Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
સંઘમાં તેઓશ્રીનું સન્માનનીય સ્થાન હતું. વિદ્વાનોની પર્ષદામાં તેઓશ્રી આદરણીય હતા. તેમની ચિરવિદાયથી શ્રીસંઘ અને શાસનને એક વિદ્વાન્ પંડિત અને પરમ સુશ્રાવકની ન પુરાય એવી ખોટ પડી છે. તેઓના ગુણિયલ વ્યક્તિત્વ દ્વારા તેઓએ વરસાવેલી ઉપકારની હેલીઓ દ્વારા, તેઓની આચારસંપન્ન ઉચ્ચ જીવનશૈલીની સુવાસ દ્વારા પંડિતવર્યશ્રી છબીલભાઈ સદા સંઘમાનસમાં જીવતા રહેશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. ૨૪ વર્ષ પૂર્વે તેમણે જણાવેલા વ્યાકરણના ચાર અધ્યાયની ઉપકાર સ્મૃતિને ફરી ફરી યાદ કરવા દ્વારા તેમને અંજલી અર્પી .
આજે દુઃખદ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મહેસાણા જેવી પાઠશાળાઓમાં ૪/૫ વર્ષનો ઠોસ અભ્યાસ કરીને તૈયાર થયેલા પંડિતો આર્થિક પરિબળોને પહોંચી વળવા અધ્યાપનક્ષેત્ર છોડીને અન્ય ધંધામાં જાય છે કે વિધિકાર બને છે. ભૂમિકાની દષ્ટિએ ‘વિધિકાર'ની પદવી કરતાં “પંડિતની પદવી ઘણી ઊંચી છે. એક વિધિકાર પંડિત બને તે ગૌરવનો વિષય છે, જ્યારે એક પંડિત વિધિકાર બને તેમાં ગૌરવહાનિ છે. છતાં ગમે તે કારણસર આ બનવા પામ્યું છે.
આ બાબત.. સંઘ-સમાજ પંડિતોનું ઉચિત ગૌરવ કરે. જે રીતે થાય તે રીતે તેમને પંડિતરૂપે ટકાવી રાખવાનો પ્રયત્ન કરે, તેમને અન્યત્ર જવાનો વિચાર જ ના આવે, તેમ જ સંતોષ થાય એવું વ્યવસ્થાતંત્ર ગોઠવાય તો જ પંડિતો પાછળના ભવિષ્યની ચિંતા કર્યા વગર મન મૂકીને જ્ઞાનદાન કરી શકશે. જ્ઞાનવૃદ્ધિથી જ સંઘનું સ્તર ઊંચું આવવાનું છે.
આજે વાસ્તવિકતા એવી છે કે દીક્ષા વધતાં સાધુ-સાધ્વીજીઓની સંખ્યા વધતી જ જાય છે એની સામે પંડિતોની સંખ્યા ઘટતી જાય છે. કેટલાક બીજા ધંધામાં જતા રહે છે. નવા તૈયાર થવા ઘણા મુશ્કેલ છે.
ભણનાર ઘણા અને ભણાવનાર જૂજ, આ ખાઈ અત્યારે ઘણી મોટી છે. કાલે હજી મોટી થશે. જો આમ જ ચાલશે તો જ્ઞાનના ક્ષેત્રે સંઘનું સ્તર ઘણું નીચે જતું રહેશે. ચતુર્વિધ સંઘમાં જ્ઞાનનું સ્તર ઊંચું લાવવા પંડિતોની કિંમત સમજવી પડશે. તેમને કોઈ પણ ભોગે ટકાવવા પડશે. નવા પંડિતો તૈયાર કરવા તનતોડ પ્રયત્નો પણ કરવા પડશે. પંડિતોમાં પણ સવિશેષ જ્ઞાનવૃદ્ધિ થતી રહે તેવા પ્રયત્નો પણ કરવા પડશે. આવું જો કાંઈ સક્રિય થાય તો જ પંડિતવર્યશ્રી છબીલદાસભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પી ગણાશે.
માતા સરસ્વતીની કૃપા પામવાનો અમોઘ ઉપાય શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનના આરાધકને માતા શારદાની કૃપા અવશ્ય મળે છે
અને ફળે પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org