Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
અમારો દીકરો જો જીવતો રહે તો પછી ભલેને એ સાધુ-સંન્યાસી થાય. એથી અમને તો આનંદ જ થશે. એને જોઈને અમારું જીવ્યુ લેખે લાગશે. અમે વચન આપીએ છીએ કે એને સંન્યાસી થતાં અમે અટકાવીશું નહિ.
ત્યારપછી સં. ૧૮૬૩માં તેમના ઘેર બાળકનો જન્મ થયો. બાળક અત્યંત તેજસ્વી હતું. પતિ પત્ની બાળકને લાડકોડથી ઉછેરવા લાગ્યાં. પંદર-પચીસ દિવસ થવા છતાં બાળકને કશું થયું નહિ, એથી તેમનો ડર નીકળી ગયો. તેમને ઉત્સાહ વધી ગયો. સાધુ મહાત્માનું વચન જાણે સાચું પડતું હોય તેવું લાગ્યું. એમ કરતાં બાળક મોટું થવા લાગ્યું.
બાળકનું નામ ટલસિંહ રાખવું એવી ભલામણ સાધુ મહાત્માએ કરી હતી. પંજાબી ભાષામાં ટલ એટલે વાજિંત્ર. સાધુ મહાત્માએ કહ્યું હતું કે આ બાળક જ્યારે મોટા સાધુ-સંન્યાસી થશે ત્યારે તેઓ જ્યાં જશે ત્યાં તેમની આગળ બેન્ડવાજાં વાગતાં હશે. માટે બાળકનું નામ દલસિંહ રાખશો. એટલે માતા-પિતાએ બાળકનું નામ ટલસિંહ રાખ્યું. પરંતુ લોકો માટે આવું નામ તદ્દન નવીન અને અપરિચિત હતું. પંજાબના લોકોમાંથી લશ્કર-દલમાં જોડાનારા ઘણા હોય છે એટલે બાળકનું નામ ટલસિંહને બદલે દલસિંહ પ્રચલિત બની ગયું. જો કે આ નામ પણ વધુ સમય ચાલુ રહ્યું નહિ, કારણ કે માતાપિતા એ ગામ છોડીને બીજે ગામ રહેવા ગયાં. ત્યાં શેરીનાં છોકરાંઓએ દલસિંહનું નામ બુટાસિંહ કરી નાખ્યું.
લોકો બાળકના નામ માટે આજે જેટલા સભાન છે તેટલા ત્યારે નહોતા. સરકારી દફતર વગેરેમાં અધિકૃત નામ-નોંધાણીના પ્રશ્નો ત્યારે તેટલા મહત્ત્વના નહોતા. એટલે ટલસિંહને પછીથી તો માતાપિતા પણ બુટા (બુટાસિંહ) કહીને બોલાવતાં.
બુટાસિંહને પોતાને બાળપણથી જ ખાવાપીવા વગેરેમાં કે બીજી આનંદપ્રમોદની વાતોમાં બહુ રસ પડતો નહોતો. એમને સાધુ-સંન્યાસીઓની સોબતમાં અને ત્યાગ-વૈરાગ્યની વાતોમાં વધુ રસ પડતો હતો.
દલુઆ નાનું સરખું ગામ હતું. ત્યાં પ્રાથમિક શાળા પણ નહોતી એટલે બુટાસિંહને શાળામાં અભ્યાસ કરવાની કોઈ તક મળી નહોતી. ગામમાં શીખધર્મનું મંદિર ગુરુદ્વારા હતું. બુટાસિંહનાં માતા-પિતા શીખધર્મ પાળતાં હતાં અને ગુરુદ્વારામાં જતાં.
બુટાસિંહ જ્યારે આઠેક વર્ષના થયા ત્યારે એમના પિતાનું અવસાન થયું હતું. હવે કુટુંબમાં માત્ર માતા અને પુત્ર બે જ રહ્યાં હતાં. માતા પોતે જ્યારે ગુરુદ્વારામાં જતી ત્યારે તે સાથે નાના બાળક બુટાસિંહને લઈ જતી. ગુરુદ્વારામાં નિયમિત જવાને કારણે માતાની સાથે બુટાસિંહ પણ ધર્મપ્રવચન કરનાર ગ્રંથિસાહેબ જે ધર્મોપદેશ આપતા તે સાંભળતા હતા. વળી બપોરે બુટાસિંહે ગુરુદ્વારામાં જતા. ત્યાં છોકરાઓને શીખોની ગુરુમુખી ભાષાલિપિ શીખવવામાં આવતી. આમ કરતાં કરતાં
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org