________________
કરેલા તત્ત્વ પર અંતરંગ વિશ્વાસ એનું નામ સમ્યગ્દર્શન. પ્રભુએ જે કહ્યું તે સાચું જ છે. એમ જે માને સુગુરુ સિવાય કોઇને પોતાના ગુરુ તરીકે સ્વીકારે નહીં. સુદેવની આજ્ઞા પ્રમાણે જ વર્તે અને સુદેવની જ આરાધના કરે. તે સુગુરુ સુદેવના સિદ્ધાંત પ્રમાણે જ ચાલે અને સુધર્મની જ આરાધના કરે. “અરિહંતો મહદેવો..” અરિહંત મારા દેવ છે. સુસાધુ મારા ગુરુ છે અને કેવલી પ્રણિત મારો ધર્મ એમ જે શ્રદ્ધાથી માને તે સમ્યગ્દર્શન. સુગુરૂ એ સંસાર અટવીમાં ભોમિયા સમાન છે. એના વિના જંગલમાં આથડી જવાય. સમ્યકત્વ એ આત્માનો વિષય છે. પ્રભુ મહાવીરે જેમ કહ્યું છે તે જ કરવા યોગ્ય છે. તે જ માનવા યોગ્ય છે. બીજા કોઇ ગમે તેટલા ચમત્કારો દેખાડે છતાં તેમાં લોભાય નહીં ઘણા એવા હોય છે. “ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ અને દ્વારકા ગયા તો દ્વારકાદાસ.' સમ્યગ્દર્શન ધરાવનાર પોતાનું મસ્તક (ઉત્તમાંગ) ગમે ત્યાં ઝુકાવનાર ન હોય. પરમાત્માને પણ જો અર્થકામની પ્રાપ્તિ માટે માને તો થયું લોકોત્તર મિથ્યાત્વ. ભગવાન પાસે પ્રાર્થના કરે મારા આર્તધ્યાન રૌદ્રધ્યાન દૂર થાઓ. મારી સમાધિ ટકી રહો એવી કૃપા કરો. જે દિવસે એમ લાગે કે હવે સમાધિ ખંડિત થશે ત્યારે પરમાત્મા પાસે પોતાના અંતરની વ્યથા વ્યક્ત કરવી. એક ભાઇ વાસક્ષેપ લેવા આવ્યા. સાહેબ, હરીયાણા સ્ટેટની લોટરીનું પરિણામ છે. આ લોટરી પર વાસક્ષેપ નાંખી આપો. લાગી જશે તો તમે કહેશો ત્યાં રૂપિયા લખાવીશ. આવા સોદાગરો પણ સમાજમાં ફરતા હોય છે. જ્યાં જુઓ ત્યાં મસ્તક નમાવી ન દેવાય. કંસારાના કબૂતર જેવા થઇ ગયા છો. એ બધા પણ અવાજથી ટેવાઈ ગયા હોય એમ તમો પણ સંસારના ભાવોથી જ ટેવાઇ ગયા નથીને ?
૧૮ દેશના માલિક કુમારપાળ ગુરુ પાસે જાય ત્યારે મસ્તક નમાવી દે. એમના જીવનમાં સમ્યગ્દર્શનની ખુમારી હતી. કુમારપાળ રાજાએ જ્યારે કંટકેશ્વરીદેવીને પશુઓનો ભોગ આપ્યો નહીં. કંટકેશ્વરી દેવી કહે છે કુળ પરંપરાથી મને મળતું આવ્યું છે. કુમારપાળ કહે છે હું નહીં આપું. સમ્યક્ટષ્ટિમાં ખુન્નસ એ તો રીએકશન છે. કંટકેશ્વરી દેવી ગુસ્સામાં આવીને કુમારપાળને ત્રિશુલ મારે છે. કુમારપાળ રાજાના આખા શરીરે કોઢ ઉત્પન્ન થઇ જાય છે. રાજા વિચારે છે કે હવે શું કરવું? ઉદયન મંત્રીને રાતના બોલાવે છે ને કહે છે કે ગામની બહાર ચિત્તા રચાવો. મંત્રી કહે છે કે એનું કારણ શું ? રાજા કહે છે આ મારૂં શરીર તો જુઓ. મંત્રી કહે છે આપણે ઉપચાર કરાવીશું. રાજા બનેલી હકીકત કહે છે. રાજા કહે છે સવાર પડશે ત્યાં લોકો મને જોશે તો જિનશાસનની નિંદા કરશે. જેની ઉપર શ્રદ્ધા હોય એનું કોઈ ખરાબ બોલે તો સહન ન થાય. શ્રદ્ધાના ત્રણ પગથિયા છે. પરિચય પ્રેમશ્રદ્ધા. પરમાત્માના શાસનનો પરિચય કુમારપાળને છે. કુમારપાળના હૃદયમાં અવિહડ શ્રદ્ધા હોવાથી તેઓ કહે છે કે મારા શાસનનું ખરાબ ન દેખાવું જોઇએ. હું બળીને મરી જઇશ તો લોકો એટલું જ કહેશે રાજા બળીને મરી ગયા. મહાપુરુષોને મનાવવાની એક રીત હોય છે એમની વાતનો ક્યારેય વિરોધ ન કરવો. પહેલા એમની વાત સ્વીકારો.