Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
સંપ્રદાયને માન્ય એવાં બત્રીસ આગમોનું ઝીણવટપૂર્વક વારંવાર પરિશીલન કર્યું. પાંચેક વર્ષ કરેલા આગમોના અધ્યયનને કારણે મૂર્તિપૂજાનો વિરોધ એમના મનમાંથી નીકળી ગયો. જેમ જેમ શાસ્ત્રના મૂળ પાઠોનું વધુ ને વધુ ચિંતવન તેઓ કરતા ગયા તેમ તેમ મૂર્તિપૂજામાં તેમની શ્રદ્ધા વધુ ને વધુ દઢ થતી ગઈ. અને એક દિવસ, વિ. સં. ૧૯૧૨ માં એમણે અમદાવાદ આવીને પૂ. મણિવિજયજી મહારાજ પાસે નવેસરથી સંવેગી દીક્ષા ધારણ કરી. એમનું નામ બુદ્ધિવિજયજી રાખવામાં આવ્યું, પરંતુ બુદ્ધિવિજયજી કરતાં બુટેરાયજી મહારાજ તરીકે જ તેઓ વધુ જાણીતા રહ્યા.
પંજાબથી તેઓ ગુજરાતમાં આવ્યા ત્યારે પોતાના બે પંજાબી શિષ્યોને પણ લઈને આવ્યા હતાઃ (૧) મૂળચંદજી મહારાજ અને (૨) વૃદ્ધિચંદ્રજી મહારાજ તેઓ બંનેએ પણ મૂર્તિપૂજક સમુદાયમાં ફરીથી દીક્ષા ધારણ કરી અને તેઓનાં નામ અનુક્રમે મુકિતવિજય અને વૃદ્ધિવિજય રાખવામાં આવ્યાં. પરંતુ એમના ગુરૂની જેમ તેઓ પણ પોતાનાં મૂળ નામથી મૂળચંદજી મહારાજ ને વૃદ્ધિચંદ્રજી મહારાજ તરીકે વધુ જાણીતા રહ્યા. પોતાના ગુરુ મહારાજ સાથે તેઓ ગુજરાતમાં વિચરતા રહ્યા.
પોતાના માર્ગે ભવિષ્યમાં આત્મારામજી નામના પોતાના કરતાં પણ વધુ તેજસ્વી અને સમર્થ એવા એક પંજાબી સાધુ મહારાજ ગુજરાતમાં બીજા ઘણા સાધુ મહારાજ સાથે આવશે એવી ત્યારે એમને સ્વપ્નમાં પણ કલ્પના નહોતી. - આત્મારામજી મહારાજ જન્મ કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. એમનો જન્મ વિ. સં. ૧૮૯૨ ના ચૈત્ર સુદ ૧ ને મંગળવારના રોજ પંજાબના જીરાનગર નજદીક લહેરા નામના ગામમાં થયો હતો. એમનું નામ દિનારામ રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ હતું ગણેશચંદ્ર અને માતાનું નામ હતું રૂપાદેવી. એમનો પરંપરાથી પ્રાપ્ત થયેલો કુલધર્મ તે શીખધર્મ હતો. નાનાંમોટાં રાજ્યોની સત્તા માટેની ઉથલપાથલનો એ જમાનો હતો. અંગ્રેજી સલ્તનત પણ દેશી રાજ્યોને લડાવવામાં જાતજાતના કાવાદાવા કરતી હતી. નાનપણમાં માતા-પિતા ગુમાવનાર અશકત ગણેશચંદ્ર થાણેદાર તરીકે નોકરી કરી. ત્યાર પછી મહારાજા રણજિતસિંહના સૈનિક તરીકે કામ કર્યું. લહેરાના જાગીરદાર અત્તરસિંઘ શીખ ધર્મગુરુ હતા. ગણેશચંદ્રના, જોતાં જ મનમાં વસી જાય એવા પુત્ર દિત્તાને શીખ ધર્મગુરુ બનાવવા તેઓ ઇચ્છતા હતા. પરંતુ પોતાના પુત્રને ધર્મગુરુ બનાવવાની ઇચ્છા ગણેશચંદ્રની ન હતી. અત્તરસિંઘને એ વાતની ગંધ આવતાં ગણેશચંદ્રને કેદમાં પૂર્યા, તો પણ ગણેશચંદ્ર દિત્તાને સોંપવાનું કબુલ કર્યું નહિ.
એક દિવસ જેલમાંથી ભાગી જઈને ગણેશચંદ્ર અત્તરસિંઘ સામે બહારવટે ચડ્યા. એમ કરવામાં અંગ્રેજ કંપની સરકાર સાથે પણ તેઓ સંઘર્ષમાં આવ્યા, પકડાયા, દસ વર્ષની જેલ થઈ. આગ્રાની જેલમાં તેમને રાખવામાં આવ્યા. એક વખત ઉપરીઓ સાથેની બંદૂકની ઝપાઝપીમાં ગોળી વાગવાથી તેઓ મૃત્યુ પામ્યા. એક બહાદુર સરદાર ગણેશચન્દ્રના જીવનનો આમ કરુણ અંત આવ્યો.
૫૨
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org