________________
૧૨૬
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
નિજદોષ દર્શનથી.... નિર્દોષ !
સાપ, વીંછી ચ છે નિર્દોષ... આ દુનિયામાં કોઈ દોષિત છે જ નહીં. પ્રશ્નકર્તા : ઉદયકર્મથી જ છે, જે છે તે, એ કારણે ને ?
દાદાશ્રી : હા, જગત આખું નિર્દોષ છે જ. કઈ દ્રષ્ટિએ નિર્દોષ ? ત્યારે કહે, જો શુદ્ધાત્મા જોઈએ તો નિર્દોષ જ છે ને ! દોષિત કોણ છે ? બહારનું પુદ્ગલ ને ! આ જેને જગત માને છે. તે પુદ્ગલ.... આપણે શું જાણવું છે કે એ પુદ્ગલ ઉદયકર્મને આધીન છે આજે. એને પોતાને આધીન નથી, પોતાની ઇચ્છા ના હોય તો ય કરવું પડે આ. એટલે એ નિર્દોષ જ છે બિચારો. એટલે અમને આખું જગત નિર્દોષ જ.... જીવમાત્ર નિર્દોષ દેખાય. જગત નિર્દોષ સ્વભાવે છે. આખું ય જગત નિર્દોષ છે. તમને બીજાના જે દોષ દેખાય છે તે તમારામાં દોષ હોવાથી જ દોષ દેખાય છે. જગત દોષિત નથી એ તમને જો દ્રષ્ટિ આવે તો જ તમે મોક્ષે જશો. જગત દોષિત છે એવી દ્રષ્ટિ આવે તો તમારે અહીં નિરાંતે પડી રહેવાનું છે.
કોઈ જપ કરતો હોય, તપ કરતો હોય તેમાં આપણે તેનો દોષ શું જોવાનો ? એવું છે, એનાં ‘વ્યવસ્થિત’ના તાબામાં હોય એવું બિચારો કરે. એમાં આપણે શું લેવા-દેવા ? આપણે ટીકા કરવાનું કોઈ કારણ છે ? આપણે એની જોડે નવા કરાર શું કામ બાંધીએ ? એને જે અનુકૂળ આવે તે એ કરે. આપણને તો મોક્ષ સાથે જ કામ છે. આપણને બીજા સાથે કામ નથી. અને જગતમાં અમને કોઈ દોષિત દેખાય નહીં. ગજવું કાપે તે ય દોષિત ના દેખાય. એટલે જગતમાં કોઈ પણ જીવ દોષિત દેખાય નહીં. સાપ હોય કે વીંછી હોય કે ગમે તે હોય, જે તમને દોષિત દેખાય છેને, એનો ભય તમને પસી જાય. અને અમને દોષિત દેખાય જ નહીં. શા આધારે દોષિત નથી એ બધો આધાર અમે જ્ઞાનથી જાણીએ. આ દોષિત દેખાય છે એ તો ભ્રાંતદ્રષ્ટિ છે, ભ્રાંતિની દ્રષ્ટિ ! આ ચોર છે ને આ શાહુકાર છે, આ ફલાણો છે એ ભ્રાંતિની દ્રષ્ટિ. આપણું લક્ષ શું હોવું જોઈએ કે બધા જીવમાત્ર નિર્દોષ છે. આપણને દોષ દ્રષ્ટિથી દોષિત દેખાય છે. તે હજુ આપણી જોવામાં ભૂલ થાય છે એટલું સમજવું જોઈએ. ખરેખર કોઈ
દોષિત છે જ નહીં, ભ્રાંતિથી દોષિત લાગે છે.
મહાવીરે ય જોયાં સ્વદોષ ! ચોર તમારું ગજવું કાપે છતાં ય એ તમને દોષિત ના દેખાય એવા કેટલાં બધા કારણો થશે ત્યારે મોક્ષ થશે. આત્મજ્ઞાન થયા પછી એવી દ્રષ્ટિ થશેને, તો જ મોક્ષ થાય, નહીં તો મોક્ષ થાય નહીં.
જોવા જાય તો, આ તો જે દોષિત દેખાય છે, તે તમારી બુદ્ધિ તમને ફસાવે છે. બાકી દોષિત કોઈ છે જ નહીં આ જગતમાં ! આપણામાં બુદ્ધિથી એમ લાગે કે આણે તો આખી જિંદગીમાં કશું આવું પાપ કર્યું નથી ને એને આવું ? ત્યારે કહે, ના, એ કેટલાય અવતારના પાપ, હવે ચીકણા પાપ હોયને તે પાકે મોડા. તમે એક અત્યારે આવું ચીકણું કર્મ બાંધ્યું તે પાંચ હજાર વર્ષે પાપ પાકે. વિપાક થતાં તો બહુ ટાઈમ જાય છે. અને કેટલાંક કૂણાં કર્મ હોય તે સો વર્ષે પાકી જાય, તેથી આપણા લોકો કહે છેને સરળ માણસ છે, સારો માણસ છે. સરળના કર્મો બંધા ચીકણાં ના હોય.
અને કર્મ એનો વિપાક થયા વગર ફળ આપે નહીં. આંબાની કેરીઓ આવડી પણ એનો રસ ન નીકળે ? વિપાકે થવો જોઈએ. આ જ્ઞાન થયા પછી દોષિત અમને ય કોઈ માણસ, કોઈ જીવ દેખાયો નથી. જ્યારે આ દ્રષ્ટિ મળશે ત્યારે મહાવીર દ્રષ્ટિ થઈ છે એમ નક્કી થશે. જેની દ્રષ્ટિમાં કોઈ દોષિત દેખાતો નહોતો. ભગવાનને અહીં આગળ કાનમાં બહું માર્યું તો કોણ દોષિત દેખાયું હતું ?
પ્રશ્નકર્તા : સ્વકર્મ.
દાદાશ્રી : સ્વકર્મ દેખાયા. દેવોએ માકણ પાડ્યા, બીજું કર્યું, ત્રીજું કર્યું. તો ય દોષિત કોણ દેખાયું ? સ્વકર્મ.
મહાવીર ભગવાનને ય પેલા લોકોએ બરૂ માર્યું હતું તે તરત જ જ્ઞાનમાં જોયું કે શાનું પરિણામ આવ્યું ! એટલે કાનમાં બરૂ માર્યા તેને ય નિર્દોષ જોયા હતા !