Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
છે. આ વૃત્તિ સૂત્ર સ્પર્શી છે. સૂત્રના ગંભીર રહસ્યોને તેમાં પ્રગટ કરવામાં આવ્યા છે. આ વૃત્તિ ગ્રંથકારની પ્રૌઢ રચના છે. અનુયોગદ્વારની ગહનતા સમજાવવા માટે આ વૃત્તિ અત્યંત ઉપયોગી છે. આચાર્ય હરિભદ્રની ટીકા અત્યંત સંક્ષિપ્ત હતી અને તે મુખ્યરૂપે પ્રાકૃત ચૂર્ણિનો જ અનુવાદરૂપ હતી. આચાર્ય હેમચંદ્ર સુવિસ્તૃત ટીકા લખી, પાઠકો માટે અનુયોગદ્વાર સૂત્રને સરળ અને સુગ્રાહ્ય બનાવી દીધું. આ વૃત્તિ (ટીકા)નું ગ્રંથમાન પ૯૦૦ શ્લોક પ્રમાણ છે. વૃત્તિની રચના સમયનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. છતાં આચાર્ય હેમચંદ્રાચાર્યનો સમય વિક્રમની તેરમી શતાબ્દી ગણાય છે.
સંસ્કૃત ટીકાયુગ પછી લોકભાષાઓમાં બાલાવબોધ' ની રચનાઓનો પ્રારંભ થયો. ટીકાઓમાં દાર્શનિક વિષયોની ચર્ચાઓ ચરમસીમા પર પહોંચી ગઈ હતી. સાધારણ લોકો તે સમજી ન શકે તેથી જનહિતની દષ્ટિએ આગમોના શબ્દાર્થ કરતા સંક્ષિપ્ત લોકભાષામાં 'ટબ્બા ઓ લખાવા લાગ્યા. આચાર્ય ધર્મસિંહજી મુનિએ વિક્રમની અઢારમી સદીમાં સત્યાવીસ આગમો પર બાલાવબોધ ટબ્બા લખ્યા. ટબ્બાઓ મૂળ સ્પર્શી અર્થને સ્પર્શ કરે છે. સામાન્ય પાઠકો માટે તે ખૂબ ઉપયોગી છે. અનુયોગદ્વાર પર પણ એક ટબ્બો છે.
ટબ્ધા પછી આગમોના અનુવાદનો યુગ શરુ થયો. આચાર્ય અમોલક ઋષિજીએ સ્થાનકવાસી પરંપરા માન્ય બત્રીસી આગમોનો હિન્દી અનુવાદ કર્યો. તેમાં અનુયોગદ્વાર પણ છે. આ અનુવાદ સામાન્ય પાઠકોને અત્યંત ઉપયોગી થયો. આચાર્ય આત્મારામજી સાહેબે આગમોના રહસ્યો ખુલ્લા કરવા આગમો પર હિન્દી વ્યાખ્યાઓ લખી. તે વ્યાખ્યાઓ સરળ અને સુગમ છે. તેઓએ અનુયોગદ્વાર પર પણ સંક્ષિપ્ત વિવેચન લખ્યું છે.
આચાર્ય ઘાસીલાલજી મહારાજ સાહેબે સંસ્કૃતમાં વિસ્તૃત ટીકાઓ લખી છે. સાથે જ તે ટીકાઓનો હિન્દી અને ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે. ટીકાઓમાં તેઓએ અનેક ગ્રંથોના ઉદાહરણ પણ આપ્યા છે.
આ રીતે અનુયોગદ્વાર સૂત્ર પર અનેક મૂર્ધન્ય મનીષીઓએ કાર્ય કર્યું છે. પ્રકાશનયુગ પ્રારંભ થયા પછી સર્વ પ્રથમ ઈ.સ. ૧૮૮૦માં માલધારી હેમચંદ્રાચાર્ય કૃત અનુયોગદ્દાર વૃત્તિ સહિત આ સૂત્ર રાયબહાદુર ધનપતસિંહ-કલકતાથી પ્રકાશિત થયું.
46