________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦ ૧ દુઃખમિશ્રિત– (૧) સ્વાદિષ્ટ આહારમાં પણ સાચી ભૂખ વિના સ્વાદ આવતો નથી. જેમ ભૂખ વધારે તેમ સ્વાદ વધારે. આથી જ મજૂરને છાશરોટલા જેટલા મીઠા લાગે છે તેટલા મીઠા પકવાન્ન પણ ગાદી-તકિયે બેસી રહેનારા શેઠને લાગતા નથી. આથી પહેલા ભૂખનું દુઃખ પછી ભોજનનું સુખ.
(૨) અતિશય તૃષા લાગ્યા પછી જ માટલાનું શીતલ પાણી આનંદ આપે છે. શિયાળામાં તેવી તૃષાના અભાવે તે પાણી તેવું આનંદ આપતું નથી. પહેલાં તૃષાનું દુઃખ, પછી ઠંડા પાણીનું સુખ.
(૩) ઘેઘૂર વડલાની છાયા તાપના અનુભવ વિના આનંદ આપતી નથી. શિયાળામાં એ જ છાયામાં જરા ય બેસવાની ઇચ્છા થતી નથી. આમ પહેલાં તાપનું દુઃખ, પછી છાયાનું સુખ.
(૪) કલાકો સુધી મહેનત કર્યા પછી જ ઘસઘસાટ ઊંઘની મજા માણી શકાય છે. મજૂર ઊંઘની જે મજા માણી શકે છે, તે મજા ગાદી-તકિયે બેસી રહેનાર શેઠ માણી શકતો નથી.
આમ સંસારમાં પહેલાં દુઃખ અને પછી સુખ.
બીજી રીતે વિચારીએ તો પણ ભૌતિક સુખ દુઃખ મિશ્રિત છે. તે આ પ્રમાણે–મનુષ્ય પોતાના જીવનમાં મનગમતાં સ્વાદિષ્ટ ભોજન કર્યા હોય, સ્વાદિષ્ટ પીણાં પીધા હોય, સ્ત્રીની સાથે સંભોગ સુખનો અનુભવ કર્યો હોય ઇત્યાદિ સુખના કલાકો અને એ સુખનાં સાધનો મેળવવા માટે શારીરિકમાનસિક જે તકલીફો સહન કરી હોય તેનાં કલાકો ગણવામાં આવે તો તકલીફોનાં કલાકો વધી જાય.
આમ ભૌતિક સુખ દુઃખમિશ્રિત છે.
આંતરાવાળું– આવું દુઃખમિશ્રિત પણ સુખ સતત ભોગવી શકાય નહિ. વચ્ચે વચ્ચે આંતરું પાડવું જ પડે. સતત ભોજન કરી શકાય નહિ. સતત સંભોગ કરી શકાય નહિ. સતત ટી.વી. જોઈ શકાય નહિ. ભૌતિક કોઈ પણ પ્રકારનું સુખ સતત ભોગવવાની ગમે તેટલી તીવ્ર ઇચ્છા હોવા છતાં વચ્ચે વચ્ચે આંતરું પાડવું જ પડે છે.
અનિત્ય– દુઃખમિશ્રિત અને આંતરાવાળું પણ સુખ અનિત્ય છે. એ સુખનો અવશ્ય વિયોગ થાય. કારણ કે ભૌતિક સુખને ભોગવવા શરીર,