________________
માર્ગમાં, બીજી એક રીતે પણ, મદદરૂપ બની રહે છે, જે વિશે ગ્રંથકારે સાધકનું ધ્યાન ગ્રંથમાં જ આ પ્રમાણે ખેંચ્યું છે :
સ્વયંભૂ પરમાત્માએ મનુષ્યનાં સ્થૂલશરીરની રચના જ એવી રીતે કરી છે કે એની સર્વ જ્ઞાનેન્દ્રિયો - આંખ, કાન, નાક વગેરે - બહિર્મુખ છે, તેથી તે બહારનું જ બધું જુએ છે, સાંભળે છે, સૂંઘે છે, વગેરે :
-
पराञ्चि खांनि व्यतृणत्स्वयंभूः
तस्मात् पराङ् पश्यति नान्तरात्मन् ।
(કઠ-ઉપનિષદ્ ૨, ૧, ૧)
મોક્ષાર્થી સાધકે, ‘વિવેક’ના ‘ચૂડામણિ'ના પ્રકાશને સાર્થક કરીને, પોતાના મોક્ષપ્રાપ્તિના માર્ગમાં પ્રગતિ કરવી હોય તો, તેણે ‘બહિર્મુખ' (Extrovert) મટીને ‘અંતર્મુખ’ (Introvert) બનવું જ રહ્યું ઃ ઇન્દ્રિયો ભલે ‘બહિર્મુખ’ હોય, સાધક પોતે સતત ‘વિવેક’શીલ રહીને, ‘અંતર્મુખ’ બની શકે.
આ પહેલાં, જેનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે ‘પ્રસ્થાનત્રયી’માંના ગ્રંથોમાં વેદાન્તવિદ્યાના જે પાયાના સિદ્ધાંતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે, એટલું બધું અઘરું છે કે સામાન્ય માણસ તેને સહેલાઈથી સમજી કે ગ્રહણ ન કરી શકે. આ મુશ્કેલીનું નિવારણ એક જ રીતે થઈ શકે અને એ છે આવા અઘરા વિષયોનું નિરૂપણ સરળ-સુબોધ ભાષાશૈલીમાં કરી શકે તેવા ગ્રંથોની રચના. આવો ગ્રંથ એટલે ‘વિવેકચૂડામણિ’ જેવો ‘પ્રકરણ-ગ્રંથ’. શંકરાચાર્યે પોતે આવા ૩૪ ‘પ્રકરણ-ગ્રંથો’ રચ્યા છે, જેમાંના મુખ્ય આ પ્રમાણે છે : ઉપદેશસાહસી, અપરોક્ષાનુભૂતિ, સ્વાત્મનિરૂપણ, આત્મબોધ, શતશ્લોકી, સર્વવેદાન્ત-સિદ્ધાંત-સાર-સંગ્રહ, મનીષાપંચકમ્, અદ્વૈતપંચરત્નમ્, અદ્વૈતાનુભૂતિ, કૌપીનપંચકમ્, નિર્વાણમંજરી, વિજ્ઞાનસુધા, જીવન્મુક્તલહરી, મણિરત્નમાલા, માયાપંચકમ્, પંચીકરણમ્ વગેરે. અને તેમાં ‘વિવેકચૂડામણિ’નું સ્થાન અગ્રપંક્તિમાં છે. બ્રહ્મસૂત્ર’ કે ઉપનિષદો જેવા કઠિન ગ્રંથોનો સ્વાધ્યાય કર્યા વિના પણ, વેદાંતવિદ્યાના તાત્ત્વિક સિદ્ધાંતોને આત્મસાત્ કરી શકાય, એવો આ ‘વિવેકચૂડામણિ'-ગ્રંથ પણ મહત્ત્વનો એક ‘પ્રકરણ-ગ્રંથ' છે, જે, ‘પ્રસ્થાનત્રયી’ના સ્વાધ્યાય માટે, એક પ્રકારનું પૂર્વભૂમિકા-રૂપ પ્રાથમિક-પ્રારંભિક સોપાન બની રહે છે.
નિરૂપણ-પદ્ધતિની દૃષ્ટિએ પણ આ ગ્રંથ નોંધપાત્ર છે. ગમે તેવું મહત્ત્વનું, - મહત્ત્વના વિષયનું, - નિરૂપણ કરવાનું હોય તો પણ, જો તે સીધા ઉપદેશના (Didactic) સ્વરૂપમાં કરવામાં આવે તો, તે શુષ્ક, કંટાળાજનક અને નીરસ બની જાય, એ એક માનસશાસ્ત્રીય હકીકત છે. પરંતુ જો તે, બે વ્યક્તિઓ વચ્ચેના વિવેકચૂડામણિ / ૨૭