________________
આપ્તવાણી-૮
૧૭
આપ્તવાણી-૮
દાદાશ્રી : ના, પડછાયા જેવું નથી, એવી કશી વસ્તુ ત્યાં આગળ ના હોય, પડછાયો એ પુદ્ગલ છે.
પ્રશ્નકર્તા: જેમ આપણે હવામાં હાથ ફેરવીએ ને કંઈ હાથમાં ના આવે, તેમ મોક્ષમાં ત્યાં જઈએ ને આમ હાથ ફેરવીએ તો આપણને કંઈ ભટકાય ખરું ?
દાદાશ્રી : ના. આમ હાથ ફેરવીએ તો કશું ય હાથમાં ના આવે. અરે, આ અગ્નિ લઈને આમ આત્માની મહીં ફેરવીએ તો ય આત્મા દઝાય નહીં. આમ મહીં હાથ ફેરવીએ તો ય આત્મા હાથને અડે નહીં. એવો આત્મા છે. એ આત્મામાં બરફ ફેરવીએ તો ય ઠંડું ના થઈ જાય, એમાં તલવાર ફેરવો તો એ કપાય જ નહીં.
પ્રશ્નકર્તા : છતાં આકાર તો હોય ને ?
દાદાશ્રી : એ નિરાકારી આકાર છે, નિરંજન-નિરાકારી આકાર છે. એ તમારી કલ્પનામાં છે તેવો આકાર નથી. એનો ‘સ્વભાવિક’ આકાર છે !
આત્મા, દેહમાં ક્યાં નથી ? પ્રશ્નકર્તા : આત્મા જે છે એનો એક્સ-રેમાં કે કોઈ સાધનમાં ફોટો પણ પડતો નથી !
દાદાશ્રી : હા, આત્મા તો બહુ સૂક્ષ્મ છે એટલે એ હાથમાં આવે નહીં ને ! કેમેરામાં ના આવે ને આંખે દેખાય નહીં; દૂરબીનથી ય દેખાય નહીં, કશાથી દેખાય નહીં એવો આત્મા સૂક્ષ્મ વસ્તુ છે !
પ્રશ્નકર્તા : એટલે આશ્ચર્ય થાય કે આત્મા ક્યાં હશે !
દાદાશ્રી : એ આત્માની આરપાર દેવતા ચાલ્યો જાય તો ય એને દેવતા અડે નહીં, એટલો બધો આત્મા સૂક્ષ્મ છે.
પ્રશ્નકર્તા : પણ આ શરીરમાં આત્માનું સ્થાન કયું છે ?
દાદાશ્રી : એવું છે, આત્મા આ શરીરમાં કઈ જગ્યાએ નથી ? આ વાળમાં આત્મા નથી અને આ નખ છે ને, જેટલા નખ કાપીએ છીએ
ને, એ ભાગમાં આત્મા નથી. બીજે બધે જ આ શરીરમાં આત્મા છે. એટલે
ક્યા સ્થાનમાં આત્મા છે એવું પૂછવાની જરૂર નથી, કયા સ્થાનમાં આત્મા નથી, એમ પૂછવાનું.
આ વાળમાં, આપણે જે વાળ કાપીએ છીએ ને, એમાં આત્મા નથી. ઊંઘમાં કોઈએ વાળ કાપી લીધા તો આપણને કશી ખબર ના પડે એટલે એમાં આત્મા નથી અને જ્યાં આત્મા છે ને ત્યાં તો આ ટાંકણી ખોસીએ તો તરત ખબર પડી જાય.
પ્રશ્નકર્તા : સામાન્ય રીતે આત્મા તો મગજમાં હોય ને ? અને આ જ્ઞાનતંતુઓને લીધે પેલી ટાંકણી ખોસીએ તો ખબર પડે ને ?
દાદાશ્રી : ના, આખા શરીરમાં આત્મા છે. મગજમાં તો મગજ હોય, એ તો મશીનરી છે અને એ તો આ બધી અંદરની ખબરો આપનાર સાધન છે. આત્મા તો આખા શરીરમાં જ રહેલો છે. અહીં પગે જરીક કાંટો વાગ્યો કે તરત ખબર પડી જાય ને ?!
એટલે આ દેખાય છે ને તે ફોટો જ આત્માનો છે. ફક્ત એની ઉપર પડળ ચઢી ગયાં છે એટલું જ, બાકી, ફોટો એનો એ જ છે. આત્માનો ફોટો પછી એનો એ જ રહે છે !
એટલે આ શરીરમાં જ્યાં જ્યાં ટાંકણી અડાડીએ ને ખબર પડે છે ત્યાં આત્મા છે. રાત્રે હઉ જરા ટાંકણી અડાડે તો ખબર પડી જાયને ?! બાકી આ શરીરમાં જ્યાં જ્યાં ટાંકણી અડાડીએ ને દુઃખ થાય, એ જાણે છે તે આત્મા છે. નહિ તો આત્મા ચાલ્યો જાય પછી આપણે ટાંકણી માર માર કરીએ તો ય પણ ચંદુભાઈ બોલે નહીં, કશું ય હલે કરે નહિ !
પ્રશ્નકર્તા : આત્માને દુઃખ થાય છે એમ આપણે કહી શકીએ ?
દાદાશ્રી : આત્માને દુ:ખ હોય નહિ. આ બરફ પર દેવતા નાખીએ તો બરફ દઝાય ખરો ?
પ્રશ્નકર્તા: વાળ કાપવાથી આપણને દર્દ થતું નથી, એટલે ત્યાં આત્મા નથી ?