________________
૧૫૩ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા હોય. આ વસ્તુ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો ભેદ સૂચવે છે. વળી, “શ્રદ્ધા કરતા પુરુષનું જે અભિનિબોધરૂપ જ્ઞાન” – આ વાક્યખંડ દર્શાવે છે કે શ્રદ્ધાને અભિનિબોધરૂપ જ્ઞાનથી ભિન્ન ગણી છે. અભિનિબોધરૂપ જ્ઞાનથી સમ્યગ્દર્શન અભિન્ન હોય અને શ્રદ્ધા ભિન્ન હોય તો સ્પષ્ટપણે એ ફલિત થાય કે સમ્યગ્દર્શન એ શ્રદ્ધાનરૂપ નથી. આ ફલિતાર્થ સ્વીકાર્ય થાય એવો નથી. સિદ્ધસેન દિવાકરે પોતાનો મત સ્પષ્ટપણે સમજાવ્યો નથી, તેઓ શું કહેવા માંગે છે તે તેમની કારિકામાંથી બરાબર સમજાતું નથી. અલબત્ત, તેઓ અભેદવાદના સમર્થક છે એવી તેમની પ્રસિદ્ધિ છે.
જિનભદ્ર - જિનભદ્ર ભેદવાદી છે. તે કહે છે કે જેમ બોધરૂપ દર્શનને જ્ઞાનથી જુદું ગણવામાં આવે છે તેમ સમ્યગ્દર્શન(શ્રદ્ધાન)ને શ્રુતજ્ઞાનથી ભિન્ન ગણવું જોઈએ. જેમ અવાય અને ધારણાને જ્ઞાન ગણવામાં આવે છે જયારે અવગ્રહ અને ઇહાને અપેક્ષાએ (બોધરૂપ)દર્શન ગણવામાં આવે છે, તેમ સમ્યગ્દર્શનને તત્ત્વરુચિ ગણવી જ્યારે જે તે તત્ત્વને ગ્રહણ કરે તેને જ્ઞાન ગણવું. સમ્યગ્દર્શન : અને સમ્યજ્ઞાન યુગપદ્ ઉત્પન્ન થાય છે, તેમ છતાં તે બન્ને એક નથી પણ જુદાં છે અને તેમની વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. દીપ અને પ્રકાશ યુગપદ્ ઉત્પન્ન થાય છે છતાં કારણ અને કાર્ય તરીકે તે બે જુદાં છે, તેવી જ રીતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન યુગપદ્ ઉત્પન્ન થાય છે છતાં કારણ અને કાર્ય તરીકે તે બે જુદાં છે. ભલે સમ્યગ્દર્શનમાં કાલિક પૂર્વવર્તિત્વ ન હોય પરંતુ તાર્કિક પૂર્વવર્તિત્વ છે. સમ્યગ્દર્શન જ્ઞાનની સાથે જ યુગપ ઉત્પન્ન થતું હોવા છતાં જ્ઞાનને શુદ્ધ કરે છે - જેમ કતકચૂર્ણ પાણીને શુદ્ધ કરે છે તેમ.?
પૂજ્યપાદ દેવનંદિ : પૂજ્યપાદ તત્ત્વાર્થસૂત્ર પરની તેમની સર્વાર્થસિદ્ધિ નામની ટીકામાં નીચે પ્રમાણે જણાવે છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન યુગપદ્ ઉત્પન્ન થાય છે. જેમ સૂર્ય આડેનાં વાદળાં દૂર થઈ જતાં સૂર્યનો તાપ અને પ્રકાશ બન્ને એકસાથે પ્રગટ થાય છે તેમ દર્શનમોહનીયનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થતાં જ્યારે આત્માનો સમ્યગ્દર્શન પર્યાય વ્યક્ત થાય છે ત્યારે જ આત્માના મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાન દૂર થઈ તેમના સ્થાને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રગટ થાય છે.28 વળી, સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન કરતાં ચડિયાતું છે, કારણ કે સમ્યજ્ઞાનનું સમ્યકપણું સમ્યગ્દર્શનમાંથી આવેલું છે. જીવને જ્ઞાન તો હોય છે જ. પરંતુ જ્યારે જીવ સમ્યગ્દર્શન પામે છે ત્યારે જ તે જ્ઞાન સમ્યજ્ઞાન બને છે. આ અર્થમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની યુગ૫દ્ ઉત્પત્તિ છે, અને સમ્યગ્દર્શન જ્ઞાનનું શુદ્ધિકર છે.