________________
આપ્તવાણી-૮
૨૨૯
૨૩૦
આપ્તવાણી-૮
માયા-લોભ ઓછાં થયેલાં હોય, તો ય આપણે એને ચલાવી લેવાય. ત્યાં કંઈક ય અધ્યાત્મ હોય. કંઈક એટલે આખું પ્રાયમરી સ્ટેજમાં. બાકી, ખરું અધ્યાત્મ તો જગતમાં છે જ નહીં. આ તો લોકો અધ્યાત્મ ગાય છે એટલું જ છે. બાકી અધ્યાત્મ તો જગતમાં છે જ નહીં, અધ્યાત્મનો અર્થ શું થાય ? અધ્યાત્મ એટલે શું ?
અધ્યાત્મ રોડ એક એવો છે કે એ રોડ ઉપર ગયા પછી, બીજા આધિભૌતિક રોડ દેખાતાં જ નથી. એ રોડ જ જુદો છે. માટે અધ્યાત્મ શરૂ ક્યાંથી થાય છે ? કે આ બીજું દેખાતું બંધ થઈ જાય. છતાં એ મનમાં રહ્યા કરે. પેલા એનાં પર્યાયો, અવસ્થાઓ જે છે, તે મનમાં ચોંટી રહે, પણ એ રોડ દેખાતો બંધ થઈ જાય. એટલે અધ્યાત્મ તો એનું નામ કે ત્યાં આગળ મનમાં રહે, પણ આંખે ના દેખાય.
એવું છે. અધ્યાત્મમાં પહેલું તો સારું અને હિતકારી શું અને શું હિતકારી નહીં, એનો વિવેક કરવો પડે. હિતકારીને આપણે ગ્રહણ કરવું જોઈએ. અને અહિતકારી હોય તેનાથી છેટા રહેવું જોઈએ, એનો પહેલો વિવેક કરવો પડે.
આ ‘ચંદુભાઈ’ એ તો વ્યવહારમાં રહેવા માટેનું નામ છે. ‘તમે એકલા ચંદુભાઈ જ નથી, આ બાઈનાં ધણી પણ છો. આ છોકરાનો ફાધર થવું, આનો મામો થઉં, આનો કાકો થઉં’ એવાં કેટલાં લફરાં છે ? તે લફરાંને ને અધ્યાત્મને બહુ છેટું છે. તે લફરાં ના હોય ત્યારે જ અધ્યાત્મ થાય. હવે લફરાં છોડ્યાં કંઈ છૂટે એવાં નથી. આપણે છોડીએ તેથી કંઈ છૂટી જાય ? અહીં આવતા રહો તો ય એ લફરાં પાછાં તેડવા આવે અહીં આગળ ! એ લફરાં છોડે ખરાં ? !
એટલે ‘હું ચંદુભાઈ છું’ એ વ્યવહારથી બરોબર છે, પણ ખરી રીતે તેવું નથી. તો આપણે ખરી રીતે ‘શું છીએ” એ જાણવું જોઈએ ને ? ખરી રીત આપણી જોડે આવવાની અને વ્યવહાર તો અહીં પડી રહેવાનો. નામ તો બધું અહીં જ પડી રહેવાનું ને ? આ તમે તો અનામી છો.
હવે સમ્યક્દર્શન થાય ત્યારે અધ્યાત્મમાં આવ્યો કહેવાય. નહીં તો ત્યાં સુધી અધ્યાત્મમાં આવ્યો જ નથી. પછી એ ગમે તેટલાં પુસ્તકો વાંચે
તો ય એ અધ્યાત્મમાં ના આવે. સમ્યક્દર્શન થાય, ‘જેમ છે એવું’ દર્શન થાય ત્યારે અધ્યાત્મમાં આવે. એટલે એ બધી ‘રોંગ બીલિફ' ફ્રેકચર થાય ત્યારે ‘રાઈટ બીલિફ' બેસે.
પ્રશ્નકર્તા: ‘રાઈટ બીલિફ’ માટે મારે શું કરવું ? એ માટે ‘હું શરીર નથી, હું શરીર નથી’ એવું બોલવું ?
દાદાશ્રી : એવું નહીં, એમાં દહાડો ના વળે ! એવું જો કરશો તો ગાંડા થઈ જશો અને લોકો ય આવીને પૂછશે ‘અરે, શરીર નથી ત્યારે શું છે તે ?” એવું નથી કરવાનું. એવું ઘણાં કરે છે, તે ગાંડા થઈ ગયા છે !
પ્રશ્નકર્તા : તો ‘હું એક આત્મા છું' એવું કહેવાનું ?
દાદાશ્રી : ના, એવું ય ના બોલાય. કોઈ માણસ ઊંઘમાં આપણને એમ કહે કે, ‘તમે જરા બેસો, હું પણ સિનેમા જોવા આવું છું.’ તો આપણે
ક્યાં સુધી તપાસ કરવી કે એ અડધો કલાક, કલાક બેઠા, ત્યાં સુધીમાં એ ઊઠે નહીં, તો આપણે ના સમજીએ કે એ ઊંઘતો બોલે છે ? એવું ‘હું આત્મા છું, હું આત્મા છું' એ ઊંઘતો બોલે તે શું કામનો ?
પ્રશ્નકર્તા : એ ‘આત્મા છું'નો અનુભવ થવો જોઈએ ને ?
દાદાશ્રી : હા, અનુભવ થાય ને ! એ તો ‘જ્ઞાની પુરુષ’ અનુભવ કરાવી આપે, ત્યારે થાય.
પ્રશ્નકર્તા : પણ મારે જાતે આત્માનો અનુભવ કરવો હોય તો કેવી રીતે થાય ?
દાદાશ્રી : હું એ રીત કહું ને તો છે તો સહેલી, પણ તમારાથી એ થશે નહીં. અત્યારે માણસોનું મનોબળ બધું તૂટી ગયેલું છે.
છતાં તમને એક રસ્તો બતાવું કે તમારું ગજવું કપાયું હોય, પાંચ હજાર રૂપિયા ગયા હોય, તો તમને ભગવાનનો ન્યાય શું કહે છે ? કે ભાઈ, આ તમારાં જ કર્મનું ફળ છે, તેથી આ ગજવા કાપનારો તમને મળી આવ્યો. આપને સમજાયું ને ? આ તમારાં જ કર્મનું ફળ છે, પેલો તો નિમિત્ત છે. પણ આ લોકો શું કરે છે ? નિમિત્તને બચકાં ભરે છે.