી મહેમાન આવ્યા હોય, એ ઘરનો કોઇ કમાઉ દીકરો પરદેશથી આવ્યો હોય અથવા પરદેશ સિધાવવાનો હોય તો એ સૌને મળવા, માન આપવા, ખબર અંતર પૂછવા અડોશીપડોશી જરૂર આવે. મહેમાનોની કક્ષા પ્રમાણે એમાં શિષ્ટાચાર ઉમેરાઇ જતો પણ જોવા મળે.
અમારા એક માસાબાપા આમ તો પરદેશ એટલે મુંબઇમાં ૨હે. છ-બાર મહિને દેશમાં એટલે વતનમાં આવે. એકાદ બે દિવસ અમારે ઘરે પણ અચૂક આવે. એમનું આગમન આખાય ઘર માટે કોઇ પરવ બની રહે. પ્રેમાળ, હસમુખા, વાતડાહ્યા અને અમસ્તાય વ્હાલા લાગે એવા.
ઘરની ડેલીમાં શેતરંજી પાથરી છે. બપોરે થોડું ભારે જમણુ જમીને માસાબાપા મોટા તકિયાને અઢેલીને બેઠા છે. દિલથી મોટા અને ડિલીય મોટા. ઘરના વડીલો વયપદહોદ્દાનુસાર એમને વીંટળાઇને બેઠા છે. કોઇ જરાક આડે પડખેય થયું છે. ઊંચે પેઢે આવેલી ડેલીમાં લહેરખીઓ દોડી આવે છે. વાતોની રમ્ય સૂરાવલિઓ રેલાય છે. એ વાતો વાતાવરણમાં મંદ સુમધુર ગુંજારવ કરતી હોય એવી સુરખી સૌ ચહેરે આંકી દે છે. એ વાતોમાં ડહાપણ છે, ભૂતકાળ છે, અનુભવ છે, દક્ષતા છે, આવડત છે. કુટુંબપરિવારનો કાવ્યશાસ્ત્રવિનોદ કહીએ તો ચાલે એવી રસની લ્હાણ છે. અમે બાળકો તો એમાં કેટલું સમજીએ ? વિસ્મયથી આખો ઠાઠ જોતા રહીએ.
અનુભવી ઠરેલ ભદ્રિક માણસની વાતો એ તો સરોવરના શાંત નીર પર હવાની લહેરખીનું ચાલવું. વાર્તાની જેમ વાતની માંડણી કરે, પાત્રો આવે, સંવાદ આવે, ચિત્ર ઊપસે, કથારસ જામે, સંસ્કાર ઘડતરની સમજણની આછી સૌરભ વાતાવરણને ઊંચા સ્તરે લઇ
જાય.
ગ્રામ્યજીવનમાં ઉપલબ્ધિઓ મર્યાદિત, વસ્તુઓ ગણીગાંઠી, અભાવ તો સ્થાયી હતા. સમયની છત હતી. હોંકારો દેનાર મળી રહે. શહેરમાં સુણનારાના જ સાંસા. વાત કોની સાથે કરવી ? શી કરવી ? શહેરમાં અંતર ઠાલવાના ઠેકાણાં ઓછાં. લોકો પાર્ટી મહેફિલોમાં કેવા ઉપરછલ્લા મળે છે. સમયની અછત એમને વ્યગ્ર ને વ્યસ્ત રાખે છે. અવસાદ-ડિપ્રેશનથી છૂટવાનો ઉપાય હૈયાગોષ્ઠિ છે, પણ શહેર તો એ બાબતમાં રાંક. ટી.વી. તો ચોવીસે કલાક બોલે છે, પણ એમાં આપણને અંતરમાં સ્પર્શે એવું કેટલું ?
માણસ સ્વભાવે જ સ્વજનભૂખ્યો હોય છે. પ્રિયજનોના વિયોગમાંથી જે ઝૂરણ ને ઝંખના જાગે છે, જે અભાવ વરતાય છે તેમાંથી જન્મે છે આવકારનો ભાવ. એમાંથી જ નાનકડા ઉત્સવ રચાય છે. મેળાવડા જામે છે. ડાયરા ડોલે છે. મહેફિલો મંડાય છે. કાવાકસુંબા કઢાય છે. ઉજાગરા જાગરણમાં પલટાય છે. વાતો વાતાયન બની રહે છે ને ત્યાં બેઠું મનપંખી મનમોજનું ગાન રેલાવે
છે.
એક કચ્છી દુહામાં યોગ્ય જ કહ્યું છે કે સ્વજન પાસે વાત કરવામાં બન્ને બાજુથી લાભ હોય છે. અધૂરા કોડ પૂરા કરે છે અને પૂરા થયેલા કામ માટે શાબાશી દે છે.
તા. ૧૬-૪-૯૮
ગ્રીષ્મની મધ્યાહ્ને નીરવ શાંતિમાં થતી વાતોમાં લૂની લહેરખી આવે છે. અંગેઅંગ દઝાડે છે. ધૂળની નાનકડી ડમરી ચડે છે. કૂડો-ચરો-પાંદડાં ચડે પડે છે. વાતો વચ્ચે ઝીણી ઝીણી ખે આવી પડે છે. એ વખતે વાતોમાં પ્રલંબ અંતરાલ આવે છે. એકાદ વાક્ય ઉચ્ચારાય પછી મૌનનો લાંબો પટ આવે છે. ફરી બે વાતો થાય ન થાય કે ચૂપકીદી શબ્દોમાં ચૂપચાપ જગા મેળવી લે છે.
વાતોનેય પોતાનું સંગીત હોય છે. વાતો ય વ્રુત અને વિલંબિત હોય છે. એમાં આવર્તન ને તાનપલટા હોય છે. રમઝટ હોય છે. આરોહ, અવરોહ પર જઇને સમ પર આવવું પડે છે. વાતો અટક્યા પછીય વાતો ચાલ્યા કરતી હોય છે. વાતો પૂરી થતી નથી; ક્યાંક આપણે છોડી દેવી પડે છે. વરસતા નેવાં જેવી વાતો, રમતિયાળ ઝરણાં જેવી વાતો, ધસમસતી નદી જેવી વાતો, સૂકાતી તલાવડી જેવી વાતો, શાંત સરોવર જેવી વાતો, ઘૂઘવતા સાગર અને ઝાંઝવાના જળ જેવી વાતો આપણને જીવતા રાખે છે.
માણસ વાતોથકી બળિયો અને વાતો જ એની નબળાઇ, બોલતાં તો કદાચ એને આવડે પણ સાંભળતાં આવડે તો વરદાન.
વર્ષો પહેલાં બચપણમાં રાતના મેળાવડામાં એક વાર્તા સાંભળી હતી. હજી એ ભૂલી શક્યો નથી. એક માણસને અચાનક દૂરને ગામ જવું પડે છે. સાંજ ઢળી ચૂકી છે. પોતાની પાણીલી સાંઢણી પલાણે છે. નિર્જન રસ્તે સાંઢણી દોડવતો જાય છે. મનમાં જાતજાતના વિચારોની ધારા ચાલે છે. પંથ લાંબો છે. ખૂટ્યો ખૂટતો નથી, સૂમસામ વાટમાં સામેથી રાતને ઉતાવળે આવતી જુએ છે. એના મનમાં ચમકારો થાય છે.
સાંઢણીની રાશ હાથમાંથી છોડી દે છે. રાત પાસે પહોંચી કે તરત જ તેને વિનંતી કરે છે, ‘અરે ઓ રાતબાઈ ! આ રાશ તો મને હાથમાં દઇ દે. મને મોડું થાય છે. ઊંટડીને બેસાડીને હું ઊતરીને રાશ લેવા જઇશ તો વધુ મોડું થશે. ભગવાન તારું ભલું કરે.'
રાતને તો રોજની જેમ જલદી જલદી જવું હોય છે પણ આ ઊંટસવાર પર દયા લાવી એને રાશ હાથમાં દે છે. ઝપ દઇને ઊંટસવાર તો રાશ સાથે રાતને જ પકડી લે છે. રાત કહે છે, ‘ભાઈ મને છોડ, મને મોડું થાય છે.' એ માણસ તો કોઇ વાત સાંભળતો જ નથી. રાત એને વિનવે છે, કરગરે છે.
પેલો અસવાર કોઇ વાત કાને નથી ધરતો. સાંઢણી દોડાવતો જ જાય છે. એણે તો હો ફાટે તે પહેલાં પહોંચવું છે. રાત એના કબજામાં છે.
આખરે લાંબી મજલ કાપી એ પેલા ગામના પાદરમાં પહોંચે છે ત્યારે રાતને છોડે છે.
રાતને આ રીતે રજૂ કરવામાં કેવી કમાલ છે ! અદ્ભુત વાત છે. રાતઃ એક જીવંત વ્યક્તિ જેવી લાગે છે. સમયને રોકવાની વાત પણ ખરી રોમાંચક છે. રાતની આ વાર્તા રાતે જ સાંભળીએ ત્યારે જુદી જ અનુભૂતિ થાય.
મને થાય છે કે વાતરૂપી સાંઢણીસવાર આ રીતે જ થોડા સમય માટે પણ સમયને જ રોકી લે છે.
અને છેલ્લે, કોઇ એકાકી માણસની સ્વગતોક્તિ કાને પડે છેઃ ‘હાલ્ય જીવ ! ઘણું મોડું થયું છે. ઊઠ જીવ ! હવે ઊઠીએ.' જાતને જ સંબોધવી એને તાદાત્મ્ય કહેવું કે એકલતા ! ?
મા.
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ છે મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ ૭ પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૪. ફોનઃ ૯૮૨૦૨૯૬. મુદ્રણસ્થાન ઃ રિલાયન્સ અફિસેટ પ્રિન્ટર્સ, ૬૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮. લેસરટાઈપસેટિંગ ઃ મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨.
B