________________
લાગ્યું - ભાગી જઇશ, તો શેઠની શંકા વધુ મજબૂત થશે. આથી તે પ્રાણાયમનો યોગ કરી શ્વાસ રોકીને શબની માફક ભૂમિ પર સૂઈ ગયો. ભોલાએ ચારે બાજુ જોયા પછી પિતાને કહ્યું, આમ તો કોઇ દેખાતું નથી, પણ એક શબ પડ્યું છે, એનો શ્વાસ ચાલતો નથી. શેઠ કહે, તું સાવ ભોળો છે. એ ચોર હશે. પ્રાણાયમથી શ્વાસ રોકી લીધો હશે. આ લાકડી લઇને જોરથી તેને ફટકા મારી આવ. જીવતો હશે તો ચીસ પાડશે. આ સાંભળી ચોર ડરી ગયો. ભાગી જવાનો વિચાર કર્યો, પણ પછી વિચાર્યું કે આટલું ધન મેળવવું હોય, તો માર તો સહન કરવો પડે. ધન વગર અપમાન સહન કરવું, તેના કરતાં આ માર સહન કરવો એ વધુ યોગ્ય છે. ભોલો આવ્યો. લાકડીથી ફટકા માર્યા. ચોરે તો ચુકારો પણ ન કર્યો. ભોલાએ પાછા આવીને પિતાને કહ્યું, “નક્કી એ તો મડદું જ છે. આવા ફટકા મારવા છતાં તેણે બૂમ નથી મારી.” પિતાજીએ કહ્યું, “અરે બેવકુફ, એતો એણે સહન કરી લીધું. એમ કર, આ ચાકુ વડે તેનો કાન કાપી લાવ. જીવતો આદમી કાન નહીં કપાવે.” ચોર ગભરાયો. પછી ધનમાટે કાન કપાવવાનું પણ નક્કી કર્યું. ભોલાને મુડદાં સાથે આ રમત કરવાનું પસંદ નહોતું. પરંતુ કરે શું ? અનિચ્છાએ જઇને પિતાના વિશ્વાસ ખાતર એકને બદલે બંને કાન કાપી લાવ્યો. પિતાજીને તે બતાવી કહ્યું,“તે ખરેખર મડદું જ છે, નહિ તો કોણ પોતાના બે કાન કાપવા દે ?” પિતાજી કહે,“તારી વાત બરાબર છે. પરંતુ આટલું ગરમ લોહી જોઈ હજુ મારા મનને સમાધાન નથી થયું. ગમે તેમ પણ તું પાછો જા અને તેનું નાક કાપી લાવ.” આ સાંભળી ચોર ખરેખર ગભરાઇ ગયો, પણ તેણે મનમાં વિચાર્યું,“આ અભિનયનો નાટક કરી માર ખાધો, કાન કપાવ્યાં તો હવે તો અભિનય પૂરો જ કરવો. ભલે નાક કપાય.” ભોલો પિતાની વાત સાંભળી ખૂબ નારાજ થયો, છતાં તે નાક કાપીને લાવ્યો અને બરાડી ઊઠયો, આ શું વારે ઘડીએ મડદાને કાપવાનું ? હવે મને વધુ સતાવો નહિ. એ મડદું જ છે. નહિ તો કોણ નાક કપાવા છતાં બરાડી ન ઉઠે ? લક્ષ્મીદાસને હવે વિશ્વાસ બેઠો. બધું ધન જમીનમાં ખાડો ખોદી દાટી દીધું અને ઘેર પાછા ફર્યા. પછી ચોરે બધું ધન લઇ લીધું. એ તો કરોડપતિ બની ગયો. બનાવટી નાક બનાવડાવ્યું. પાઘડી એવી રીતે બાંધવા લાગ્યો કે લોકોને ખબર પણ ન પડે કે એને બંને કાન નથી. એકવાર લક્ષ્મીદાસે એને જોયો. ઢંકાયેલા કાન અને બનાવટી નાક જોઇ શંકા પડી. ભોલાને લઇ તરત જ જંગલમાં ગયા. ત્યાં ધનની જગ્યાએ માટી જોઇ છાતી કૂટવા લાગ્યા. પહેલા ભોલાની ભૂલ બતાવી. પછી કહ્યું, “ભૂલ તો મારી જ હતી. નાક, કાન કાપવાને બદલે તેનું ગળું જ કાપી નાખવાનું હતું.”
પછી રાજા પાસે જઇને ચોર પર ધન ચોરવાનો આરોપ મૂક્યો. ફરિયાદ કરી.