________________
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
અત્યારે છે કે પછી એમાં વધઘટ થાય છે ?
દાદાશ્રી : એકે ય આત્માની વધઘટ થતી નથી. જેટલા અહીંથી મુક્તિમાં જાય છે એટલા આત્મા બીજી જગ્યામાંથી અહીં આવે છે, આ સંસાર વ્યવહારમાં આવે છે. વ્યવહાર એટલે જે જીવોનાં નામરૂપ પડ્યાં, એ વ્યવહારમાં આવી ગયાં. એટલે આ ગુલાબનો છોડ છે એ વ્યવહારમાં આવ્યો કહેવાય. અને જેનું હજુ નામરૂપ કંઈ પડ્યું નથી એ વ્યવહારમાં જ આવ્યા નથી. એવા જીવો અનંતા છે કે જે વ્યવહારમાં આવ્યા નથી, એટલે એમનો તો હિસાબ જ ગણશો નહીં. અહીંથી જેટલા મોક્ષે જાય તેટલા પેલામાંથી અહીં આવી જ જાય. એટલે આ વ્યવહારમાં જેટલા જીવો છે તે તેટલા ને તેટલા જ રહે છે. એમાં વધઘટ કશું થતું નથી. એનું નામ સંસાર કહેવાય, એક વધે ય નહીં ને એક ઘટે ય નહીં. આપને સમજાયું ને ?
જેનું હજુ નામ પણ પડ્યું નથી એવા અનંતા જીવો છે, તેમાંથી અહીં આવે છે. અહીંથી જેટલા જીવો મોક્ષે ગયા કે તરત જ પેલા અહીં આગળ “એડમિટ' થાય છે, એ બધું કાયદેસર છે. એટલે અહીં તો જેટલાં છે ને એટલાં જ રહે, જયારે ગણો ત્યારે એટલાં ને એટલાં જ રહે.
વ્યવહાર એટલે કંઈ પણ નામ પડ્યું; ગુલાબ નામ પાડ્યું, બટાકો નામ પડ્યું, વાયુકાય નામ પાડ્યું, તે બધાંય વ્યવહારમાં આવી ગયા. પણ નામ નથી પડ્યું તે હજુ વ્યવહારમાં નથી આવ્યા !
પ્રશ્નકર્તા : એ જીવો કયા છે ?
દાદાશ્રી : એ બીજી જગ્યાએ છે. એ વાત બહુ સમજવા જેવી છે, બહુ ઊંડી વાત છે. પણ આપણે એટલું બધું ઝીણું ના ઊતરીએ, નહીં તો આત્મા ચૂકી જઈએ. એ બધું જ્ઞાની પુરુષનું કામ ! આપણે તો સમજી લેવું કે આ હકીકત શું છે ! પાછું આ ઝીણું યાદ રાખવા જઈએ તો મૂળ કરવાનું રહી જાય. તમે તમારી મેળે જ સમજજો, ને તમને પોતાને જ એ બધું દેખાશે. અમે જે દેખાડીએ છીએ એ રીતે ચાલ્યા કરશો તો તમને પણ એ સ્ટેશન આવીને ઊભું રહેશે; કેન્ટિનો દેખાશે, બધું ય દેખાશે. એટલે અત્યારથી પૂછ પૂછ ના કરશો. હજુ અહીં ભરૂચ આવ્યું હોય ને
તમે એમ કહો કે, ‘દાદા, મુંબઈમાં મરીનડ્રાઈવ કેવું લાગે ?” ત્યારે હું કહ્યું કે, “ભઈ, મુંબઈ આવવા દોને, ત્યાં જ જઈને જોજો !” આ તો શું થાય કે સુરત સ્ટેશને પેલી ઘારી આવી હોય તે ના ફાવે ને પેલું મરીનડ્રાઈવ યાદ આવ્યા કરે. એટલે આપણે કહીએ છીએ ને, કે અત્યારે નિરાંતે ખાતા-પીતા જાવ ! મુંબઈ જશો એટલે મરીનડ્રાઈવ તમને દેખાશે, અત્યારે નહીં દેખાય તો એનો બોજો રાખવા જેવો નથી !
પ્રશ્નકર્તા : આત્માઓની સંખ્યામાં વધઘટ થતી નથી એવો એનો અર્થ થયો ?
દાદાશ્રી : વધઘટ થાય જ નહીં, જે છે તે જ છે ! તેમાં ઓછું ય થતું નથી ને વધતું ય નથી. આ જગતમાં એકલો આત્મા જ નહીં, પણ અનાત્માનું ય એક પરમાણુ પણ વધઘટ નથી થતું. આટલી બધી લઢાઈઓ થાય, તોફાનો થાય, આટલાં બધા માણસો મરી જાય તો પણ એક પરમાણુ ઘટતું નથી ને એક પરમાણુ વધતું નથી, આત્માની સંખ્યામાં વધઘટ થતી નથી. જેમ છે એમ જગત છે, આનો ફેરફાર થઈ શકે એમ નથી.
પ્રશ્નકર્તા : તો પછી આ બધું કમઠાણ જે શક્તિ ચલાવે છે, તે શક્તિને કયા સ્વરૂપે ઓળખવી ?
દાદાશ્રી : આ બધું ચલાવે છે તે ? શક્તિ તો, એવું છે ને, આપણને પાંચ જણ હેરાન કરતા હોય તો આપણે કોનું નામ દઈએ કે આ આપણને હેરાન કરે છે ?
પ્રશ્નકર્તા : પાંચે ય જણનું.
દાદાશ્રી : હા, એવું અહીંયાં પણ કોઈ એકનું નામ દેવાય એવું નથી, આમ બધાં ભેગા થઈને કરે છે. આ તો બધું ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. એટલે બધાં ભેગાં થઈને કરે, એમાં કોનું નામ દેવાય ? એકનું નામ દેવાય ? અને છે આ બધું ફરજિયાત. આ સંસારમાર્ગ છે અને આત્મા સંસારમાર્ગમાં પસાર થઈ રહ્યો છે એની અસર છે. બીજું કશું છે નહીં, ‘ઈફેક્ટ’ જ છે ખાલી !!
એટલે આત્મા વધે ય નહીં ને ઘટે ય નહીં. પુદ્ગલે ય વધે નહીં,