________________
૧૧૧
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ શ્રાદ્ધધર્મનો અને સાધુધર્મનો સ્વીકાર, સર્વાગી તેનું એકાગ્રતાથી આરાધન વગેરે=જે શ્રાવકધર્મનો કે સાધુધર્મનો સ્વીકાર કર્યો છે તેનું સંપૂર્ણ એકાગ્રતાપૂર્વક આરાધન વગેરે અનેક ગુણો પ્રગટ જ છે. ભાવાર્થ :
શ્રાવકે પચ્ચખ્ખાણ કર્યા પછી ગુણસંપન્ન ગુરુ પાસે સ્વભૂમિકાનુસાર દેશવિરતિ કે સર્વવિરતિના ધર્મનું વિશેષથી શ્રવણ કરવું જોઈએ. અને તે શ્રવણ વિષયક જે ઉચિત બેસવા વગેરેની વિધિ છે તે મર્યાદા અનુસાર ઉચિત આસનમાં બેસીને શ્રવણકાલમાં નિદ્રા, વિકથાનો પરિહાર કરવો જોઈએ. ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈ બેસવું જોઈએ. બે હાથ જોડી સાધુ સામાચારી કે શ્રાવક સામાચારી જે ગુરુ પાસે સાંભળે છે તે અત્યંત બહુમાનપૂર્વક સાંભળવી જોઈએ. તે ધર્મના શ્રવણથી ક્યા ગુણો પ્રાપ્ત થાય છે તે ગ્રંથકારશ્રી બતાવે છે. જે સાધુ સામાચારી કે શ્રાવક સામાચારી વિષયક સૂક્ષ્મબોધ પોતાને ન હતો, જે અજ્ઞાન હતું તે દૂર થાય છે. જેનાથી કઈ રીતે આ સાધુ સામાચારી કે શ્રાવક સામાચારી અસંગભાવની વૃદ્ધિ દ્વારા વીતરાગતાનું કારણ છે તેનો પારમાર્થિક બોધ થાય છે અને તે બોધ થવાથી તેને સંશય રહિત સ્થિર નિર્ણય થાય છે કે આ રીતે હું સાધુ સામાચારીમાં કે દેશવિરતિમાં ઉચિત યત્ન કરીશ તો ઉત્તરોત્તર ગુણવૃદ્ધિને અવશ્ય પ્રાપ્ત કરીશ અને તે પ્રકારનો સ્પષ્ટ-સ્પષ્ટતર નિર્ણય થવાથી પૂર્વમાં જે ધર્મમાં દૃઢતા હતી તે અતિશયિત થાય છે; કેમ કે સમ્યક રીતે સેવાયેલો ધર્મ વર્તમાનમાં જ કષાયના ક્લેશનું નિવર્તન કરાવે છે. આગામી સુખની પરંપરાને પ્રાપ્ત કરાવે છે. અને અંતે મોક્ષસુખમાં વિશ્રાંત થાય છે. તેવો નિર્ણય નિપુણતાપૂર્વક ધર્મ સાંભળવાથી થાય છે. તેથી ધર્મના સેવનમાં દઢતા આવે છે. જેના કારણે પ્રમાદ આદિ જે વ્યસનો છે તેની નિવૃત્તિ થાય છે અને દઢ પ્રણિધાનપૂર્વક ઉચિત આચારમાં યત્ન કરવા સ્વરૂપ સન્માર્ગની પ્રવૃત્તિ થાય છે, જે ધર્મના શ્રવણનું ફલ છે.
વળી, સન્માર્ગમાં દૃઢ પ્રણિધાનપૂર્વક કરાયેલ પ્રવૃત્તિથી કષાયના દોષો અને ઇન્દ્રિયોના વિકારથી ઉત્પન્ન થયેલા દોષોનો ઉપશમ થાય છે. જેથી ચિત્તની સ્વસ્થતારૂપ સુખવિશેષનો અનુભવ થાય છે અને ગુણવાન પુરુષોના ગુણોને જોઈને તેઓના વિનયાદિ કરવા રૂપ ગુણોના અર્જનનો પ્રારંભ થાય છે અર્થાત્ ધર્મશ્રવણથી આ ધર્મને આપનારા તીર્થંકર પ્રત્યે બહુમાન થાય છે. તીર્થંકરના શિષ્ય ગણધરોની પાટપરંપરા દ્વારા જે અત્યાર સુધી ભગવાને કહેલો ધર્મ પોતાને વર્તમાનમાં પ્રાપ્ત થયો તેમાં જે જે મહાત્માઓનો તેને અનુકૂળ પ્રયત્ન છે તે સર્વ પ્રત્યે ભક્તિનો પરિણામ થાય છે; કેમ કે તેઓના પ્રયત્નથી ભગવાને કહેલો ધર્મ પોતાને પ્રાપ્ત થયો છે. આ રીતે વારંવાર ભાવન કરવાથી વિનયનો પરિણામ વૃદ્ધિ પામે છે. અને ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકની વૃદ્ધિને અનુકૂળ યત્ન થાય છે. તેથી વિનયાદિ ગુણના અર્જનનો પ્રારંભ ધર્મના શ્રવણથી થાય છે.
વળી, ધર્મના શ્રવણથી સૂક્ષ્મબોધ થવાથી કુસંસર્ગનો પરિવાર અને સુસંસર્ગનો સ્વીકાર થાય છે; કેમ કે ધર્મના શ્રવણથી સૂક્ષ્મબોધ થયા પછી તેને પરિણમન પમાડવાની ઉત્કટ ઇચ્છા થાય છે અને તેમાં કુસંસર્ગ બાધક છે અને સુસંસર્ગ સહાયક છે. તેથી પ્રાપ્ત થયેલા સૂક્ષ્મબોધને ઉત્તમ પુરુષના સંગથી સ્થિર કરવા