________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા – ૧૦ વિષય વિના દર્શન સંભવતું ન હોઈ, એ અર્થમાં તેમનો ક્રમ (જે કાલિક નથી) માનવો હોય તો માનો, પરંતુ કાલિક ક્રમ તો તેમનામાં છે જ નહીં.
જૈનો પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનને માને છે. પાંચ જ્ઞાનો પ્રમાણરૂપ છે અને ત્રણ અજ્ઞાનો વિપર્યયરૂપ છે. સાંખ્ય-યોગમાં સ્વીકારવામાં આવેલી પાંચ ચિત્તવૃત્તિઓમાંથી પ્રથમ બે ચિત્તવૃત્તિઓ પ્રમાણ અને વિપર્યયરૂપ છે. સાંખ્યયોગમાં નિદ્રાને ચિત્તવૃત્તિરૂપ અર્થાત્ જ્ઞાનરૂપ માની છે. પરંતુ જૈનો નિદ્રાને જ્ઞાનરૂપ માનતા નથી. સાંખ્ય-યોગે વિકલ્પરૂપ જે ચિત્તવૃત્તિ માની છે તેનો સમાવેશ જૈનોએ માનેલા આઠ જ્ઞાનોમાં થતો નથી. પરંતુ તેનો સમાવેશ શબ્દનયમાં થઈ શકે. સાંખ્યયોગે માનેલી સ્મૃતિરૂપ ચિત્તવૃત્તિનો સમાવેશ જૈનો મતિજ્ઞાનમાં કરે છે. જૈનોને મતે મતિજ્ઞાન પ્રમાણ હોઈ સ્મૃતિ પણ પ્રમાણ જ છે. એથી ઊલટું સાંખ્ય-યોગ સ્મૃતિને પ્રમાણરૂપ ચિત્તવૃત્તિ માનતા નથી. અર્થાત્ સ્મૃતિ તેમના મતે પ્રમાણ નથી. જૈનોનું શ્રુતજ્ઞાન અને સાંખ્યયોગનું શબ્દપ્રમાણ બન્ને અત્યંત સમાન છે. સાંખ્યયોગના પ્રત્યક્ષ પ્રમાણનો સમાવેશ જૈનોના મતિજ્ઞાનમાં થઈ જાય છે.
જૈનોએ ઈન્દ્રિયપ્રત્યક્ષરૂપ જ્ઞાનની કુલ ચાર ભૂમિકાઓ સ્વીકારી છે, તેમાંની પ્રથમ ત્રણ ભૂમિકાઓ છે અવગ્રહ, ઇહા અને અવાય. સાંખ્યયોગદર્શનમાં પણ ઈન્દ્રિયપ્રત્યક્ષની ત્રણ ભૂમિકાઓ છે – ઈન્દ્રિયની આલોચનવૃત્તિ, મનની સંકલ્પવૃત્તિ અને બુદ્ધિની અધ્યવસાયવૃત્તિ. અવગ્રહનું આલોચનવૃત્તિ સાથે, ઇહાનું સંકલ્પવૃત્તિ સાથે અને અવાયનું અધ્યવસાયવૃત્તિ સાથે ઘણું જ સામ્ય છે. જૈનોએ અવગ્રહ, ઇંહા અને અવાયને ક્રમોત્પન્ન જ માન્યા છે, જ્યારે સાંખ્ય-યોગદર્શનમાં આલોચનવૃત્તિ, સંકલ્પવૃત્તિ અને અધ્યવસાયવૃત્તિ એ ત્રણેયની કેટલાકે ક્રમોત્પત્તિ જ માની છે, જ્યારે કેટલાકે તેમની યુગપદ્ ઉત્પત્તિ પણ માની છે. જૈનોએ એન્દ્રિયક દર્શનોને (ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનોને) કે પાંચ ઈન્દ્રિયના પાંચ અવગ્રહને ક્રમોત્પન્ન જ માન્યા છે, તેમની યુગપદ્ ઉત્પત્તિ માની નથી, જ્યારે સાંખ્યયોગદર્શનમાં . પાંચ ઈન્દ્રિયોની પાંચ આલોચનવૃત્તિઓને ક્રમથી ઉત્પન્ન થતી અને યુગપ ્ ઉત્પન્ન થતી પણ માની છે.
સાંખ્યયોગદર્શને અતીત-અનાગતજ્ઞાનરૂપ અને સૂક્ષમ-વ્યવહિતવિપ્રકૃષ્ટજ્ઞાનરૂપ બે સિદ્ધિઓ માની છે. જૈનોએ માનેલા અવધિજ્ઞાનમાં આ બન્નેનો સંગ્રહ થઈ જાય છે. જેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું હોય તે વ્યક્તિ અવધિજ્ઞાન દ્વારા અવધિજ્ઞાનના વિષયને ક્યારે જાણે એની વાત જૈનોએ કરી નથી. અમુક આંતરિક ગુણો કેળવવાથી અવધિજ્ઞાનની શક્તિ મનુષ્યને પ્રાપ્ત થાય છે, પરંતુ તે શક્તિ સતત કામ કરતી નથી. તે શક્તિનો તે મનુષ્યને જ્યારે ઉપયોગ કરવો