Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
તેવા પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મોનો ઉદય જાણીને ઉપાધ્યાય મહારાજ તેમને રાગદ્વેષ ન કરવા માટે એક જ વાક્ય ભારપૂર્વક યાદ રાખવાનું, ગોખવાનું શિખવાડે છે ‘મા તુષ મા રુષ.’ મુનિને આ વાક્ય પણ પૂરું યાદ રહેતું નથી અને તેઓ માસતુસ ગોખે છે, પણ ઉપાધ્યાય મહારાજની શિખામણ પ્રમાણે અત્યંત ભાવપૂર્વક ગોખે છે. બીજાઓ એમની અજ્ઞાન દશાની હાંસી કરે છે, પણ મુનિ તો ગુરુ મહારાજની શિખામણ યાદ રાખીને, પોતનામાં જ મગ્ન બનીને એવી ઊંચી ભાવપરિણતિએ પહોંચે છે કે એમને કેવળજ્ઞાન થાય છે. આમ, ઉપાધ્યાય મહારાજ પાત્રાનુસાર અધ્યયન કરાવીને યોગ્ય જીવને કેવળજ્ઞાન સુધી પહોંચાડી શકે છે.
શ્રુતશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન એ ઉપાધ્યાય મહારાજના કર્તવ્યરૂપ છે. એટલા માટે પોતાનું અધ્યયન કરવામાં અને શિષ્યોને અધ્યયન કરાવવામાં તેઓ જો પ્રમાદ સેવે અથવા મન વગર, કંટાળા કે ઉદ્વેગ સાથે તેઓ અધ્યયન કરાવે તો તેમને દોષ લાગે છે અને તેનું તેમણે પ્રાયશ્ચિત્ત લેવું પડે છે.
ઉપાધ્યાય મહારાજનો આદર્શ તો એ છે કે એમની પાસે અધ્યયન કરવા આવનારને પણ થાક ન લાગે, પણ તેમના અધ્યયનમાં રસ, રુચિ અને વેગ વધે. શિષ્ય તરફથી આદરભાવ, પૂજ્યભાવ નૈસર્ગિક રીતે પામવો એ સહેલી વાત નથી. જ્ઞાનદાનની સાથે સાથે અપાર વાત્સલ્યભાવ હોય તો જ એ પ્રમાણે બની શકે. ઉપાધ્યાય મહારાજ શિષ્યોના શ્રદ્ધેય ગુરુ ભગવંત હોવા જોઈએ. આવા ઉપાધ્યાય મહારાજ મૂર્ખ શિષ્યને પણ જ્ઞાની બનાવી દે. તેઓ પથ્થરમાં પણ પલ્લવ પ્રગટાવી શકે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રીપાળ રાસમાં લખે છે
મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પલ્લવ આણે
તે ઉવજ્ઝાય સકલજન પૂજિત, સૂત્ર અરથ સવિ જાણે
જૈન શાસનની પરંપરામાં શિષ્યોને વાચના આપી ઉત્સાહિત કરવામાં કિશોર વયના શ્રી વજ્રસ્વામીનું ઉદાહરણ અદ્વિતીય છે. એમની પાસે વાચના લેનાર સાધુઓ એમના કરતાં ઉમરમાં ઘણા મોટા હતા. કેટલાક અલ્પબુદ્ધિના કે મંદબુદ્ધિના હતા. તેઓને પણ વજસ્વામી પાસે વાચના લેતાં બધું આવડી જતું. કેટલાક શિષ્યોને ધાર્યા કરતાં ઘણા ઓછા સમયમાં સમજાઈ જતું અને યાદ રહી જતું. વજ્રસ્વામી પાસે અધ્યયન કરાવવાની એક વિશિષ્ટ લબ્ધિ હતી.
આમ ઉપાધ્યાય પદનો મહિમા ઘણો મોટો છે. ઉપાધ્યાય-પદના નમસ્કારનું, જાપ અને ધ્યાનનું મહત્ત્વ શાસ્ત્રકારો એ સુપેરે સમજાવ્યું છે :
શ્રી ભદ્રબાહુસ્વામી આવશ્યક નિર્યુક્તિમાં ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરવાનો મહિમા સમજાવતાં કહે છે
ઉપાધ્યાય-પદની મહત્તા
Jain Education International
For Private & Personal Use Only
૧૫૩
www.jainelibrary.org