Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
ડૉ. કાન્તિલાલ બી. શાહ
જૈન સાધુકવિ સહજસુન્દર ઉપકેશગચ્છના સિદ્ધસૂરિ-ધનસારની પરંપરામાં રત્નસમુદ્ર ઉપાધ્યાયના શિષ્ય. એમણે રચેલ નાનીમોટી કૃતિઓની સંખ્યા ૨૫ જેટલી થવા જાય છે. એ કૃતિઓમાંની કેટલીકમાં મળતાં રચનાવર્ષને આધારે કવિ સહજસુન્દરનો જીવનકાળ ૧૬મી સદીનો પૂર્વાર્ધ હોવાનું નિશ્ચિત કરી શકાય છે. એમની રચનાઓમાં રાસ, છંદ, સંવાદ, સ્તવન, સજ્ઝાય વગેરે પદ્ય સ્વરૂપોનો સમાવેશ થાય છે.
કવિ સહજસુન્દરકૃત
ગુણરત્નાકરછંદ
ઋષિદત્તા મહાસતી રાસ, જંબૂસ્વામી અંતરંગરાસ, આત્મરાજ રાસ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસ, તેતલી મંત્રીનો રાસ, અમરકુમાર રાસ, ઈરિયાવહી વિચાર રાસ, પરદેશી રાજાનો રાસ, સ્થૂલિભદ્ર રાસ, શુકરાજ-સુડાસાહેલી રાસ, ગુણરત્નાકર છંદ, સરસ્વતીમાતાનો છંદ, રત્નકુમાર-રત્નસાર ચોપાઈ, આંખકાન સંવાદ, યૌવનજરાસંવાદ, તે ઉપરાંત કેટલીક સ્તવનો-સજ્ઝાયો જેવી કૃતિઓ સહજસુન્દરે રચી છે. પણ આ સૌમાં ઉત્તમ રચના કદાચ ગુણરત્નાકરછંદ જ છે. આ કૃતિ ઈ.સ. ૧૫૧૬ (સંવત ૧૫૭૨)માં રચાયેલી છે. એટલે કહી શકાય કે આ કવિનો જન્મ લગભગ ૫૦૦ વર્ષ પહેલાં થયો છે.
છેક હમણાં સુધી આ કવિની કેવળ ૩ નાની રચનાઓજ મુદ્રિત થઈ હતી. પણ તાજેતરમાં શ્રીમતી નિરંજના વોરાએ આ કવિની લગભગ ચૌદેક કૃતિઓ સંપાદિત કરેલી પ્રગટ થઈ છે. પણ એમની ઉત્તમ રચના ગુણરત્નાકરછંદ તો, એની સંખ્યાબંધ હસ્તપ્રતો ઉપલબ્ધ હોવા છતાં, હજી અપ્રકટ જ રહી છે.
ગુણરત્નાકરછંદ કૃતિનો મુખ્ય વિષય જૈન સંપ્રદાયમાં ખૂબ જાણીતા એવા સ્થૂલિભદ્ર-કોશાના કથાનકનો છે. આખી રચના કુલ ૪ અધિકારોમાં વહેંચાયેલી છે અને કુલ ૪૧૯ કડી ધરાવે છે. આખી કૃતિ વાંચતાં એક કથાત્મક કાવ્યકૃતિ તરીકે જે પાંચેક મુદ્દાઓ પરત્વે આપણું લક્ષ દોરાય છે તે મારી દૃષ્ટિએ આ પ્રમાણે છે :
૧. આ કૃતિમાં વાર્તાકથન કવિનું ગૌણ પ્રયોજન રહ્યું છે.
૨. અહીં કથન કરતાં ભાવનિરૂપણ અને વર્ણન વિશેષ ધ્યાન ખેંચે છે.
૩. કૃતિના બહિરંગની પણ કવિએ સવિશેષ માવજત કરી છે.
૪. ચારણી છટાવાળા વિવિધ છંદોને કવિએ ખૂબ લાડ લડાવીને એમાંથી ભરપૂર સંગીત ઊભું
કર્યું છે.
૫. કવિનાં પાંડિત્ય અને બહુશ્રુતતા અહીં પ્રગટ થાય છે.
આ પાંચ મુદ્દાઓમાંથી આપની સમક્ષ તો, આ કૃતિમાં થયેલાં ભાવનિરૂપણ અને વર્ણન વિશે, કેટલાંક ઉદાહરણો આપીને, થોડીક વાત કરીશ.
ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
૧૮૩
www.jainelibrary.org