________________
દાદા સદ્ગુરવે નમોતમ
આપ્તવાણી
શ્રેણી - ૮
ખંડ : ૧ આત્મા શું હશે ? કેવો હશે ?
આત્મા એટલે શું ?!
પ્રશ્નકર્તા : આત્મા એટલે શું ?
દાદાશ્રી : આત્મા એટલે ચેતન.
પ્રશ્નકર્તા : તો ચેતન એટલે આત્મા અને આત્મા એટલે ચેતન ?
દાદાશ્રી : ના. આત્મા તો ખાલી શબ્દ જ છે અને ચેતને ય ખાલી
શબ્દ છે, પણ આ લોકોને ઓળખવા માટે કહેવું પડે. બાકી, એ શબ્દથી પર છે. પણ અંગુલિનિર્દેશ તો કરવો પડેને ! નહિ તો ઓળખો ય નહીં. શી રીતે ઓળખો ? એટલે આપણાં લોકો કહે છે ને કે, તારા આત્માની તપાસ કર ?! આત્મા એટલે ‘સેલ્ફ’ ! ‘પોતે કોણ છે’ એ જાણવું, એનું નામ આત્મા !! અને એ આત્મા ઓળખવાનો છે. ‘રોંગ બીલિફ' ઊડી જાય અને ‘રાઈટ બીલિફ’ બેસે ત્યારે રાગે પડે, નહિ તો શી રીતે રાગે પડે ?
આત્મા શું હશે ?
દાદાશ્રી : આત્મા વસ્તુ હશે કે અવસ્તુ ?
આપ્તવાણી ૮
પ્રશ્નકર્તા ઃ અવસ્તુ.
દાદાશ્રી : આ દેખાય છે એ વસ્તુ છે કે અવસ્તુ ?
પ્રશ્નકર્તા : આત્માને તો જોઈ ન શકાય ને માટે અવસ્તુ, વસ્તુઓ તો જોઈ શકાય છે ને ?
દાદાશ્રી : ના. એટલે વસ્તુ અને અવસ્તુ એ તમને સમજાવું. દરેક વસ્તુ, જે અવિનાશી હોય તેને વસ્તુ કહેવાય અને વિનાશી હોય તેને અવસ્તુ કહેવાય. આત્મા આત્મારૂપ જ છે. આત્મા વસ્તુરૂપે અનંત ગુણનું ધામ છે ! અને દરેક વસ્તુ પોતે દ્રવ્યરૂપે ગુણવાન સહિત અને અવસ્થા સહિત હોય. દ્રવ્ય-ગુણ-પર્યાય જેનામાં હોય એ ‘વસ્તુ’ કહેવાય. વસ્તુ એ અવિનાશી કહેવાય. આત્મા પણ પોતે વસ્તુ છે, એનું પોતાનું દ્રવ્ય છે, પોતાનાં ગુણ છે અને પોતાંના પર્યાય છે. અને તે પર્યાય ઉત્પાત, વ્યય અને ધ્રુવ સાથે છે. અને આ આંખે જે દેખાય છે એ બધું અવસ્તુ છે, વિનાશી છે અને આત્મા અવિનાશી છે, વસ્તુ છે. એવી છ અવિનાશી વસ્તુઓ છે, એ છ તત્ત્વોનું જગત બનેલું છે. એ છ તત્ત્વો એકમેકને આમ પરિવર્તનશીલ થયા કરે છે અને તેને લઈને અવસ્થાઓ ઊભી થાય છે. તે અવસ્થાઓથી આ જગત દેખાય છે. જગતમાં ખાલી અવસ્થાઓ જ દેખાય છે.
આત્મા જાણવો, ‘જ્ઞાતી' તેથી !
એટલે જાણવા જેવી ચીજ આ જગતમાં કોઈ પણ હોય તો તે આત્મા છે. અને આત્મા જાણનારા માણસો આ દુનિયામાં ભાગ્યે જ એક કે બે હોય ! એટલે કોઈ આત્મા જાણી શકે નહિ. માણસ બીજું બધું જ જાણી શકે, પણ આત્મા જાણી શકે નહિ ! અને આત્મા જાણે ને, એને કેવળજ્ઞાનની વાર જ નથી.
હવે એ આત્માને ‘જ્ઞાનીપુરુષ' પાસેથી જાણે તો આત્મા પ્રાપ્ત થાય, નહિ તો આત્મા કોઈ કાળે ય પ્રાપ્ત થાય નહિ. ‘જ્ઞાનીપુરુષે’ આત્મા જોયેલો હોય, જાણેલો હોય, અનુભવેલો હોય અને ‘પોતે’ ‘આત્મા’ સ્વરૂપે જ રહેતા હોય ! એટલે એવા ‘જ્ઞાનીપુરુષ’ પાસેથી ‘પોતે’ ‘આત્મા’ જાણે ત્યારે કામ થાય.