________________
અ૦ ૫ સૂ૦ ૩૦]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૧૫
સત્ વસ્તુ પરિવર્તન પામે છે એટલે અનિત્ય છે અને પરિવર્તન પામવા છતાં પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કરતી નથી માટે નિત્ય છે. આને પરિણામી નિત્ય કહેવામાં આવે છે. પરિણામ(=પરિવર્તન) પામવા છતાં નિત્ય રહે તે પરિણામી નિત્ય.
સૂક્ષ્મદૃષ્ટિથી વિચારવામાં આવે તો ખ્યાલ આવ્યા વિના ન રહે કે કોઇપણ વસ્તુ પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામ્યા વિના રહેતી નથી. દરેક વસ્તુમાં પ્રત્યેક ક્ષણે થોડું ઘણું પરિવર્તન અવશ્ય થયા કરે છે. પ્રતિક્ષણે થતું આ પરિવર્તન ઘણું જ સૂક્ષ્મ હોવાથી આપણા ખ્યાલમાં આવતું નથી. આ પરિવર્તન સર્વજ્ઞ ભગવંતો જ જોઇ શકે. આપણે માત્ર સ્થૂલ સ્થૂલ પરિવર્તનને જ જોઇ શકીએ છીએ. વસ્તુમાં સૂક્ષ્મરૂપે કે સ્થૂલરૂપે પરિવર્તન થવા છતાં તે પોતાના સ્વરૂપને(=દ્રવ્યત્વને) કદી છોડતી નથી. આથી તમામ વસ્તુઓ પરિણામી નિત્ય છે. દા.ત. કાપડનો તાકો કાપીને કોટ વગેરે વસ્ત્રો બનાવ્યાં. અહીં તાકાનો નાશ થયો અને કોટ આદિ વસ્રની ઉત્પત્તિ થઇ છતાં મૂળ દ્રવ્યમાં (કાપડપણામાં) કોઇ જાતનો ફેરફાર થયો નથી. કાપડ કાપડરૂપે મટીને કાગળ રૂપે કે અન્ય કોઇ વસ્તુરૂપે બન્યું નથી. અહીં કાપડ તાકા રૂપે નાશ પામીને કોટ આદિ વસ્ત્ર રૂપે ઉત્પન્ન થવા છતાં કાપડરૂપે કાયમ=નિત્ય રહે છે.
હવે આપણે એક ઘડા તરફ દૃષ્ટિ કરીએ. સ્થૂલદૃષ્ટિથી વિચાર કરતાં ઘણા કાળ સુધી આપણને ઘડો જેવો છે તેવો ને તેવો જ દેખાય છે, તેમાં કોઇ જાતનું પરિવર્તન દેખાતું નથી. પણ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારીએ તો એ ઘડામાં પ્રતિસમય પરિવર્તન થઇ રહ્યું છે. દા.ત. એ ઘડો બન્યો તેને અત્યારે (વિવક્ષિત કોઇ એક સમયે) બે વર્ષ થયાં છે. એટલે તે ઘડો અત્યારે (વિવક્ષિત સમયે) બે વર્ષ જૂનો કહેવાય. બીજા જ સમયે એ ઘડો બે વર્ષ અને એક સમય જેટલો જૂનો બને છે. આથી પૂર્વના કરતાં વર્તમાન સમયમાં તેનામાં કાળકૃત પરિવર્તન આવી ગયું. ત્યાર પછીના સમયે તે ઘડો બે વર્ષ અને બે સમય જેટલો જૂનો બને છે. આમ બીજા પણ રૂપ આદિના અનેક સૂક્ષ્મ ફેરફારો પ્રત્યેક સમયે થયા કરે છે. પણ તે ફેરફારો=પરિવર્તનો અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણા ખ્યાલમાં આવતાં નથી. જ્યારે કોઇ સ્થૂલ પરિવર્તન થાય છે ત્યારે જ આપણને ખ્યાલમાં આવે છે. આમ પ્રત્યેક સમયે ઘટમાં પરિવર્તન થવા