________________
નિજદોષ દર્શનથી. નિર્દોષ !
- ૧૧
નિજદોષ દર્શનથી. નિર્દોષ !
બહારવટિયો ય છપાય શીલવાત સમક્ષ !
ભગવાન જ ઉપરી નથી ત્યાં આગળ પછી ! ભગવાનના ઓઠા નીચે તમે વાંધો ઉઠાવો છો કે ભગવાન છે, દયા કરશે આપણી ઉપર ! ‘હઉ થશે” એમ કરીને ઊંધું કરો છો, જવાબદારી વહોરો છો !
શીલનો પ્રભાવ એવો છે, જગતમાં કોઈ નામ ના દે એનું. બહારવટિયાની વચ્ચે રહેતો હોય, બધી ય આંગળીઓએ સોનાની વીંટીઓ ઘાલેલી હોય, અહીં આખા શરીરે બધા સોનાના દાગીના પહેર્યા હોય ને બહારવટિયા ભેગા થયા હોય. બહારવટિયા જુએ ય ખરા પણ અડાય નહીં, અડી શકે નહીં. બિલકુલ ગભરાવા જેવું જગત જ નથી. જે કંઈ ગભરામણ છે એ તમારી જ ભૂલનું ફળ છે એમ અમે કહેવા આવ્યા છીએ. લોકો એમ જ જાણે છે કે જગત અડસટ્ટો છે.
પ્રશ્નકર્તા: સમજણની એટલી કચાશ !
દાદાશ્રી : એ સમજણની કચાશને લીધે જ જગત ઊભું રહ્યું છે. એ એમ કહેવા માગીએ છીએ કે જગતમાં ભય રાખવા જેવો છે જ નહીં. જે ભય આવે છે એ તમારો હિસાબ છે. ચૂકતે થઈ જવા દો. અહીંથી ફરી નવેસરથી ધીરશો નહીં.
તમને કોઈ અવળું કહે, એ તમને છે તે મનમાં એમ થાય કે આ મને કેમ અવળું બોલે છે ? એટલે તમે એને પછી પાંચ ગાળ ભાંડો. એટલે જે તમારો હિસાબ હતો તે ચૂકવતી વખતે તમે ફરી નવો હિસાબનો ચોપડો ચાલુ કર્યો. એટલે એક ગાળ ધીરેલી હતી તે પાછી આપવા આવ્યો, તે આપણે જમે કરી લેવાની હતી તેને બદલે પાંચ તમે ધીરી. ને પાછી આ એક તો સહન થતી નથી ત્યાર હોરો બીજી પાંચ ધીરી. તે હવે આમાં મનુષ્યોની શી રીતે બુદ્ધિ પહોંચે ! તે ધીર ધીર કરી અને ગૂંચાગુંચ કરે છે. ગૂંચવાડો બધો ઊભો કરે છે.
આ અમે પંદર વરસથી ધીરતા નથી, તે કેટલા ચોપડા ચોખ્ખા થઈ ગયાને બધા ! ધીરવાનું જ બંધ કરી દીધુંને ! જમે જ કર. ‘આમને” કહી દીધેલુને, જમે કરી દેજો. સહેલું છેને, માર્ગ સહેલો છેને ? હવે આ શાસ્ત્રમાં લખેલું ના હોય.
કોઈ કશું કરી શકે નહીં. તમે સ્વતંત્ર છો. તમારા ઉપરી જ કોઈ નથી.
ત રહો ભોગવટો જ્ઞાતીને ! કોઈને આપણાથી કિંચિત્માત્ર દુઃખ થાય તો જાણવું કે આપણી ભૂલ છે. આપણી મહીં પરિણામ ઊંચા-નીચાં થાય એટલે ભૂલ આપણી છે એમ સમજાય. સામી વ્યક્તિ ભોગવે છે એટલે એની ભૂલ તો પ્રત્યક્ષ છે પણ નિમિત્ત આપણે બન્યા, આપણે એને ટૈડકાવ્યો માટે આપણી ય ભૂલ. કેમ દાદાને ભોગવટો નથી આવતો ? કારણ કે એમની એકેય ભૂલ રહી નથી. આપણી ભૂલથી સામાને કંઈ પણ અસર થાય ને જો કંઈ ઉધાર થાય તો તરત જ મનથી માફી માગી જમા કરી લેવું. આપણામાં ક્રોધ-માન-માયાલોભના કષાયો છે એ ઉધાર થયા વગર રહે જ નહીં. એટલે તેની સામે જમે કરી લેવું. આપણી ભૂલ થઈ હોય તે ઉધાર થાય, પણ તરત જ કૅશ-રોકડું પ્રતિક્રમણ કરી નાખવું. આપણા થકી કોઈને અતિક્રમણ થાય તો આપણે જમે કરી લેવું અને પાછળ ઉધાર નહીં રાખવું. અને જો કોઈના થકી આપણને અતિક્રમણ થાય તો આપણે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરી લેવું.
ભૂલ ભાંગે તે પરમાત્મા !
જેણે એક વખત નક્કી કર્યું હોય કે મારામાં જે ભૂલ રહી હોય તેને ભાંગી નાંખવી છે, તે પરમાત્મા થઈ શકે છે ! આપણે આપણી ભૂલથી બંધાયા છીએ. ભૂલ ભાંગે તો તો પરમાત્મા જ છીએ ! જેની એક પણ ભૂલ નથી એ પોતે જ પરમાત્મા છે. આ ભૂલ શું કહે છે ? તું મને જાણ, મને ઓળખ. આ તો એવું છે કે ભૂલને પોતાનો સારો ગુણ માનતા હતા. તે ભૂલનો સ્વભાવ કેવો છે કે તે આપણી ઉપર અમલ કરે. પણ ભૂલને ભૂલ જાણી તો તે ભાગે. પછી ઊભી ના રહે. ચાલવા માંડે. પણ આ તો શું કરે કે એક તો ભૂલને ભૂલ જાણે નહીં ને પાછો એનું ઉપરાણું લે. તેથી ભૂલને ઘરમાં જ જમાડે.