Book Title: Prabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 122
________________ પ્રબુદ્ધજીવન ૨ તેઓ જ્યાં સોના-ચાદીનું કે મોતી-ઝવેરાતનું કામ થતું હોય એ રસ્તા પરથી ધૂળ તગારામાં એકઢી કરી લે છે અને પછી તળાવ કે નદી કિનારે જઇ એમાં પાણી નાખી ધીમે ધીમે નીતારતા જાય. ધૂળ બધી ધોવાઇ જાય અને કાંકરા અને બીજી નક્કર વસ્તુ રહે તેમાંથી જે કંઇ મળે તે વેચીને આજીવિકા ચલાવે. ઘણી વાર તો દિવસો સુધી કશું જ ન મળે. મહેનત માથે પડે. કોઇની કોઇ કિંમતી ચીજવસ્તુ ખોવાઇ ગઇ હોય ને ધૂળધોવાને પહેલેથી કહી રાખ્યું હોય તો તેઓ પ્રમાણિક એવા કે તે વસ્તુ મળે તો એના માલિકને આપી દે. પછી તે માલિક રાજીખુશીથી જે બક્ષિસ આપે તે સ્વીકારી લે. (અમે અમારા કિશોરકાળમાં કેટલાંયે ગામોમાં આવા ધૂળધોયા જોયા છે. ધૂળધોયાનો વ્યવસાય હવે લુપ્તપ્રાયઃ થઇ ગયો છે. કેટલાંક કુટુંબોની અટકમાં તે શબ્દ રહ્યો છે અને બહુ મહેનતે અત્યંત અલ્પ ફળ આપનારા કામના અર્થમાં રૂઢિપ્રયોગમાં તે રહ્યો છે. ધૂળધોયા કરતાં કચરો વીણનારાઓનો વ્યવસાય ચડિયાતો છે, કારણ કે સાંજ સુધીમાં પેટ પૂરતી થોડીક રોજગા૨ી તો અવશ્ય મળે છે. માણસને કચરો વીણવાનો વ્યવસાય કેમ ગમતો હશે ? ગરીબ, અભણ, બેકાર, લાચાર, નિરાધાર માણસ તરત શરૂ કરી શકે એવું આ કામ છે. વળી તેનું કારણ એ છે કે આ એક એવો ધંધો છે કે જેમાં બીજી કોઇ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. તેમાં મૂડીરોકાણ નથી. તેમાં કોઇની લાગવગ કે ભલામણની જરૂર નથી. તે સ્વેચ્છાએ ગમે ત્યારે, ગમે તે સ્થળેથી ચાલુ કરી શકાય છે. એમાં કામના નિશ્ચિત કલાકો નથી કે કોઇ બંધન નથી. તેમાં રજા લેવા માટે કોઇ નિયમ કે બંધન નથી. તેમાં સ્ટોક રાખવાનો કે બગડવાનો, સડવાનો કે ચોરાઇ જવાનો ભય નથી. તેમાં રોજેરોજની કમાણી રોકડી મળી જાય છે, તેમાં પોતે જ શેઠ અને પોતે જ નોકર જેવી સ્થિતિ હોય છે. ધનાઢ્ય દેશોમાં કેટકેટલી સારી વસ્તુઓ કચરામાં નાખી દેવામાં આવે છે. તેમાં પણ વાંચી લીધેલા સારા સારા ગ્રંથો કોઇ લેનાર ન હોવાથી કચરામાં નખાતાં જોઇને જીવ બળે. કાચની કે પ્લાસ્ટિકની બાટલીઓ, ખોખાં, રાચરચીલું, અરે, જૂની મોટરકાર સુદ્ધાં કચરામાં નાખી દેવાય છે. પણ તેઓનો સૌથી મોટો કચરો કાગળનો હોય છે. હવે ત્યાં પર્યાવરણની દષ્ટિએ જાગૃતિ આવી છે. Recyclingનો કચરો જુદો એકઠો થાય છે. તેમ છતાં પાર વગરનો કાગઝી કચરો ધનાઢ્ય દેશોમાં દરિયામાં કે અન્યત્ર ઠલવાય છે. ત્યાં કચરો કાઢનારા બધા જ હોય છે, કચરો વીણનારા કોઇ નથી હોતા, કારણ કે ત્યાંનું જીવનધોરણ એટલું સમૃદ્ધ છે. કચરો વીણનારા મુખ્યત્વે અર્ધવિકસિત દેશોમાં જોવા મળે છે. કચરો વીણનારાઓમાં મુખ્યત્વે તો કાગળિયા વીણનારા હોય છે, પરંતુ વર્તમાન સમયમાં પ્લાસ્ટિકની કોથળીઓ, ખાલી બાટલીઓ, ઇલેક્ટ્રિક વાયરના ટુકડા, ચીંથરાં, લોખંડ, પિત્તળ અને અન્ય ધાતુઓનાં ભંગાર પણ વીણે છે. સાંજે તેઓ પોતાની વીણેલી વસ્તુઓ છૂટી પાડે છે અને પસ્તીવાળા, રદ્દી કાગળવાળા, ભંગારવાળાને તેઓ વેચી આવે છે. કચરો વીણનારાઓમાં છેલ્લા કેટલાક વખતથી કાગળિયાં વીણનારાનો વ્યવસાય ઠીક ઠીક ફેલાયો છે. ભારતમાં ગરીબી અને બેકારી એટલી બધી છે કે આવા વ્યવસાય તરફ એવા માણસો ખેંચાય એ સ્વાભાવિક છે. જૂની પસ્તીનો વેપાર કરનારની વાત જુદી છે. આ તો રસ્તામાં કચરા તરીકે પડેલાં કાગળિયાં વીણનારાની વાત છે. ફક્ત મુંબઇ શહેરમાં જ દોઢ લાખથી વધુ માણસો આવું કામ કરે છે. એમાં ગરીબ સ્ત્રીઓ પણ છે અને કુમળી વયના છોકરાઓ પણ છે. મુંબઇ ઉપરાંત દિલ્હી, કલકત્તા, મદ્રાસ જેવાં મોટાં શહેરો અને નાનાં નાનાં નગરોમાં પણ ખભે કોથળો લઇને નીકળી પડેલ માણસો જોવા મળે છે. ભારત જેવા અર્ધવિકસિત તા. ૧૬-૧૧-૯૮ દેશમાં લાખો માણસો ચીથરાં-કાગળિયાં વીણનાર (Rag-Pikers) તરીકે કામ કરે છે. રોજેરોજ કાગળિયાં વીણનારા માણસો સામાજિક દૃષ્ટિએ ઉપકારક પણ છે. નગરોની સ્વચ્છતામાં તેમનો ફાળો હોય છે, (તેઓ પોતાના વિસ્તારમાં ગંદકી કરે તેની વાત જુદી છે) પણ તદુપરાંત પર્યાવરણની દૃષ્ટિએ પણ તેઓ ઉપયોગી કામ કરે છે. ધનાઢ્ય દેશોમાં Recyclingનો પ્રચાર તો હવે ચાલુ થયો, પણ આપણાં દેશમાં તો પહેલેથી જ એ ચાલે છે. કાગળિયાં વીણનારાઓને કારણે કાગળ, પૂઠાં વગેરે બનાવનારી મિલોને આવો કાચો માલ સસ્તા ભાવે મળે છે અને એથી જંગલનાં વૃક્ષો ઓછાં કપાય છે. સમૃદ્ધ રાષ્ટ્રોમાં રસ્તાઓ એટલા બધા સ્વચ્છ હોય છે કે એક ચબરખી જોવા ન મળે. કાગળિયાં વીણવાનો વ્યવસાય કરનારા ત્યાં ભૂખે મરે. આપણે ત્યાં રસ્તામાં ગમે ત્યાં કાગળનો કચરો ફેંકવાની ટેવને લીધે લાખો લોકોને આજીવિકા મળે છે. એથી એવો કુતર્ક કરવાનો નથી કે કરુણાભાવથી વધુ કચરો રસ્તામાં નાખીએ તો વધુ લોકોને કમાણીનું સાધન મળે, કારણ કે અસ્વચ્છતાના બીજા અનર્થો ઘણા છે. વર્તમાન સમયમાં તો એક અનિષ્ટ આવશ્યકતા (Necessary Evil) તરીકે જ એનો વાસ્તવિક સ્વીકાર કરવો પડે છે. એની હિમાયત ન થઇ શકે. વસ્તુતઃ રસ્તાઓ સ્વચ્છ હશે તો ગંદકી, માંદગી નહિ થાય અને કચરો વીણનારને બીજો વ્યવસાય મળી રહેશે. કાગળિયાં વીણનારા ઘણું ખરું સવારમાં નીકળી પડતા હોય છે. રસ્તાઓ પર અને શેરીઓમાં નગરપાલિકાના ઝાડુવાળા કર્મચારીઓ કચરો સાફ કરી નાખે એ પહેલાં તેઓ નીચું જોતાં જોતાં ચક્કર મારી લે છે કે જેથી છૂટાછવાયાં પડેલાં કાગળિયા હાથ લાગી જાય. પોતાનો કોથળો ભરાય એટલે એક ચક્કર પૂરું થાય. જો કોઇ સાચવનાર હોય તો પોતાના મુકામે કોથળો મૂકીને બીજો કોથળો લઇને તે નીકળી પડે છે. કેટલાક વીણનારા દિવસ દરમિયાન ફક્ત એક ચક્કર લગાવે છે. કેટલાક બે કે ત્રણ ચાર ચક્કર લગાવે. કોથળો ભરાતાં તેઓ એવી રદ્દીનો વેપાર કરનારને વેચી આવે છે. કેટલાક એટલી આવકથી સંતોષ માને છે, તો કેટલાક મજૂરીના પ્રકારનું બીજું પરચુરણ કામ પણ કરી લે છે. કચરો વીણનારાને પણ વર્ષાઋતુમાં ઓછી આવક મળે છે. કાગળો ભીના થઇ જાય છે. બીજો કચરો પણ ભીનો થઇ ગયો હોય તો કામમાં આવતો નથી. એવે વખતે રાતના આશ્રયનો પ્રશ્ન પણ ઊભો થાય છે. પોતાનું ઠામઠેકાણું ન હોવાથી આવા કેટલાક લોકો વર્ષાઋતુમાં સ્થળાંતર કરી જાય છે. કેટલાક પોતાના વિસ્તારમાં જ બીજું કોઇક કામ શોધી લે છે જે વર્ષાઋતુમાં જ પ્રાપ્ત થતું હોય છે. કચરા સાથે કામ પાડનાર વ્યક્તિ જો તદ્દન તંદુરસ્ત હોય તો પણ માંદી પડી જવાનો સંભવ છે, તો પછી જેઓને પૂરતો પોષક ખોરાક મળતો નથી અને જેઓને આરોગ્ય વિશે કશી ગતાગમ નથી એવા લોકો અવારનવાર માંદા પડે તેમાં નવાઇ શી ? માંદા પડે ત્યારે દવાના પૈસા તો હોય નહિ, એટલે આવા લોકો થોડા દિવસ પડ્યા રહે છે અને સાજા થાય એટલે ફરી પાછા કામે લાગી જાય છે. કાગળિયાં વીણીને રોજી મેળવનારા નાની વયના છોકરાઓની પણ એક જુદી જ દુનિયા છે. તેમના જીવન અને કાર્યનો અભ્યાસ યુનિવર્સિટીઓના સમાજશાસ્ત્રના અને સમાજકાર્યના વિભાગો તરફથી થાય છે અને તેઓના અહેવાલો અને ભલામણો નગરપાલિકા કે સરકારી ખાતાઓને સોંપાય છે અને તેના અમલ દ્વારા કેટલાક સુધારા પણ થાય છે. ગરીબ, અભણ અને લાચાર માણસો કચરો વીણવાનો ધંધો કરતા હોવાથી તેમનો કચરો લેનાર વેપારીઓ પણ તેમનું શોષણ

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148