________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા ૮૦ એટલે કેટલાક આચાર્યોએ શ્રુતજ્ઞાનને અચક્ષુદર્શન હોય છે એમ કહ્યું છે અને આ દૃષ્ટિએ તેઓની વાત સાચી છે. જેઓ કહે છે કે શ્રુતજ્ઞાનને દર્શન નથી તેમના કહેવાનો આશય એ છે કે શ્રુતજ્ઞાનને પોતાનું સાક્ષાત્ શ્રુતદર્શન નથી અને એટલે જ શ્રુતજ્ઞાનને દર્શન નથી એવું એ અર્થમાં માનવામાં આવ્યું છે. એટલે જ ધવલામાં કહ્યું છે કે મતિજ્ઞાનપૂર્વક થનાર શ્રુતજ્ઞાનને દર્શનપૂર્વક માનવામાં વિરોધ આવે છે. દર્શનનો અર્થ બાહ્ય અર્થના આકાર રહિત આત્મચેતન્યનું ગ્રહણ અને જ્ઞાન એટલે બાહ્યાર્થગ્રહણ એ અર્થમાં પણ શ્રુતજ્ઞાનને દર્શન ઘટી શકતું નથી, કારણ કે શ્રુતજ્ઞાનપૂર્વે મતિજ્ઞાન છે જે સાકાર છે. મન:પર્યાયદર્શન વિશે મતભેદ
મન:પર્યાયજ્ઞાનને દર્શન હોય છે કે નહીં એ વિશે મતભેદ છે. કેટલાક માને છે કે મન:પર્યાયજ્ઞનને દર્શન નથી જ્યારે કેટલાક માને છે કે તેને દર્શન છે. જેઓ માને છે કે તેને દર્શન છે તેઓ પણ તે કયું દર્શન છે તે અંગે મતભેદ ધરાવે છે. કેટલાક તેને અચસુદર્શન છે એમ માને છે, કેટલાક અવધિદર્શન છે એમ માને છે, તો કેટલાક તેને મન:પર્યાયદર્શન છે એમ માને છે.
સિદ્ધસેન દિવાકર, જિનભદ્ર, અકલંક, વીરસેનાચાર્ય વગેરે મન:પર્યાયજ્ઞાનને દર્શન છે એમ માનતા નથી.95 આના કારણ તરીકે કેટલાક એવી સ્પષ્ટતા કરતા હતા કે મન:પર્યાયજ્ઞાન પ્રથમથી સ્પષ્ટ ઉત્પન્ન થાય છે એટલે ત્યાં દર્શનનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
- કેટલાક મન:પર્યાયજ્ઞાનને અચક્ષુદર્શન છે એમ કહે છે. એનો અર્થ એ થયો કે મન:પર્યાયજ્ઞાન એ મતિપૂર્વક છે. ધવલા6 અને દ્રવ્યસંગ્રહટીકામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મન:પર્યાયજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક છે. જિનભદ્ર મન:પર્યાયજ્ઞાની બાહ્ય ઘટાદિ અર્થોને માનસ અચક્ષુદર્શનથી જુએ છે એમ કહ્યું છે.98 - કેટલાક આચાર્યો એવું માનતા કે મન:પર્યાયજ્ઞાની અવધિદર્શનથી જુએ છે. પરંતુ મન:પર્યાયજ્ઞાનીને અવધિજ્ઞાન હોય જ એવું નથી, એટલે કેટલાકે એવું માન્યું કે મન:પર્યાયજ્ઞાનીને અવધિજ્ઞાન હોય તો અવધિદર્શનથી જુએ અને અવધિજ્ઞાન ન હોય તો અવધિદર્શનથી જુએ. જો મન:પર્યાયજ્ઞાની અવધિદર્શનથી જુએ છે એમ માનીએ તો મન:પર્યાયજ્ઞાન એ અવધિજ્ઞાનની પુષ્ટ અવસ્થા છે એમ ફલિત થાય. પરંતુ આ રીતની વાત કોઈ આચાર્યે કરી હોય એમ લાગતું નથી.
કેટલાક આચાર્યો મન:પર્યાયજ્ઞાનને મન:પર્યાયદર્શન છે એમ માને છે. પરંતુ મોટાભાગના જૈનાચાર્યો આ માન્યતાનો પ્રતિષેધ કરે છે. (૧) જિનભદ્ર