________________
૧૪૩ 1 જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા
અજ્ઞાનનું સમાનાર્થક ગણી લેવામાં આવ્યું છે.' પરંતુ મિથ્યાત્વ કે મિથ્યાદર્શનને અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન કે વિપરીતજ્ઞાન ગણવું એ યોગ્ય નથી. અધર્મમાં ધર્મબુદ્ધિ, ધર્મમાં અધર્મબુદ્ધિ ઇત્યાદિ દસ પ્રકારના મિથ્યાત્વ સ્થાનાંગસૂત્રમાં ગણાવ્યાં છે. ત્યાં મિથ્યાત્વનો અર્થ વિપરીત જ્ઞાન થશે, પરંતુ અહીં શિથિલપણે “મિથ્યાત્વ” શબ્દને વિપરીતજ્ઞાનના અર્થમાં લીધો છે. ખરેખર તો આ વિપરીતજ્ઞાન મિથ્યાત્વનું, અર્થાત્ મિથ્યાદર્શનનું કાર્ય છે. આ કારણે જ્યારે ડૉ. ટાટિયા સ્થાનાંગસૂત્રના આ સૂત્રનો અંગ્રેજીમાં અનુવાદ કરે છે ત્યારે આ પ્રમાણે લખે છે :
"Under its (mithyatva) influence, one accepts the adharma (wrong religion) as the dharma (right religion), the amagga (wrong path) as the magga (right path), the ajiva (non-soul) as the jiva. (soul), the asahu (a sinner) as the sahu (saint), the amutta (unemancipated) as the mutta (emancipated) and vice-versa."92 ઘણે સ્થાને “મિથ્યાત્વ” શબ્દને અજ્ઞાન યા વિપરીતજ્ઞાનના અર્થમાં શિથિલપણે વાપરવામાં આવેલ છે, એટલે મિથ્યાત્વ અને અજ્ઞાન કે વિપરીતજ્ઞાન એ બે જુદી વસ્તુ છે એ આપણા ધ્યાન બહાર રહેવું જોઈએ નહીં. મિથ્યાદર્શનના ભેદો નૈસર્ગિક અને પરોપદેશપૂર્વક
સર્વાર્થસિદ્ધિકાર મિથ્યાદર્શનના આ બે ભેદો આપે છે. પરોપદેશ વિના મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી જીવાદિ પદાર્થો પ્રત્યે અશ્રદ્ધાન ભાવ થાય તે નૈસર્ગિક મિથ્યાત્વ છે. એથી ઊલટું પરોપદેશના નિમિત્તથી થનારું મિથ્યાદર્શન તે પરોપદેશપૂર્વક મિાદર્શન છે.53
જેમ સમ્યગ્દર્શનના બે ભેદ નૈસર્ગિક અને અધિગમ છે તેમ મિથ્યાદર્શનના પણ તેવા જ બે ભેદ છે. સમ્યગ્દર્શનના આ બે ભેદોની પરંપરાગત સમજૂતી એ છે કે કેટલાકને તત્વાર્થશ્રદ્ધાન નૈસર્ગિકપણે થાય છે જ્યારે કેટલાકને તત્ત્વાર્થશ્રદ્ધાન પરોપદેશના નિમિત્તથી થાય છે. જો મિથ્યાદર્શનના આ બે પ્રકારોને પણ તેવી જ રીતે સમજાવવામાં આવે તો એમ કહેવું પડે કે કેટલાકને મિથ્યાદર્શન નૈસર્ગિકપણે થાય છે અને કેટલાકને મિથ્યાદર્શન પરોપદેશના નિમિત્તથી થાય છે. પરંતુ મિથ્યદર્શનની બાબતમાં આ રીતે કહેવું એ યોગ્ય નથી. જેમની બાબતમાં આપણે કહીએ કે તેમને મિથ્યાદર્શન પરોપદેશથી થાય છે તેમની બાબતમાં અર્થાત્ જ ફલિત થાય કે તેમને પરોપદેશ પહેલાં મિથ્યાદર્શન હતું નહીં. સમ્યગ્દર્શનની બાબતમાં તો કહી શકાય કે કેટલાકને સમ્યગ્દર્શન પરોપદેશથી થાય છે, કારણ