________________
૧૩૭ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા
તેમની પ્રશંસા કરવી તે અન્યદૃષ્ટિપ્રશંસા.
(૫) અન્યદૃષ્ટિસંસ્તવ – જેઓ પોતાનાથી જુદો મત કે સિદ્ધાંત ધરાવતા હોય તેમનો પરિચય કરવો તે અન્યદૃષ્ટિસંસ્તવ.
મનનપૂર્વેની શ્રદ્ધા અર્થાત્ અધિગમજ શ્રદ્ધાને અનુલક્ષીને જ આ અતિચારો સંભવે. શ્રવણપૂર્વેની શ્રદ્ધામાં આ અતિચારોનો સંભવ નથી, કારણ કે તે કેવળ માનસિક વલણરૂપ છે, તે શ્રદ્ધા નિર્વિષયા છે. તત્ત્વાર્થોનું શ્રવણ કરી ‘‘આ જ તત્ત્વો છે” એવો જે વિશ્વાસ ઉદ્ભવે છે, તેની બાબતમાં આ અતિચારો સંભવે છે. એ તો સાદી વાત છે કે વિશ્વાસ અનુકૂળ તર્કોથી દૃઢ, પુષ્ટ થાય છે અને પ્રતિકૂળ તર્કોથી શિથિલ થાય છે, ડગે છે. જ્યાં સુધી શ્રદ્ધા મીમાંસા મનનની ભૂમિકા પાર ન કરે ત્યાં સુધી તે શ્રદ્ધામાં શંકા આદિ સંભવે છે. પરંતુ તે શંકા આદિને શ્રદ્ધાનાં સ્ખલનો ગણવાં કેટલે દરજ્જે યોગ્ય છે તે વિચારવું જોઈએ. ખરેખર તો શ્રદ્ધાનાં પરિપાકની જ આ શંકા આદિ પ્રક્રિયા છે. શ્રદ્ધા આ પ્રક્રિયામાંથી પસાર થયા વિના પૂર્ણ બનતી નથી. જે સત્યશોધક છે, સત્યાભિગામી છે, સત્યપક્ષપાતી છે તે પોતાના માર્ગમાં આવતા મતોને સાધ્ય તરીકે સ્વીકારે છે, તેને તે મતો સત્ય લાગે તો તેનો સ્વીકાર કરે છે અને જ્યારે તેને તે સત્ય અસત્ય કે મિથ્યા જણાય ત્યારે તેને ફગાવી દેવાને પણ તત્પર હોય છે. જન્મથી, પરંપરાથી પ્રાપ્ત સત્યો - તત્ત્વાર્થોને તેણે સ્વીકાર્યા હોય તો તે સ્વીકાર ખરેખર સમ્યગ્દર્શન નથી. વળી, એ રીતે સ્વીકારેલ તત્ત્વોને જ તે વળગી રહે માટે તેમાં શંકા ન કરે, બીજાનાં સત્યોને જાણવાની કાંક્ષા ન કરે, પોતે જન્મથી કે પરંપરાથી સ્વીકૃત તત્ત્વાર્થની પરીક્ષા ન કરે, બીજા મતવાદીઓનો સંસર્ગ ન રાખે, તેમની પ્રશંસા પણ ન કરે, એવો આગ્રહ રાખવો તે યોગ્ય નથી. પંથ અને સંપ્રદાયને ટકવા એ જરૂરી હશે, પરંતુ તે સમ્યગ્દર્શનનાં સ્ખલનો છે એમ માનવું યોગ્ય લાગતું નથી. ખરેખર તો મીમાંસા-મનન પૂર્વેની ભૂમિકાએ જે સમ્યગ્દર્શન હોય તેમાં તો તે બધાંનો સંભવ અવશ્ય હોય - ખાસ તો શંકાકાંક્ષા-વિચિકિત્સાનો અને તેમાં કોઈ દોષ નથી. મીમાંસા પછી દૃઢ થયેલી શ્રદ્ધામાં શંકા, કાંક્ષા, વિચિકિત્સાનો સંભવ નહિવત્ છે. અને નિદિધ્યાસન-ધ્યાન પછી સાક્ષાત્કારમાં પરિણત થયેલ શ્રદ્ધામાં તો તે શંકા આદિનો સંભવ નથી. જયાં સ્ખલનોનો સંભવ જ ન હોય ત્યાં સ્ખલનોની વાત કરવી વ્યર્થ છે. અન્યદૃષ્ટિપ્રશંસા અને અન્યદૃષ્ટિસંસ્તવનો બધી ભૂમિકાએ સંભવ છે. સમ્યગ્દર્શને ભય ન હોય કે બીજાના સંસર્ગથી કે બીજાના મતને જાણવાથી પોતાના સત્યને આંચ આવશે.
શંકા, કાંક્ષાને અતિચાર ગણવાવાળા સ્વાભાવિકપણે એમ જ કહે કે જૈનશાસ્ત્રો