Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
એક વખત મૂળચંદજી મહારાજ અમદાવાદમાં ઉજમફઈના ઉપાશ્રયમાં નીચે વ્યાખ્યાન આપી રહ્યા હતા ત્યારે ઉપાશ્રયમાં ઉપર બે નવદીક્ષિત યુવાન સાધુઓ વચ્ચે બોલાચાલી થઈ. તેઓ એટલું મોટેથી બોલતા હતા કે વ્યાખ્યાનમાં પણ તેમનો અવાજ સંભળાવા લાગ્યો. થોડી વારે ઉપરની ગરબડ શાંત થઈ. વ્યાખ્યાન પૂરું થયું અને સૌ વિખરાયા. એ વખતે પ્રેમાભાઈ શેઠ અને બીજા કેટલાક આગેવાનોએ મૂળચંદજી મહારાજને એકાંત સાધીને કહ્યું, ગુરુ મહારાજ, આપના સાધુઓ આમ અંદરઅંદર લડે અને મોટેથી સામસામે બરાડા પાડે એ કેટલી શરમાવનારી વાત છે !
મૂળચંદજી મહારાજે એ સાંભળી લીધું, પણ કંઈ ઉત્તર આપ્યો નહિ. થોડા દિવસ પછી પર્વનો એક દિવસ આવ્યો. વ્યાખ્યાનમાં ભાઈઓ અને બહેનોની ઘણી સારી હાજરી થઈ. વ્યાખ્યાનના અંતે પતાસાંની પ્રભાવના હતી. એ વખતે વ્યાખ્યાન પૂરું કરીને ગુરુ મહારાજ, પ્રેમાભાઇ શેઠ અને બીજા આગેવાનો સાથે ઉપાશ્રયમાં ઉપર જઈને બેઠા. એટલામાં નીચે બૈરાંઓનો કોલાહલ વધતો ગયો અને મોટેમોટેથી કેટલાંક બૈરાંઓ પતાસાં માટે લડતાં હોય તેવું જણાયું. હાથ લાંબા કરી કરીને એકબીજાને તું તું કરીને લડતી સ્ત્રીઓમાં કોઈકનું હાથનું ઘરેણું પણ પડી ગયું. મૂળચંદજી મહારાજે આગેવાનોને કહ્યું, જુઓ તો ખરાં. આ કઈ બહેનો લડે છે? આગેવાનોએ જોઇ આવીને કહ્યું કે લડનારી બહેનોમાં કેટલીક તો મોટી મોટી શેઠાણીઓ પણ છે. મૂળચંદજી મહારાજે તક સાધીને કહ્યું, જુઓ ભાઈ પાંચ પતાસાં માટે આ મોટી મોટી શેઠાણીઓ પણ અંદર અંદર ઝઘડે છે. પોતાનાં ઘરેણાં કરતાં પણ પતાસાં એમને વહાલાં લાગે છે. હવે નગરની શેઠાણીઓજ ધર્મના પ્રસંગે માંહોમાંહે જો આમ બરાડા પાડતી હોય તો અમારી પાસે જે સાધુઓ આવે છે તે તમારા ઘરના જ યુવાનો છે. એટલે અમારા સાધુઓને સારા સંસ્કાર આપવાનું કામ તો અમે કરીએ જ છીએ. પરંતુ નવદીક્ષિત હોય ત્યારે પણ તેઓ સારા સંસ્કારી યુવાનો હોય એવું તમે જો ઇચ્છતા હો તો એની શરૂઆત તમારા ઘરથી જ કરવી જોઈએ. ગુરુ મહારાજની એ ટકોર સાંભળીને સૌ આગેવાન પરિસ્થિતિ સમજી ગયા અને સાધુઓની ટીકા કરતાં પહેલાં પોતાની જાતને અને કુટુંબને સુધારવાની પ્રથમ આવશ્યકતા છે તે તેમને સમજાયું.
મૂળચંદજી મહારાજે અમદાવાદમાં યતિઓ-શ્રીપૂજોનું જોર તોડી નાખ્યું. તેમને વંદન કરવાનું, તેમના સામૈયામાં જવાનું, તેમની પાસેથી પદવી લેવાનું બંધ કર્યું. તેમના સ્થાપનાચાર્ય ઉપર છેવટે રૂમાલ ઓઢાડવાનું પણ ન સ્વીકાર્યું. એ દિવસોમાં પાલિતાણામાં પણ યતિઓનું ઘણું જોર હતું. એને લીધે પાલિતાણામાં કોઈ સાધુઓનું સામૈયું પણ કરી શકાતું નહિ. સાધુઓ શત્રુંજયની યાત્રાએ આવે તો છાનામાના યાત્રા કરીને ચાલ્યા જાય. જાહેરમાં બહુ દેખાય તો યતિઓ તરફથી તેમને માર પણ પડે. યતિઓનો ડર સાધુઓને અને સંઘને ઘણો રહેતો. આવી પરિસ્થિતિમાં યતિઓનું જોર તોડવા માટે મૂળચંદજી મહારાજે કમ્મર કસી. તેમણે દર્શનવિજયજી મહારાજને ચાતુર્માસ માટે પાલિતાણા મોકલ્યા. દર્શનવિજયજીએ ત્યાં જઈ હઠીભાઈની ધર્મશાળામાં ચોમાસું કર્યું. સંઘના આગેવાનો તો યતિ પાસે જતા, પરંતુ યુવાનો તો સાધુઓની સમાચારીથી પ્રભાવિત થવા લાગ્યા.
૨૯
પંજાબના ચાર કાન્તિકારી મહાત્માઓ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org