Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
રામનગરથી કૃપારામને તેડી જવા માટે પિતાશ્રીનો માણસ આવ્યો હતો, કારણ કે કૃપારામના એક ભાઈનું અવસાન થયું હતું. દીક્ષા સમયસર લેવાઈ ગઈ એથી મુનિ વૃદ્ધિચંદ્રજીને બહુ આનંદ થયો.
દિલ્હીથી વિહાર કરી બુટેરાયજી મહારાજ પોતાના શિષ્યો સાથે જયપુર પધાર્યા. એમની ભાવના ગુજરાત બાજુ વિહાર કરવાની હતી. વૃદ્ધિચંદ્રજી મહારાજે સં. ૧૯૦૯ નું ચાતુર્માસ ગુરુ મહારાજ સાથે જયપુરમાં કર્યું હતું. સાથે મુનિ મૂલચંદજી, મુનિ પ્રેમચંદજી તથા મુનિ આનંદચંદજી મહારાજ પણ હતા. આ ચાતુર્માસમાં અભ્યાસનો વિશેષ લાભ થયો કારણ કે જયપુરમાં હીરાચંદજી નામના એક વિદ્વાન યતિ હતા. વૃદ્ધિચંદ્રજીને જોતાં જ તેમને તેમના ઉપર પ્રીતિ થઈ હતી. તેમણે વૃદ્ધિચંદ્રજીને સંસ્કૃત-પ્રાકૃતમાં વ્યાકરણ ભણાવવાનું તથા બીજા કેટલાક ગ્રંથોનો અભ્યાસ કરાવવાનું ઉત્સાહથી સ્વીકાર્યું. વૃદ્ધિચંદ્રજીની સાથે અન્ય મુનિઓને પણ આ લાભ મળ્યો.
જયપુરમાં હતા ત્યારે ગુરુ મહારાજ ત્રણે શિષ્યો અને કેટલાક શ્રાવકો સાથે પાસે સાંગનેરમાં દર્શન કરવા ગયા હતા. રસ્તામાં નદી આવતી હતી તે પાર કરવાની હતી. જતાં તો તેઓ પહોચી ગયા, પરંતુ બુટેરાયજી મહારાજને પગને તળિયે ફોલ્લા ઉપડી આવ્યા. હવે ચલાતું બંધ થઈ ગયું. એટલે તેઓને રાત્રિવાસ ત્યાં જ રહેવું પડ્યું. પરંતુ દર્દ જેટલું શમવું જોઈએ તેટલું શક્યું નહિ. બીજે દિવસે પાછા ફરતાં ગુરુ મહારાજથી ચલાતું નહોતું. ટેકો લઈને થોડું ચાલતા, થોડો આરામ કરતા, પરંતુ નદીના કાંઠાનો પ્રદેશ આવ્યો ત્યાં તો ચાલવું અશક્ય થઈ ગયું હતું. એ વખતે વૃદ્ધિચંદ્રજીએ ગુરુ મહારાજને પોતાના ખભે ઊંચકી લીધા. બીજા શ્રાવકોએ પણ તેમાં મદદ કરી. પણ સૌથી વધુ જહેમત તો વૃદ્ધિચંદ્રજીએ ઉઠાવી હતી.
જયપુરમાં ચાતુર્માસ પછી ગુરુ મહારાજ સાથે વિહાર કરી તેઓ કિશનગઢ પધાર્યા. ત્યાંથી અજમેર પધાર્યા. તે વખતે તેઓની હવે જિનપ્રતિમામાં શ્રદ્ધા દૃઢ થઈ હતી એટલે શત્રુંજય તીર્થની યાત્રા કરવાની અભિલાષા જાગી. દરમિયાન બિકાનેરના શ્રાવકો ચાતુર્માસ માટે વિનંતી કરવા આવ્યા હતા. ચાતુર્માસ પછી શત્રુંજયની યાત્રા માટે તરત વિહાર કરવો હતો પણ આ વર્ષે વૃદ્ધિચંદ્રજીને પગે વાનું સખત દર્દ ચાલુ થયું હતું, એટલે તેઓ બહુ લાંબો વિહાર કરી શકતા નહિ. એટલે તેઓ ગુરુ મહારાજ સાથે બિકાનેર પધાર્યા. ભૂલચંદજી મહારાજનું જંઘાબળ સારું હતું એટલે તેઓ લાંબા વિહાર કરી શકતા. તેમણે ગુરુ મહારાજની આજ્ઞા લઈ સીધો પાલિતાણા તરફ વિહાર ચાલુ કર્યો અને ત્યાં પહોંચી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી ચાતુર્માસ ત્યાં જ કર્યું. મુનિ પ્રેમચંદજી અને મુનિ આનંદચંદજીએ ગુરુમહારાજની આજ્ઞા લઈ પોતપોતાનો સ્વતંત્ર વિહાર કરી અન્યત્ર ચોમાસું કર્યું.
બિકાનેરના ચાતુર્માસ દરમિયાન મુનિ વૃદ્ધિચંદ્રજીએ ગુરુ મહારાજ પાસે શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો, પરંતુ અહીં ખરતગચ્છના યતિઓનું વર્ચસ્વ વધારે હતું. શ્રાવકોની ક્રિયાવિધિ પણ જુદી હતી. એટલે તેઓ પોતાની ઢુંઢક સમાચારીમાં પણ થોડો થોડો ફેરફાર કરતા રહ્યા હતા.
૩૬
Jain Education International
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org