Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
માટે યોગ્ય ન કહેવાય. એટલે હવે તો જે થવાનું હશે તે થશે એમ સમજીને તેઓ શ્રાવકો લઈ ગયા તે સ્થાનકમાં ઊતર્યા. તેઓ ત્યાં બેઠા હતા એટલામાં પચીસેક સાધુઓ અને લગભગ ૪૦૦ સ્ત્રીપુરુષો ત્યાં આવીને તેમને ઘેરી વળ્યાં. અમરસિંહજીની યોજના એવી હતી કે બુટેરાયજી પાસે મુહપત્તી મોઢે બંધાવવી અને જો ન બાંધે તો બધાંએ ભેગા મળી તેમનો સાધુવેશ ખેંચી લેવો.
ભેગા થયેલા ટોળામાંથી ગંગારામ નામના એક સાધુ કે જે જબરા હતા અને જે પોતાને ઘણા વિદ્વાન અને શાસ્ત્રના જાણકાર તરીકે ઓળખાવતા હતા તેમણે ઊભા થઈને બધાની વચ્ચે જોરથી મોટા અવાજે બધાને સંભળાય તે રીતે બુટેરાયજીને કહ્યું, “બુટેરાયજી, જો તમે આગમ સૂત્રોનું માનતા હો તો પછી આચાર્યનું કહ્યું પણ તમારે માનવું જોઈએ. પરંતુ તમે તે માનતા નથી.”
બુટેરાયજીએ કહ્યું, “હું સૂત્ર સિદ્ધાંતમાં માનું છું, અને આચાર્યનું કહેવું પણ માનું છું.”
ગંગારામજીએ કહ્યું, “જો તમે આચાર્યનું કહ્યું માનતા હો તો તમારા ગુરુ નાગરમલજી મુહપત્તી મોઢે બાંધતા હતા અને જિનપ્રતિમામાં માનતા નહોતા, તો તમે એમની વિરુદ્ધ કેમ વર્તો છો? તમે તમારા ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? તમે મૃષાવાદી છો; તમે નિકૂવ છો; તમે મિથ્યાષ્ટિ પતિત છો.' આ સાંભળી બુટેરાયજીએ કહ્યું, “મને મારા ગુરુ નાગરમલજીએ શિખવાડ્યું છે કે
अरिहंतो मह देवो जावज्जजीवं सुसाहुणो गुरुणो।
जिणपन्नतं तत्तं, इह सम्मतं मए गहियं । (સુદેવ અરિહંત, સુસાધુ ગુરુ તથા જિનેશ્વર ભગવાન દ્વારા પ્રરૂપિત તત્ત્વ(ધર્મ)નું જાવ જીવ હું શરણ ગ્રહણ કરું છું.)
મારા ગુરુ નાગરમલજીએ મને જે આ શિખવાડ્યું છે તેનો હું સ્વીકાર કરું છું, એમાં સૂત્ર સિદ્ધાંત અને ગુરુની આજ્ઞા બંનેનો સ્વીકાર આવી જાય છે. મારે માટે એ પ્રમાણ છે. કુદેવ, કુગુરુ, કુધર્મ મારે માટે પ્રમાણ નથી.”
આ સાંભળી નક્કી કરેલી યોજના પ્રમાણે ગંગારામજીએ બૂમ પાડીને બધાને કહ્યું, “ભાઇઓ ! બુટેરાયજી સાથે વધારે વાત કરવાનો કોઈ અર્થ નથી. જો તેઓ અત્યારે મુહપત્તી ન બાંધે તો તમે બધા અત્યારે જ એમનો વેશ ઉતારી લો અને એમને મારીને અહીંથી બહાર કાઢી મૂકો.”
આમ વાદવિવાદ ઉગ્ર ઝગડામાં પરિણમ્યો. એ જો વધે તો જૈન સાધુઓની શોભા નહી રહે એમ સમજીને બુટેરાયજીના એક અનુરાગી બનાતીરામ નામના એક જબરા શ્રાવકે ઊભા થઈને મોટા અવાજે સંત-મહાસતીઓને કહ્યું કે “શું તમે બધા અહીં શાસ્ત્રની ચર્ચા કરવા આવ્યા છો? તમને જૈન સાધુ-સાધ્વીઓને આમ કરવું શોભે છે? તમે બધાં અહીંથી હઠો અને પોતપોતાના સ્થાને જાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org