Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
જ્યારે વૃદ્ધિચંદ્રજી મહારાજ તો કેટલું બધું પાણી વાપરે છે.'
મૂળચંદજી મહારાજ એ વ્યકિતને જાણતા હતા અને વૃદ્ધિચંદ્રજી મહારાજ સાથે વિસંવાદ કરાવવા માટે આવું તે બોલ્યો હતો એ તેઓ તરત સમજી ગયા. એમણે તેને સમજાવીને કહ્યું, “ભાઈ, પૂર્વના પડેલા સંસ્કારો જલદી જતા નથી. ગયા જન્મમાં વૃદ્ધિચંદ્રજી મહારાજ બ્રાહ્મણ હતા. હું મુસલમાન હતો અને તું ચમાર હતો. વૃદ્ધિચંદ્રજી મહારાજ બ્રાહ્મણ હતા. એટલે પાણી બહુ વાપરે એ દેખીતું છે, કારણ કે કહેવત છે કે ભેંસ, બ્રાહ્મણ ને ભાજી, પાણી જોઈ થાય રાજી. ગયા જન્મમાં હું મુસલમાન હતો. મુસલમાનો અઠવાડિયે એક દિવસ, જુમ્માના દિવસે ઓછા પાણીથી નહાય. એટલે હું ઓછું પાણી વાપરું તે યોગ્ય છે. અને ગયા જન્મમાં તું ચમાર હતો. ચામડા ચૂંથવાનું કામ તું કર્યા કરતો હતો. એટલે આ જન્મમાં પણ તું બધાના આત્મા સામે નહિ, પરંતુ શરીરની ચામડી સામે જોયા કરે છે. બધાંની ચામડીના દુર્ગુણો તને દેખાય છે. તું ચમાર હતો. એટલે તારામાં દોષદષ્ટિ આવે એ સ્વાભાવિક છે.” આમ કલ્પિત વાત કરીને મૂળચંદજી મહારાજે એ માણસને યુકિતપૂર્વક ચમાર જેવો કહ્યો. ત્યારથી એ માણસ સાધુઓના દોષ જોતો બંધ થયો.
અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ ને રોજનો નિયમ હતો કે ઘરેથી પાલખીમાં ઉપાશ્રયે આવી સામાયિક લઈ વ્યાખ્યાન સાંભળવા બેસે અને વ્યાખ્યાન પૂરું સાંભળે. એક વખત પ્રેમાભાઈ શેઠ કોઈકને મોઢે કહ્યું કે આપણો વેપારીઓનો સમય તો બજારમાં ક્યાં ચાલ્યો જાય તેની ખબર પડે નહિ, પરંતુ આપણા જૈન સાધુઓ આખો દિવસ ઉપાશ્રયમાં બેસીને શું કરતા હશે? એમનો સમય કેમ કરીને પસાર થતો હશે? તેમને કંટાળો નહિ આવતો હોય ?
પ્રેમાભાઈ શેઠે કરેલી આ ટીકા ફરતી ફરતી મૂળચંદજી મહારાજને કાને આવી. એમને એમ લાગ્યું કે પ્રેમાભાઇ શેઠને આ ટીકાનો જવાબ યુકિતથી આપવો જોઈશે. એક દિવસ એમણે પોતાના શિષ્યોને સૂચના આપી કે આજે મારું વ્યાખ્યાન ગમે તેટલું મોડે સુધી ચાલે તો પણ તમે મને સમયની યાદ અપાવતા નહિ. પછી એ દિવસે એમને વ્યાખ્યાનમાં અધ્યાત્મનો એવો સરસ વિષય વિવિધ દૃષ્ટાંતો સાથે ચાલુ કર્યો અને ત્રણ સામાયિક કરતાં પણ વધુ સમય એ વિષય ચલાવ્યો. પ્રેમાભાઈ શેઠ અને બીજા બધા શ્રોતાઓ તો તલ્લીન બનીને સાંભળી જ રહ્યા હતા.
વ્યાખ્યાન પૂરું થયું ત્યારે પ્રેમાભાઇ શેઠને ખબર પડી કે આજે તો એક નહિ પણ ત્રણ સામાયિક જેટલો સમય પસાર થઈ ગયે હતો. એમણે મહારાજને કહ્યું, “ગુરુ મહારાજ! અધ્યાત્મની વાતોમાં આજે તો એટલો બધો રસ પડ્યો કે સમય કયાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી.” મૂળચંદજી મહારાજે કહ્યું, “પ્રેમાભાઈ, તમે તો કોઈક જ દિવસ આવી અધ્યાત્મની ઊંડી વાતમાં રસ લેનારા છો, પરંતુ અમે સાધુઓ તો અધ્યાત્મની આવી વાતોમાં દિવસ-રાત રસ લેનારા રહ્યા. અમારો સમય કયાં પસાર થઈ જાય તેની ખબર જ ન પડે. ઊલટું અમને તો આવી વાતોમાં દિવસ-રાત વીતી જાય તો પણ સમય ઓછો પડે.”
૩૧
પંજાબના ચાર ક્રાન્તિકારી માહાત્માઓ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org