________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર / શ્લોક-૧૪
૧૬૧ અભાવિત છે. તુ' શબ્દથી આ દ્રવ્ય સુલભ છે અથવા દુર્લભ છે. અવસ્થા સુભિક્ષ-દુભિક્ષ આદિ છે. પુરુષ આચાર્ય-ઉપાધ્યાય-બાલ-વૃદ્ધ-ગ્લાન-સહ=સમર્થ, અસહ=અસમર્થ, છે. તે સર્વને જાણીને ખરેખર જે પ્રમાણે દેશકાળાદિનો વિચાર કરીને વેદ વ્યાધિવાળાની ચિકિત્સાને કરે છે એ પ્રમાણે શ્રાવક પણ ત્યાર પછી=દેશ-કાલાદિને જાણ્યા પછી, આહારાદિ દાનરૂપ ક્રિયાનો પ્રયોગ કરે છે=આહારાદિનું દાન આપે છે. એ પ્રમાણે તેની વૃત્તિ છે. (શ્રાદ્ધદિનકૃત્ય વૃત્તિ ૫. ૨૯૩)
વિવેકસંપન્ન શ્રાવક શાસ્ત્રથી પરિષ્કૃત મતિવાળા હોય છે. તેથી જેમ વિવેકસંપન્ન વૈદ્ય રોગીની ચિકિત્સા અત્યંત વિવેકપૂર્વક કરે છે, જેથી રોગીને આરોગ્યની પ્રાપ્તિ થાય તેમ વિવેકસંપન્ન શ્રાવક સુસાધુને ભાવઆરોગ્યની પ્રાપ્તિ કેમ થાય તેના માટે સંયમના અંગભૂત ઉચિત આહાર વસ્ત્રાદિનું દાન પણ નિપુણતાપૂર્વક હિતાહિતનો વિચાર કરીને આપે છે. તેથી દેશ-ક્ષેત્ર-પુરુષની અવસ્થા, પુરુષનું બળ વિચારીને વિવેકી વૈદ્ય તેના રોગનું ઔષધ આપે છે, જેથી રોગીનું કોઈ પ્રકારનું અહિત થાય નહિ તેમ વિવેકસંપન્ન શ્રાવક સાધુને કઈ રીતે આહારાદિનું દાન કરે છે તેનું વર્ણન પ્રસ્તુતમાં કરેલ છે. વળી કઈ રીતે પોતાના અધ્યવસાયની શુદ્ધિપૂર્વક દાન કરે છે તે બતાવવા માટે શ્રાદ્ધદિનકૃત્યની ગાથા-૧૭૩ની ટીકામાં કહ્યું કે સ્પર્ધા-મત્સર આદિ ભાવોના વર્જનપૂર્વક એકાંતે આત્માનુગ્રહની બુદ્ધિથી આપે છે. તેથી એ પ્રાપ્ત થાય કે દાનકાળમાં અન્ય કોઈની સાથે સ્પર્ધાથી દાન આપતો નથી. પોતાનું દાનવીર તરીકે મહત્ત્વ બતાવવા દાન આપતો નથી. કોઈકના પ્રત્યે મત્સરભાવથી હું તેનાથી અધિક છું તે બતાવવા માટે દાન આપતો નથી. સાધુના પ્રત્યે કૌટુંબિક સંબંધના સ્નેહભાવથી દાન આપતો નથી. હું દાન નહિ આપે તો ખરાબ દેખાશે એ પ્રકારની લજ્જાથી દાન આપતો નથી. ભયથી દાન આપતો નથી. અર્થાત્ દાન નહિ આપું તો મારી લોકો નિંદા કરશે એ પ્રકારની દાક્ષિણ્ય બુદ્ધિથી દાન આપતો નથી. અન્ય કોઈ દાન આપતું હોય તેના અનુસરણથી દાન આપતો નથી. હું દાન આપીશ તો મહાત્મા મને સારી રીતે બોલાવશે એ પ્રકારના પ્રત્યુપકારની ઈચ્છાથી દાન આપતો નથી. હું દાનવીર છું એ પ્રકારની માયાથી દાન આપતો નથી. વળી સારી વસ્તુ આપું કે નહિ એ પ્રકારના વિલંબનથી, અનાદરથી કે વિપ્રિય કથનથી દાન આપતો નથી. દાન આપ્યા પછી પશ્ચાતાપદીનતાદિ કરતો નથી. પરંતુ ગુણવાનના ગુણની ભક્તિથી મારા આત્માનો વિસ્તાર થશે એ પ્રકારની અનુગ્રહબુદ્ધિથી દાન આપે છે. તેથી અતિ વિવેકી શ્રાવક કેવા અધ્યવસાયથી દાન આપે તેનો બોધ પ્રસ્તુત કથનથી ગ્રંથકારશ્રીએ કરાવેલ છે.
અને ત્યાં=સાધુને દાન આપે છે ત્યાં, સાધુને જે યોગ્ય છે તે તે સર્વ વહોરાવવા માટે દરેકના સામગ્રહણપૂર્વક કહે છે. અન્યથા=જો સામગ્રહણપૂર્વક દરેક વસ્તુ કહે નહિ તો, પૂર્વમાં કરાયેલા નિમંત્રણના વૈફલ્યની આપત્તિ છે. વળી, સામગ્રહણપૂર્વક કથનમાં જો સાધુઓ વહોરે નહિ તોપણ કહેનારા શ્રાવકને પુણ્ય થાય જ. અર્થાત્ વહોરાવવાનો અધ્યવસાય હોવાથી તત્કૃત લાભ થાય જ. વળી અકથનમાં=નામપૂર્વક કથન ન કરે તો તે તે વસ્તુને જોતાં પણ સાધુઓ ગ્રહણ ન કરે એ હાનિ થાય. આ રીતે ગુરુને વહોરાવીને અને વંદન કરીને ઘરના દ્વારાદિ સુધી પાછળ જઈને વિવર્તન પામે