Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
બુટાસિંહને ગુરુમુખી ભાષા લખતાં-વાંચતાં આવડી ગઈ. શીખધર્મના ગ્રંથો જેવા કે ગ્રંથસાહેબ, મુખમણ, જપુજી વગેરે વાંચવાની તક પણ તેમને સાંપડી. વળી ગુરુદ્વારામાં પધારનાર સંતોનો પરિચય પણ થવા લાગ્યો. આમ રોજ નિયમિત ગુરુવાણીના શ્રવણ દ્વારા વધતા જતા ધર્માભ્યાસથી બુટાસિંહને ધર્મ પ્રત્યે રુચિ વધવા લાગી.
સોળેક વર્ષની ઉંમર થઈ હશે ત્યારે એક દિવસ બુટાસિંહે પોતાની માતાને કહ્યું, ‘મા ! મારે લગ્ન કરીને ઘરસંસાર માડંવો નથી. મારે સાધુ થવું છે.' એ સાંભળતાં જ માતાને સિદ્ધવચની બાબાએ કરેલી આગાહી સાચી પડતી લાગી. બુટાસિંહે જ્યારે સંન્યાસ લેવા માટે માતાની આજ્ઞા માંગી ત્યારે માતાએ એમને સમજાવતાં કહ્યું, ‘બેટા, મારા જીવનનો તું જ એક માત્ર આધાર છે. તારા પિતાનો સ્વર્ગવાસ થયો છે. તારે બીજાં કોઈ ભાઈબહેન નથી. એટલે તું ઘરની અંદર પણ સંન્યાસી તરીકે રહી શકે છે. તારો સ્વભાવ જોતાં હું તને લગ્ન કરવાનું ક્યારેય કહીશ નહિ. તારા માટે સિદ્ધવચની મહાત્માએ કરેલી આગાહી હું જાણું છું. તું સાધુ થશે એ વાત સાચી છે, પરંતુ તું ઘરમાં રહીને સાધુપણું પાળી શકે છે. એમ કરશે તો મને પણ સહારો રહેશે. તારે જો સાધુ થવું હોય તો મારા ગયા બાદ તું થજે.’
બુટાસિંહે કહ્યું, ‘માતાજી ! ઘરમાં મારું જરા પણ મન લાગતું નથી. જીવનનો ભરોસો નથી. વળી પંજાબના ઈતિહાસમાં તો કેટલીય માતાઓએ ધર્મને ખાતર પોતાના સંતાનને અર્પણ કરી દીધાં હોય એવા દાખલા છે. માટે મને ઘર છોડીને જવાની આજ્ઞા આપો.’
એ વખતે માતાજીએ કહ્યું, ‘બેટા, તું જો ઘર છોડીને જવા માટે મક્કમ હોય તો મારી તને એટલી જ સલાહ છે કે આ એક ઘરસંસાર છોડીને બીજા પ્રકારનો ઘરસંસાર નું વસાવતો નહિ. તું સાચો ત્યાગી સંન્યાસી બને એ મને વધુ ગમશે. માટે ભલે વાર લાગે, પણ તું કોઈ સાચા ત્યાગી-વૈરાગીવિદ્વાન સાધુની શોધ કરીને પછી એમની પાસે સંન્યાસ લેજે. તને જ્યાં જ્યાં જવાનું મન થાય ત્યાં ત્યાં તેવા સંન્યાસીઓ પાસે જઈને રહેજે અને તારું મન ન ઠરે તો ઘરે પાછો આવતો રહેજે. આ ઘર તારું જ છે. અને તારા માટે હંમેશા ખુલ્લું જ છે. તું જે મહાત્મા પાસે સંન્યાસ લેવાનું નક્કી કરે એની વાત પહેલાં મને કરજે અને પછી સંન્યાસ લેજે.'
માતાની આજ્ઞા મળતાં બુટાસિંહે સદ્ગુરુની શોધ શરૂ કરી. જ્યાંથી કંઈ માહિતી મળતી તો તે સાધુ મહાત્માને મળવા માટે તેઓ દોડી જતા અને એમની સાથે થોડા દિવસ રહેતા. એ રીતે તેઓ કોઈ વખત શીખ ધર્મગુરુ સાથે રહ્યા, કોઈ વખત ફકીરો સાથે રહ્યા, કોઈ વખત નાથ સંપ્રદાયના બાવાઓ સાથે રહ્યા, કોઈ વખત ધૂણી ધખાવનાર અને ચરસ-ગાંજો પીનાર ખાખી બાવાઓ સાથે રહ્યા, પરંતુ તેમને ક્યાંય પૂરો સંતોષ થતો નહિ. સંન્યાસીઓની સાથે રહેવાથી તે તે સંન્યાસીઓના સ્વભાવની વિચિત્રતાઓ કે મર્યાદાઓનો અને તેમના જીવનમાં ધન, મિલકત, કીર્તિ, નારી કે એવા
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
Jain Education International
For Private & Personal Use Only
૩ www.jainelibrary.org