________________
નિજદોષ દર્શનથી.... નિર્દોષ !
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
પ્રશ્નકર્તા: મને, શુદ્ધાત્માને ના થાય.
દાદાશ્રી : હા, પણ એ તો તમને તમારો દોષ દેખાય. તમને દેખાય ને પણ આ દોષ ?
પ્રશ્નકર્તા : હા, દેખાય.
દાદાશ્રી : એટલે તમારો દોષ દેખાય, પણ એનો (વાઇફનો) દોષ ના દેખાય ને ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : બસ, તે આપણે તો કોઈનો દોષ ના દેખાવો જોઈએ. તમારો દોષ, ચંદુભાઈનો દોષ દેખાય. પણ બીજા કોઈનો દોષ ના દેખાવો જોઈએ.
પ્રશ્નકર્તા : એ જ્યારે ગુસ્સો આવ્યો ત્યારે એનો (વાઇફનો) દોષ દેખાયો એટલે ગુસ્સો આવ્યો ને ?
દાદાશ્રી : ના. એ તો એનો દોષ દેખાયો, એટલે તમે કહો છો કે ચંદુભાઈ દોષિત છે, પણ તમને વાઇફ દોષિત ના દેખાય. તમને એનો દોષ દેખાતો નથી, ચંદુભાઈનો દેખાય છે. એટલે તમારો પોતાનો દોષ કાઢો કે, ‘ભઈ, આ તો ચંદુભાઈનો જ દોષ છે. પોતાનો જ દોષ છે આ તો !' સમજ પડીને ?
પ્રશ્નકર્તા : ગુસ્સો થઈ ગયા પછી એવું લાગે. દાદાશ્રી : એ થઈ ગયા પછી પણ ચંદુભાઈ દોષિત લાગે ને તમને ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો જ ગુનો કહેવાય ને ! એ થઈ ગયા પછી જ ગુનો ગણાય. સામાનો દોષ ના દેખાયો, પોતાનો દોષ દેખાય એટલે કે આ ચંદુભાઈનો દોષ તમને દેખાય. ચંદુભાઈ ગુનેગાર છે એવું તમને લાગે.
દાદાશ્રી : ચંદુભાઈને એ (વાઇફ) ગુનેગાર છે એવું લાગે. પણ તમને ચંદુભાઈ ગુનેગાર છે એવું લાગે. ચંદુભાઈએ આમનો દોષ જોયો અને આમની જોડે ગુસ્સો કર્યો, માટે ચંદુભાઈ ગુનેગાર છે એવું લાગે તમને.
પ્રશ્નકર્તા : મારા નોકરને બે-ત્રણ બૂમો પાડી ઊઠાડ્યો, એણે જવાબ આપ્યો નહીં. એ જાગતો હતો. એના પર ખૂબ ક્રોધ આવ્યો તો એનું શું કરવું ?
દાદાશ્રી : ક્રોધ આવ્યો પછી તમને દોષ દેખાયો ખરો ? પ્રશ્નકર્તા : દોષ તો દાદા પહેલાં દેખાયો પછી જ ક્રોધ આવે ને ?
દાદાશ્રી : હા, એટલે ક્રોધ આવ્યો, પણ પછી તો લાગ્યું કે આનો દોષ નથી. એટલે તમને તમારી ભૂલ દેખાઈ.
પ્રશ્નકર્તા : તરત ના લાગ્યું.
દાદાશ્રી : પછી ય એ પેલાએ ભૂલ નથી કરી, માટે આ ભૂલ પોતે કરી પછી લાગ્યું. પેલાએ ભૂલ કરી હોત તો પોતાનો દોષ દેખાત જ નહીં !
પ્રશ્નકર્તા : આવું અમારે રોજ બને ! ગુસ્સો આવી જ જાય.
દાદાશ્રી : તો તમારે પ્રતિક્રમણ કરવું પડે. પણ શેના આધારે પ્રતિક્રમણ ? પસ્તાવો કરવાનું કારણ ? એણે આવું કર્યું શા માટે ? ત્યારે કહે, એણે જે કર્યું તે તમારા કર્મના ઉદય છે. તે એણે આ ભૂગ્લ કરી. કોઈ પણ માણસ ભૂલ કરે છે તે તમારા નિમિત્તે જ કરે છે. માટે તમારો જ કર્મનો ઉદય છે અને એણે ભૂલ કરી. એટલે તમારે પસ્તાવો ફરી કરી લેવો જોઈએ. તમારે ગુસ્સે થવાની જરૂર ન હતી, અહીં આ જગ્યાએ. એમ ને એમ પસ્તાવો કરાય નહીં. ગુનો દેખાતો હોય અને સાબિત ના થાય ત્યાં સુધી એનો પસ્તાવો શી રીતે થાય ? એ તો સાબિત થવો જોઈએ કે ભઈ, પોતાના જ કર્મનો ઉદય છે. એવી સમજણ હોવી જોઈએ એને.
અત્યારે કોઈ મને ધોલ મારે તો તરત હું તો એને આશીર્વાદ આપું. એનું શું કારણ ? એ ધોલ મારે છે ? આ દુનિયામાં કોઈ ધોલ મારી શકે નહીં.
પ્રશ્નકર્તા : હા, દાદા. એવું જ થાય.